આજે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો આવવાનાં છે, એનાં આંકડા જોઈને લોકશાહીના એક્સ્પર્ટો પોતાનાં તારણો રજૂ કરતા હશે. પરંતુ અમારું કહેવું જરા અલગ છે…
***
જો તમે એમ વિચારતા હો કે આજે કોણ જીતશે? અને કોણ હારશે? તો તમે બહુ મોટા ભ્રમમાં છે! કેમકે...
જીતશે તો નેતાઓ જ! અને હારશે પ્રજા !
- લખી રાખજો.
***
ત્રણ દિવસ પહેલાં એક્ઝિટ પોલ જોયા પછી જે એક્સ્પર્ટો કહેતા હતા કે આવું શા માટે ‘થશે’... એ જ એક્સ્પર્ટો આજે તમને પરિણામો જોયા પછી વિગતવાર કહેશે કે આવું શા માટે ‘થયું’?
- એમાં શી ધાડ મારી?
***
પ્રજાનો ઝોક કી દિશામાં હતો? પ્રજાએ કયા મુદ્દે મતદાન કર્યું? ભાજપ કઈ બાબતોમાં નિષ્ફળ ગયો? કોંગ્રેસ ક્યાં સફળ રહી? પ્રજાનો મિજાજ શું હતો?
આ બધું જાણે મહિના પહેલાં તો કોઈને ખબર જ નહોતી! અને આજે એક્સ્પર્ટો જાણે બધું જ અગાઉથી જાણતા હોય એમ સૌને ભણાવશે !
***
‘આગે કી રણનિતી ક્યા હોગી?’ એ ચર્ચા માત્ર રાજકીય પક્ષો માટે થશે, પણ પ્રજા બિચારીના હાથમાં ‘રણનિતી’ જેવું કંઈ છે ખરું? એની ચર્ચા કોઈ નહીં કરે.
***
કેટલા ટકા મત કોને મળ્યા અને કેટલા ટકા મતનો ‘સ્વીંગ’ થયો એ બધા જ આંકડા મળશે...
પણ કેટલા ટકા મત દારૂની પોટલીને લીધે, કેટલા ટકા મત ધાબળાના લીધે અને કેટલા ટકા મત હરિયાળી નોટને લીધે પડ્યા એના આંકડા આ વખતે પણ ગુપ્ત જ રહેશે !
***
હારેલા નેતાઓ ખોટેખોટું કહેશે કે ‘જનતાના આદેશને અમે માથે ચડાવીએ છીએ...’
પણ જીતેલા નેતાઓ કદી સાચું નહીં બોલે કે ‘જનતાના માથે અમે જ લખાયા છીએ !’
***
અને 600 રૂપિયામાં ગેસનો બાટલો, દરેક મહિલાને મહિને 1000 રૂપિયા, દરેક બેરોજગારને નોકરી... આવું બધું ક્યારે મળશે?
- એક્સ્પર્ટોની ભાષામાં કહીએ તો... ‘વો તો આનેવાલા સમય હી બતાયેગા !’ બાય બાય.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment