ગુલઝારે જીવનના કિનારાને જુદી જ રીતે જોયો છે !

મોટે ભાગના માઝી સોંગ્સમાં હોડીને જીવનનૈયા તરીકે અને નદીને ભવસાગર તરીકે જોવામાં આવી છે. ભવસાગર પાર કરીને સામે કિનારે ઉતરવું તેને એક પ્રકારની પ્રાપ્તિ માનવામાં આવી છે. પરંતુ ગુલઝાર સાહેબની તો વાત જ કંઈક અલગ છે. (એટલે જ તો એમનો આટલો વટ છે ને!) ગુલઝારે કિનારાને સાવ જુદી જ રીતે જોયો છે.

અગાઉના ગીતોમાં તો કિનારો એટલે યાત્રાની ફલશ્રુતિ… તકલીફોનો અંત… એવું જ લખાયું છે. જેમકે ફિલ્મ ‘દર્પન’માં ‘દરપન જુઠ ના બોલે…’ વાળા ગીતના અંતરામાં આનંદ બક્ષીએ લખ્યું છે કે..

‘દૂર કિનારા તૂટી નૈયા, 
લેકિને પૂછે યે પૂરવૈયા… 
અપને આપ બને તુમ માઝી, 
ફિર કાહે મન ડોલે?’ 

અર્થાત્ ભલે નૌકા તૂટેલી ફૂટેલી છે, પણ તમે જાતે જ હોડી હંકારવાનું નક્કી કર્યું છે, પછી ડર શાનો?

પરંતુ ગુલઝાર કિનારાને જુદી રીતે સમજે અને સમજાવે છે. ફિલ્મ ‘ખુશ્બુ’નું માઝી સોંગ જુઓ: 

‘ઓ માઝી રે… અપના કિનારા, 
નદિયા કી ધારા હૈ!’

ગુલઝાર સાહેબે તો મુખડામાં જ લખી દીધું કે આપણો કિનારો, આપણી મંઝિલ, આપણું જે કંઈ મેળવવાનું છે એ પેલો સામે છેડેનો કિનારો નહીં, આ નદીનું વહેણ જ છે! 

કવિનો ઈશારો એમ છે કે, કિનારો તો ‘અંત’ છે મારા ભાઈ ! જે વહે છે, જે સતત છે અને જે સાથે-સંગાથે છે એ જ તો જીવન છે ! ગુલઝારે અંતરામાં લખ્યું છે:

સાહિલોં સે બહનેવાલે, 
કભી સુના તો હોગા કહીં, 
કાગઝોં કી કસ્તીયોં કા 
કહીં કિનારા હોતા નહીં…’ 

સાહિલનો અર્થ થાય છે કિનારો. ગુલઝાર કહે છે કે, હે કિનારાઓ પાસેથી વહેનારાઓ ! તમે ક્યાંક સાંભળ્યું જ હશે કે કાગળની હોડીઓને કદી કિનારો મળતો નથી… યાને કે, જેમનું નસીબ કાગળની હોડી જેવું તકલાદી હોય છે એ બિચારા કદી કિનારે પહોંચી શકતા નથી. છતાં… એ લખે છે: 

કોઈ કિનારા, 
જો કિનારે સે મિલે 
વો અપના કિનારા હૈ…’ 

અર્થાત કોઈની હોડીનો કિનારો, કોઈની ઇચ્છાની તૃપ્તિ, જો બીજા કોઈની આશા સાથે મળે તો… ‘વો અપના કિનારા હૈ !’

જરા અઘરું છે, પણ ગુલઝાર તો આવું જ લખે છે ! ફિલ્મ ‘દુનિયાદારી’માં પંડિત વિશ્વેશ્વર શર્માનું એક ગીત છે: 

નાવ કાગઝ કી ગહેરા હૈ પાની, 
જિંદગી કી યહી હૈ કહાની, 
ફિર ભી હર હાલ મેં મુસ્કુરા કે 
દુનિયાદારી પડેગી નિભાની…’ 

અહીં આખો સૂર મજબૂરીનો છે. નસીબ અને સંજોગો તો કાગળની નાવ જેવા જ છે, છતાં જેને ‘દુનિયાદારી’ એટલે કે સમાધાનનો વચલો રસ્તો કહે છે તે અપનાવવો જ પડશે. પરંતુ ગુલઝાર આ જ વાતને થોડા બારીક શબ્દોમાં કહે છે કે 

કોઈ કિનારા, 
જો કિનારે સે મિલે, 
વો અપના કિનારા હૈ’ 

જો બે અધૂરા જીવો, બે હતાશ જીંદગીઓ એકબીજાને મળે તો એને આપણો ‘કિનારો’ જ સમજીને અપનાવી લેવામાં જ શાણપણ છે.

બીજા અંતરામાં ગુલઝાર ‘કિનારા’ની વ્યાખ્યા જરા ડિટેલમાં કરે છે: 

પાનીયોં મેં બહ રહે હૈં, 
કઈ કિનારે તૂટે હુએ…’ 

આ વહેતી નદીના ધસમસતા પ્રવાહમાં કંઈ કેટલીયે આશાના કિનારા તૂટીને જીવનનાં વહેણમાં વહી જ રહ્યા છે ને ! એ તૂટેલા કિનારાઓ પણ મંઝિલની તલાશમાં છે… આગળ ગુલઝાર લખે છે : 

રાસ્તોં મેં મિલ ગયે હૈ, 
કઈ સહારે છૂટે હુએ… 
કોઈ સહારા મઝધારે મેં મિલે 
વો અપના સહારા હૈ…’ 

જેના કિનારા અને સહારા છૂટી ગયા છે એ પણ ક્યાંક બીજા સહારાઓને મળી જાય છે, એ પણ નદીની ‘મજધાર’માં ! યાને કે ‘મુખ્યધારા’માં! નદીની વચ્ચોવચ્ચ ! આવો જ કોઈ સહારો જીવનની મુખ્યધારા એટલે કે છબછબિયાં કરતી યુવાની પછીનો જે સમય છે એમાં મળી જાય, તો એ આપણો જ સહારો છે એમ માની લો, દોસ્તો !

વાત તૂટતા અને ફરી બંધાતા સંબંધોની છે. વાત નિષ્ફળતા પછી ફરી મળતી સફળતાની છે. વાત નિરાશા પછી ફરી ઉગતી આશાની છે. એટલે જ ગુલઝારના ગીતની ધ્રુવપંક્તિ રિપીટ થતી રહે છે કે ‘અપના કિનારા… નદિયા કી ધારા હૈ !’ 

તમે એકવાર કિનારે પહોંચી જાવ છો પછી તો બધું પતી જાય છે ! અહીં તો જીવન જેવું મળ્યુ છે, અને જેટલું મળ્યું છે, એ જીવનના વહેણમાં સહજ રીતે વહેતા રહેવાની શીખામણ છે. (હવે જરા સહેલું લાગ્યું?)

ફિલ્મ ‘આવારા’માં શૈલેન્દ્રએ એક માઝી ગીત લખ્યું છે, જે ખાસ જાણીતું નથી. એના શબ્દો છે: 

નૈયા તેરી મઝધાર, 
હોશિયાર! હોશિયાર ! 
સૂઝે આર ન પાર, 
હોશિયાર! હોશિયાર !’ 

ફિલ્મમાં સિચ્યુએશન એવી છે કે પૃથ્વીરાજ કપૂરની પત્ની, જેને ડાકુઓ ઉપાડી ગયા હતા. તે છૂટીને પાછી આવી છે, પણ હવે તે સગર્ભા છે ! કહાણીમાં હવે કંઈ અમંગળ થવાનું છે તેની એંધાણી આપતું આ ગીત પિક્ચરાઈઝ પણ ભેદી રીતે કરાયું છે. અહીં નાવિકોની માત્ર કાળી છાયાઓ જ દેખાય છે, જે થોડી બિહામણી પણ લાગે છે…

ગીતના અંતરામાં શૈલેન્દ્રએ નાનકડું જ્ઞાન પણ વણી લીધું છે:

કાઠ કા ટુકડા બહ જાતા હૈ, 
લોહા ડૂબ કે રહ જાતા હૈ… 
જ્ઞાની, સોચ વિચાર !’ 

મતલબ કે, જો તું લાકડાની જેમ હળવોફૂલ રહીશ તો તરી જઈશ, પણ લોખંડની જેમ અહંકારી કે જ્ઞાની હોવાનો ભાર લઈને ફરીશ તો તારું ડૂબવું નિશ્ચિત છે ! 

કહે છે કે ‘આવારા’ રશિયા અને યુરોપના દેશોમાં બહુ હિટ હતી. પણ એ ધોળિયાઓ આવાં ગીતો પાછળનો મિનિંગ તો સમજ્યા જ નહીં હોય ને ! એ જ તો ભારતીય ફિલ્મોની ખુબી છે, બોસ !

***

- મન્નુ શેખચલ્લી

E-mail :mannu41955@gmail.com

Comments

  1. बालकी पूरेपूरी खाल निकाल दीया! वाह प्रभू!

    ReplyDelete

Post a Comment