ચૂંટણી પછીની ટચૂકડીઓ !


પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો આવી ગયા પછી શક્ય છે કે છાપાંઓમાં આ ટાઇપની ટચૂકડી જાહેરખબરો આવી શકે છે…

*** 

ફટાકડાનો સ્ટોક કાઢવાનો છે

એક્ઝિટ પોલના ભરોસે રહીને જંગી પ્રમાણમાં ખરીદેલા ફટાકડાનો આખો સ્ટોક વપરાયા વિનાનો પડ્યો હોવાથી સસ્તા ભાવમાં કાઢવાનો છે. લગ્ન, બર્થ-ડે કે ક્રિકેટ મેચમાં ભારતના વિજય પછી કામમાં આવી શકે તેવા તરોતાજા અને જોરદાર ફટાકડા ડિસ્કાઉન્ટમાં મેળવવા માટે સંપર્ક કરો: કોંગ્રેસ કાર્યાલય, રાયપુર, છત્તીસગઢ.

*** 

ઘટાડેલા ભાવે રિસોર્ટ મળશે

એક્ઝિટ પોલ પછી તેલંગાણા તથા નજીકનાં રાજ્યોમાં આવેલા રિસોર્ટના જે ભાવો વધારવામાં આવ્યા હતા તેમાં હવે જંગી છૂટ!! ખાસ આકર્ષણ... છત્તીસગઢથી મંગાવેલા ફટાકડાની ભવ્ય આતશબાજી !!

*** 

વેચવાના છે ગેસના બાટલા

દોડો... દોડો...! જલ્દી કરો...! માત્ર 500 રૂપિયામાં ગેસનો બાટલો ! રાજસ્થાન કે મધ્યપ્રદેશમાંથી રોજ ખરીદો અને ગુજરાતમાં બમણા ભાવે વેચો ! 100 ટકા નફાના આ ધંધાની એજન્સી મેળવવા માટે બંધ કવરમાં ઓફરો મોકલવી. કમિશનનો આંકડો ગુપ્ત રહેશે.

ખાસ નોંધ : CM ઓફિસના નકલી અધિકારીઓથી સાવધાન !

*** 

જ્યોતિષીઓ જોઈએ છે

કોઈની શેહ-શરમમાં આવ્યા વિના આવનારી પેટા-ચૂંટણીઓ તથા 2024ની લોકસભાની ચૂંટણીનાં પરિણામોની સાચી આગાહી કરી શકે તેવા કાબેલ, અનુભવી તથા સત્યવાદી જ્યોતિષીઓ જોઈએ છે. તાત્કાલિક સંપર્ક કરો : XYZ પોલ સર્વે કંપનીનો.

*** 

વાયરલ ભક્તો જોઈએ છે

‘ફલાણા નેતાને તાત્કાલિક દિલ્હી બોલાવાયા છે અને CM તો એ જ બનવાના છે’... એવા વિડીયો લાખોની સંખ્યામાં વાયરલ કરી શકે એવા ભક્તો અથવા ભક્તો લાવી આપનાર એજન્સીની અરજન્ટમાં જરૂર છે. 

મળો : ભાજપના મિડીયા સેલની પાછળની ગલીમાં.

***

- મન્નુ શેખચલ્લી

Comments