થર્ટી ફર્સ્ટ માટે ચેતવણીઓ !

આજે 2023નો છેલ્લો દિવસ, અથવા એમ કહો કે છેલ્લી રાત છે ! આવા સમયે અમુક અતિ ઉત્સાહીઓને થોડી ચેતવણી સમાન સૂચનાઓ આપવી જરૂરી છે…

*** 

યુવાનોને જણાવવાનું કે 2023ના વર્ષમાં તમે એવી તે શું ધાડ મારી છે કે આજે રાતના પાર્ટી કરવાના છો ? જરા વિચારજો…

*** 

નોકરીયાતોને જણાવવાનું કે 2023ના વર્ષમાં તમને એવાં તે શું પ્રમોશનો કે પગારવધારા મળી ગયા કે આજે રાતની પાર્ટીમાં બે-ત્રણ હજાર રૂપિયાનો દારૂ પી જશો ? અને હા, 1 જાન્યુઆરીએ સોમવાર છે ! યાદ રાખજો…

*** 

યુવાનો ધ્યાન આપે… તમે સ્પીકરોમાં ઊંચા અવાજે ઈંગ્લીશ ગાયનો વગાડશો તો જ પોલીસ આવશે એવું નથી ! હનુમાન ચાલીસા ફૂલ વોલ્યુમમાં વાગતી હશે તો પણ એમને ડાઉટ પડશે જ !

*** 

પીધા પછી બહાર નીકળતાં પહેલાં મિનિમમ 50 ઉઠક-બેઠક જરૂર કરી જુઓ ! એ દરમ્યાન જો તમે ગુલાંટ ના ખાધી હોય તો જ બહાર નીકળજો !

*** 

મોંમાં માઉથ ફ્રેશનરનો સ્પ્રે કરવાથી પોલીસના બ્રિધલાઇઝરમાં પકડાતું નથી… એ વાત ખોટી છે ! ગુટખા, ખૈની, માવો કે મેન્ટોસ વડે પણ કશો ફેર પડતો નથી !

*** 

સ્ટેન્ડ ઉપર ચડાવેલાં સ્કુટર કે બાઇક જોરજોરથી ચલાવવાથી પણ ‘ડ્રીંક એન્ડ ડ્રાઈવ’નો કેસ થઈ શકે છે ! સંભાળજો.

*** 

જો સામે ઊભેલો પોલીસવાળો જુડવાં ભાઈઓના ડબલ-રોલમાં દેખાવા લાગે તો ચેતી જજો ! કેમકે તોડ પાણી થાય ત્યારે તમે ડબલ પૈસા આપી દેશો !

*** 

અને પીધા પછી મસ્તીમાં આવીને ઉતારેલા વિડીયો સોશિયલ મિડીયામાં હરગિઝ અપ-લોડ કરવા નહીં ! કેમકે ત્યાર બાદ ગર્લ-ફ્રેન્ડ, પત્ની, બોસ અથવા બાપા જોડે મોટી બબાલો થઈ શકે છે ! … કોઈ માનવાનું નથી કે તમે હિન્દી પિક્ચરમાં ‘આઇટમ ડાન્સ’ના રોલ માટે આવું ઓડિશન આપ્યું હતું !

***

- મન્નુ શેખચલ્લી

Comments