પાંચ લગ્ન કરનાર એન્ગ્રી કોમેડિયન આઈએસ જોહર !

કોમેડિયન તરીકે આખી કેરિયર દરમ્યાન ક્યારેય ચિત્ર-વિચિત્ર ચેનચાળા કર્યા વિના, ઘનચક્કરો જેવું વર્તન કર્યા વિના અને ભદ્દી ઓવર-એક્ટિંગ કર્યા વિના જેણે લોકોને હસાવ્યા છે એ આઈ એસ જોહર વિશેના લેખની શરૂઆત જરા જુદા જ છેડેથી કરીએ ?

કિસ્સો 1957નો છે જ્યારે લંડનમાં ઉજવાઈ રહેલા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારંભ વખતે હોલમાં અમેરિકા, ઇંગ્લેન્ડ અને ભારતની મોટી મોટી રાજકીય તથા ફિલ્મી હસ્તીઓ હાજર હતી. તે વખતે જ્હોન ડેવિસ નામના હોસ્ટે આઈએસ જોહરને સ્ટેજ ઉપર બોલવા માટે નિમંત્રિત કરતાં અંગ્રેજીમાં કહ્યું ‘… એન્ડ હિયર ઇઝ ચાર્લી એપ્લીન ઓફ ઇન્ડિયા !’ 

તરત જ આઈએસ જોહરે માઈક સંભાળતાં શુધ્ધ અંગ્રેજીમાં શરૂ કર્યું : ‘આ કંઈ પહેલીવાર નથી કે મને ઇન્ડિયાનો ચાર્લી ચેપ્લીન કહેવામાં આવ્યો હોય… ઇન ફેક્ટ, આની પહેલાં પણ મારું આ રીતે ઘણીવાર અપમાન થયું છે !’ (બે ઘડી માટે આખો હોલ સ્તબ્ધ !! પછી તરત જ હાસ્યો ફૂટી નીકળ્યાં !) 

જોહરે આગળ ચલાવ્યું. ‘મારી તો આખી જિંદગી કમનસીબીની હારમાળા રહી છે. મારા સારાં કામોની ક્રેડિટ બીજા જ લઈ ગયા છે અને બીજાઓનાં ખરાબ કામોની ડિસ્ક્રેડિટ મારા લમણે લખાઈ છે…. છેક જન્મથી આની શરૂઆત થઈ હતી. મારો એક જોડીયો ભાઈ છે જે બિલકુલ મારા જેવો દેખાતો હતો. હું મહેનતુ હતો. એ આળસુ હતો. છતાં સ્કુલમાં તોફાનો એ કરતો અને સજા મને મળતી હતી. મેં બબ્બે બેચલર ડીગ્રીની પરીક્ષાઓ આપી અને ડીગ્રી સર્ટિફીકેટ એ લઈ ગયો ! અરે, જે છોકરીને હું પ્રેમ કરતો હતો તે છોકરી એને પરણી ગઈ ! છેવટે મારો બદલો મને ત્યારે મળ્યો જ્યારે હું મરી ગયો અને લોકો એને દફનાવી આવ્યા !’ (ઓડિયન્સ હવે પેટ પકડીને હસી રહ્યું છે.) 

ત્યાં જોહર છેલ્લી સિક્સ ફટકારતાં કહે છે. ‘એક દિવસ ચાર્લી ચેપ્લીનનો બદલો પણ આ જ રીતે લેવાનો છું !’ (સ્વાભાવિક છે, ઓડિયન્સ પાગલ થઈ ગયું હતું.)

આઈએસ જોહર કોઈ મામૂલી કોમેડિયન નહોતા. લાહોર પાસેના એક નાનકડા ગામમાં જન્મેલા ઇન્દ્રસેન જોહરે લાહોરમાં બબ્બે વખત MA કર્યું હતું. એ ફર્રાટેદાર અંગ્રેજી બોલી શકતા હતા. સંજોગો કંઈક એવા બન્યા કે 1947માં એમનું આખું કુટુંબ પટિયાલામાં એક લગ્નમાં હાજરી આપવા આવ્યું હતું ત્યારે લાહોરમાં લોહિયાળ રમખાણો ફાટી નીકળ્યાં અને એમનું ઘર ફૂંકી મારવામાં આવ્યું. એ પછી એ લોકો કદી પાકિસ્તાન પાછા જઈ જ ના શક્યા. 

ફેમિલી દિલ્હીમાં સેટલ થયું પણ ઇન્દ્રસેન જોહરને ફિલ્મનો કીડો લાગી ચૂક્યો હતો એટલે એ મુંબઈ પહોંચ્યા. અહીં પોતાની બૌધ્ધિક પ્રતિભા અને બોલવાની આવડતને કારણે રૂપ કે. શોરી નામના પ્રોડ્યુસરને એમની એક સ્ટોરી બહુ ગમી ગઈ. એ હતી આઈએસ જોહરની પહેલી ફિલ્મ ‘એક થી લડકી’ (1949) જેનું પેલું ગીત ‘લારી લપ્પા લારી લપ્પા’ બહુ ફેમસ થયું હતું. (હિરોઈન મીના શોરી, હિરો મોતીલાલ) એમાં એમનો કોમેડિયન તરીકેનો રોલ પણ હતો.

પરંતુ ઇન્દ્રસેન માત્ર કોમેડિયન બનીને રહી જાય એવી ચીજ નહોતા. 1952માં એમણે ‘શ્રીમતીજી’ નામની એક સામાજિક ફિલ્મ ડિરેક્ટ પણ કરી લીધી. દરમ્યાનમાં બી. આર. ચોપરા જેમની સાથે જોહરને સારી મિત્રતા થઈ ગઈ હતી તે પોતાની ફ્લોપ થઈ રહેલી ફિલ્મોથી પરેશાન હતા ત્યારે આઈએસ જોહરે એમને ગજબની એક વાર્તા આપી.. જેમાં ગુનાઓ એક માણસ કરે છે અને સતત એના જેવો દેખાતો બીજો સજ્જન માણસ ઉપર આરોપ આવે છે. (આ ભારતની પહેલી ડબલ રોલની કલ્પના હતી !) એ ફિલ્મ હતી 'અફસાના' જે હિટ નીવડી !

જોકે આઈએસ જોહરની અસલી ટેલેન્ટ બહાર આવી ફિલ્મ ‘નાસ્તિક’ (1954)થી. આ કદાચ પહેલી અને છેલ્લી ફિલ્મ હતી જેમાં જોહરે પોતાની જિંદગીનાં સૌથી કડવા અનુભવોનો નિચોડ પૂરા દિલથી રજુ કર્યો છે. વાર્તા દેશના ભાગલા વખતે જેનો પરિવાર હિંસામાં ખતમ થઈ ગયો છે તેવા માણસની છે જેનો ભગવાન ઉપરથી વિશ્વાસ જ ઊઠી જાય છે. પ્રદીપજીનું પેલું યાદગાર ગીત ‘દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન…’ આ જ ફિલ્મનું હતું. એમાં એવા તીવ્ર ચાબખાઓ હતા કે આજે જો રીલીઝ થઈ હોય તો ખળભળાટ મચી જાય.

પરંતુ એ પછી શી ખબર શું બન્યું હશે, આઈએસ જોહર ફિલ્મો બાબતે કદી પણ સિરિયસ બન્યા જ નહીં. 1955માં ‘શ્રી નગદ નારાયણ’, 1956માં ‘હમ સબ ચોર હૈં’, 1957માં ‘મિસ ઇન્ડિયા’ જેવી ફાલતું ફિલ્મો બનાવી નાંખી. 1960માં પોતે ‘બેવકૂફ’ બન્યા કે રૂપિયા રોકનારાઓને બનાવ્યા એવો મામલો હતો ! ત્યાં વળી 1965માં ‘જોહર મેહમૂદ ઇન ગોવા’થી જોહરસાહેબની ગાડી ફરી ચાલી નીકળી ! ઉટપટાંગ ઘટનાઓ અને સાવ સ્ટુપિડ લાગતી સ્ટોરીઓ લઈને એમણે ‘જોહર મેહમૂદ ઇન હોંગકોંગ’, ‘જોહર ઇન કાશ્મીર’ અને ‘જોય બાંગ્લાદેશ’ બનાવી નાંખી ! 

‘5 રાઇફલ્સ’માં તો નફ્ફટ થઈને રાજેશ ખન્ના અને શશી કપૂરના ડુપ્લીકેટોને હિરો બનાવીને ફિલ્મ લોન્ચ કરી ! એ વખતે એમણે જાહેરમાં કહ્યું હતું કે ‘બધી હિન્દી ફિલ્મો પબ્લિકને ઉલ્લુ બનાવે છે. ફરક એટલો જ છે કે હું પહેલેથી જ પબ્લિકને જણાવી દઉં છું !’ એમણે પાંચ પાંચ વાર લગ્ન કર્યાં (જેમાંની છેલ્લી પત્ની ‘બોબી’ ફેઇમ સોનિયા સહાની હતી) ત્યારે પણ ‘વુમનાઇઝર’ હોવાનો એ નફ્ફટપણે એકરાર કરતા હતા ! 

પરંતુ એમના આ ડાર્ક-હ્યુમરની તીખી અને બ્રાઇટ સાઈડ એ હતી કે ઇન્દીરા ગાંધીની ઇમરજન્સી પછી તરત જ એમણે ‘નસબંધી’ નામની ફિલ્મ બનાવવાની હિંમત કરી હતી ! એ ફિલ્મ ઉપર બાન મુકાયો કે તરત જ ‘ભુટ્ટો’ નામનું એક નાટક ભજવવાનું શરૂ કર્યું. એની  ઉપર પણ બાન મુકાયો. છતાં એ જાહેરમાં બોલતા રહ્યા કે ‘આ નાટક માત્ર ભુટ્ટો વિરોધી નથી. એ યાહ્યાખાન વિરોધી, ઝિયા વિરોધી અને ઇન્દિરા ગાંધી વિરોધી પણ છે !’ ઇન્દિરાજી એમનાથી બહુ અકળાતાં હતાં.

જોહર સાહેબની સૌથી સ્માર્ટ હ્યુમર તો ‘ફિલ્મફેર’ મેગેઝિનમાં 1960થી લઈને 1975-76 સુધી ચાલેલી સવાલ-જવાબની કોલમમાં દેખાતી હતી. જુઓ થોડા નમૂના… 

સવાલ : હું પાકિસ્તાન જઈ રહ્યો છું. તમારી શું સલાહ છે ? જવાબ : બેગમોના હેરામથી દૂર રહેજો ! 

સવાલ : લખનૌમાં સામેવાળાને ગાળ બોલતાં પહેલાં ‘આપ’ કેમ કહેતા હશે ? 
જવાબ : ઇજ્જત વધારીને ઘટાડવા માટે ! 

સવાલ : તમારી પત્નીમાં કેવા ગુણ હોવા જોઈએ ? 
જવાબ : એ બદસુરત હોવી જોઈએ, જેથી કોઈ એની પાછળ ના પડે. એ અભણ હોવી જોઈએ, જેથી મારી પ્રેમિકાઓના પ્રેમપત્રો વાંચી ના શકે અને તે કંજૂસ હોવી જોઈએ જેથી મારી કમાણી મારા ખિસ્સામાં સલામત રહે !

જો આઈએસ જોહર આજના જમાનામાં હોત તો ભલભલા સ્ટેન્ડ-અપ કોમેડિયનોની છૂટ્ટી કરી નાંખી હોત ! શું કહો છો ?

***

E-mail :mannu41955@gmail.com

Comments

  1. चले हैं, चले हैं,चले हैं ससुराल ।जोहर महेमुद ईन गोवा....

    ReplyDelete

Post a Comment