ક્રિસમસ વખતે ગિફ્ટો આપવા અને શો-રૂમોમાં કટ-આઉટ બનીને ઊભા રહેતા એ કાલ્પનિક સાન્તાક્લોઝ ઓરીજિનલી કયા દેશના છે એ તો ખબર નથી, પણ જો સાન્તાક્લોઝ ગુજરાતી હોય તો ? કલ્પના કરો…
***
સૌથી પહેલાં તો એ કંઈ રેન્ડિયરો વડે ચાલતી પૈંડા વિનાની ઉડતી ઘોડાગાડી જેવા વાહનમાં ના આવતા હોત...
એમનું મસ્ત મઝાનું રુમઝુમ કરતું દેશી ગાડું હોત !
***
‘જિંગલ બેલ... જિંગલ બેલ...’ ગાવાને બદલે એ ડાબા કાને હાથ મુકીને, જમણો હાથ લંબાવીને દોહો લલકારતો હોત કે...
‘હેઈને... વાગે છે ઘંટડીયું ઉગમણે
ને, હાઈલું આવે છે ગાડલિયું...
હાલો ટાબરિયાંવ તેડાવે તમને
સંતાદાદાનું રમઝણિયું !’
***
એ સંતાદાદા ચોકલેટો વહેંચવાને બદલે પતાસાં, સુખડી અને ગોળ-ધાણા વહેચતા હોત ! રાઈટ ?
***
જોકે આ જુનવાણી ઈમેજ બહુ ઝડપથી આઉટ-ડેટેડ થઈ ગઈ હોત એટલે નવા અવતારમાં સંતાદાદા ડ્રોન વિમાનથી એન્ટ્રીઓ મારતા થઈ ગયા હોત !
***
એ તો ઠીક, નવા ગુજ્જુ સંતાદાદા નાનાં બાળકોને વિડીયો ગેમ અને મોટાઓને શેરબજારમાં બહાર પડેલા લેટેસ્ટ IPOનું એલોટમેન્ટ અપાવી દેતા હોત !
***
બહેનોને આખા વરસની પાણીપુરીના સ્ટોકમાં 10 ટકાની ડિસ્કાઉન્ટ કુપન...
અને પુરુષોને ? ‘ગિફ્ટ સિટી’ની કોઈ કંપની તરફથી ગાંધીનગરમાં ‘બિઝનેસ મિટિંગ’ માટેનું નિમંત્રણ !
***
સમય જતાં ગુજરાતીઓ પણ સંતાદાદાને ગિફ્ટ માટે પ્રાર્થના કરતા હોત કે ‘દાદા, બીજું કાંઈ નથી જોતું, બસ, મારા ગામના નાકે એક નકલી ટોલનાકું અપાવી દ્યો, એટલે બસ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment