ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અધિકારીઓ કે કંપનીના માલિકો પોતાના બિઝનેસ માટે આવતા મુલાકાતીઓને દારૂ પીવડાવી શકશે એ જાણ્યા પછી સ્ટેન્ડ-અપ કોમેડીયનો શું શું કહેશે ?... એક ઝલક…
***
પહેલાં હું કહેતો હતો કે ‘મૈં ગુડગાંવ સે હું’ યા ‘અહમદાબાદ સે હું’.. તો એટલું બોલતાં જ લોકો હસી પડતા હતા... પણ આજે હું ફક્ત એટલું કહું કે ‘હું ગાંધીનગરનો છું’ એમાં તો તાળીઓ અને સીટીઓ વાગવા લાગે છે ! બોલો.
***
મારી ગિફ્ટ સિટીમાં જોબ લાગી...
એ સાથે જ ફેસબુકમાં 1675 ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી ગઈ, ઇન્સ્ટામાં રાતોરાત 2000 ફોલોઅર્સ વધી ગયા... અને એક બિયર કંપની તો મને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માગે છે ! બોલો.
***
મારી નોકરીના પહેલા દિવસે મને મુકવા માટે અમદાવાદથી 40 જણા આવેલા ! બીજા 40 ત્યાં મને હારતોરા કરવા માટે ઊભા હતા !
હું તો બસમાં જ ગયેલો પણ એ લોકો કાર લઈ લઈને આવેલા ! એ તો ઠીક, એમની જોડે સમ્રાટ નમકીનના બે ટેમ્પો પણ હતા ! બોલો.
***
બસમાં પણ મારી આજુબાજુ વિચિત્ર લોકો ગોઠવાઈ ગયા હતા. કોઈના હાથમાં આઇસની બકેટ હતી. કોઈના હાથમાં મન્ચિંગના પેકેટો હતાં. એક ભાઈ તો ગ્લાસ-વેરનું આખું ખોખું લઈને મારી બાજુમાં બેસી ગયેલા... અને કંડક્ટર ? એના ગળામાં એ લોકોએ શીંગ-ભૂજિયાનાં પેકેટોનો હાર પહેરાવી દીધેલો ! બોલો.
***
કંપનીમાં હાજર થઈને મેં સિગ્નેચર કરી એટલામાં તો હું પોતે જ એટલો બધો એક્સાઈટ થઈ ગયેલો કે મેં મારા બોસને ‘ગુડમોર્નિંગ’ કહેવાને બદલે ‘ચિયર્સ સર !’ કહી દીધેલું ! બોલો.
***
ગિફ્ટ સિટીની ઓફિસોમાં જાતજાતની સાઇનેજ વાંચવા મળે છે.
હાજરી પત્રકના રજીસ્ટર ઉપર લખ્યું છે : ‘જાગ્યા ત્યાંથી સવાર !’
સીડીના પગથિયાં શરૂ થાય ત્યાં સુચના છે : ‘લથડિયાં આવતાં હોય તો રેલીંગ પકડી રાખવી !’
અને પાર્કિંગમાં તો મોટાં મોટાં બોર્ડ છે : ‘સેલ્ફ-ડ્રાઈવીંગથી સાવધાન ! સાવચેતી હી બચાવ !’
***
અને લો, પહેલા જ દિવસથી બિઝનેસ આવવાનો શરૂ થઈ ગયો છે : રાજકોટના એક ભાઈને અહીં શિંગ ભૂજિયાં અને દાળમૂઠની ફેકટરી નાંખવી છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment