સરકારી કામનો શોર્ટ-કટ !

‘યાર, આ સરકારી કામકાજનો ત્રાસ છે…’

‘શું થયું ?’

‘અરે, મારે એક સિમ્પલ પરવાનો લેવાનો હતો. એમાં તો કહે છે કે બધાં પેપર્સ આપો. પાનકાર્ડ, આધારકાર્ડ, મતદાર કાર્ડ, એડ્રેસ પ્રુફ, શું બિઝનેસ કરો છો, ક્યાં કરો છો, જીએસટી નંબર…’

‘આટલું બધું ?’

‘હાસ્તો ! એ બધું આપ્યું પછી મેં કીધું હવે તો મળી જશે ને ?’ 

‘તો ?’

‘તો કહે છે કે તમારે જેની સાથે બિઝનેસ કરવાનો છે એનાં પેપર્સ જોઈશે.’

‘એટલે એ કંપનીનાં ?’

‘ફક્ત એ કંપનીનાં જ નહીં, જેની સાથે નિગોશીએસન્સ કરવાનાં છે એ વ્યક્તિનાં પેપર્સ પણ આપવાનાં.’

‘હદ થઈ ગઈ.’

‘એટલું જ નહીં, એ વ્યક્તિ મારી સાથે વાટાઘાટો કરી શકે છે એની પરમિશન પણ જોઈએ !’

‘વાટાઘાટો કરવાની પરમિશન ?’

‘હા બોલો ! ધંધાની વાતો કરવામાં પણ પરમિશન જોઈએ ! એ પણ કોઈ ચોક્કસ અધિકારીની જ હોવી જોઈએ.’

‘અરે બાપ રે ! પછી ?’

‘પછી શું ? એ બધું માંડ માંડ પતાવ્યું પછી કહે છે કે તમે ક્યાં બેસીને આ બધી વાટાઘાટો કરશો ?’

‘ક્યાં એટલે ?’

‘બગીચામાં તો ના જ હોય ને ? કોઈ હોટલ હોય, કોઈ રેસ્ટોરન્ટ હોય…’

‘હાસ્તો ?’

‘તો કહે છે એમની પાસે બધાં પેપર્સ છે ખરાં ?’

‘એનાં પણ પેપર્સ ?’

‘અરે બટાટાવડા, સમોસા, પિત્ઝા કે જે કંઈ ખવડાવે છે તેનું ફૂડ લાયસન્સ પણ જોઈએ !’

‘એટલું બધું ?’

‘હાસ્તો ! હું તો યાર ત્રાસી ગયો… મારું દિમાગ ફરી ગયું ! એટલે પછી મેં તો -’

‘શું કર્યું ?’

‘કંઈ નહીં, આબુ જઈને દારૂ પી આવ્યો !’

‘હેં?’

***

- મન્નુ શેખચલ્લી

Comments