સોશિયલ મીડિયાની વર્ગ-વ્યવસ્થા !

જુઓ, અમે તો માનીએ જ છીએ કે આજે સોશિયલ મિડીયામાં પણ વર્ણ-વ્યવસ્થા જ ચાલે છે. કેમકે અહીં બધું જ આંગળીના સ્પર્શ વડે ચાલે છે ! એટલે અમુક લોકોને લાખો કરોડોમાં સ્પર્શ મળે છે અને અમુક લોકો લગભગ ‘અસ્પૃશ્ય’ રહી જાય છે! પરંતુ આજના સેક્યુલર યુગમાં એ રીતે વાત કરાય નહીં ને? એટલે અમે સોશિયલ મિડીયાના યુઝર્સને વિવિધ ‘ક્લાસ’માં વહેંચી કાઢ્યા છે. ઓકે?

***

એલિટ ક્લાસ :

આ બધા ઉચ્ચવર્ગના લોકો છે, જેમકે ફિલ્મસ્ટાર્સ, ક્રિકેટસ્ટાર્સ, રાજકીય નેતાઓ, હાઈપ્રોફાઇલ પત્રકારો અને ન્યુઝમાં રહેતા (અથવા રહેવા માગતા) ઉદ્યોગપતિઓ ! એમના એટલા બધા ફોલોઅર્સ છે કે પોતે છીંક પણ ખાય તો આખા દેશમાં રિ-એક્શનની સુનામીઓ આવે છે. આ લોકો પોસ્ટ ક્રિએટ કરવા માટે તો કામદાર વર્ગને નોકરીએ રાખે જ છે પણ રિ-એક્શનની સુનામી સર્જવા માટેનો પણ પેઇડ કામદાર વર્ગ હોય છે.

***

હાર્ડ-વર્કિંગ ક્લાસ :

આ બિચારાઓ સખત મહેનત કરે છે ! પોતાના ફોલોઅર્સને ટકાવી રાખવા માટે દર બીજા ત્રીજા દિવસે રીલ્સ બનાવવા માટે મેકપ કરે છે, ડાન્સ કરે છે, ગાંડાવેડા કાઢે છે, જોક્સ મારે છે, જાતભાતની ચિત્ર-વિચિત્ર ચેલેન્જો ઉપાડે છે, જોખમી સ્થળોએ જઈને જાનના જોખમે સેલ્ફીઓ લે છે ! અને છતાં સતત ઇન-સિક્યોરીટી અનુભવે છે, બિચ્ચારા !

***

વર્કિંગ વુમન ક્લાસ :

ઓફિસમાં નોકરી કરતી મહિલાઓની વાત નથી. આ તો રસોઈ કરતાં કરતાં, શોપિંગ કરતાં કરતાં, રેસ્ટોરન્ટમાં જમતાં, વેકેશનમાં ફરતાં બર્થડે-એનિવર્સરી ઉજવતાં કે ઇવન બહેનપણીઓ સાથે ગ્રુપ-કોલમાં વાતો કરતાં કરતાં પણ વિડીયો, સેલ્ફી અને ફોટાઓ લઈ સતત અપ-લોડ કરવાનું મહેનતભર્યું કામ કરે છે, એમની વાત છે! આ વર્કિંગ ક્લાસની મહિલાઓ વગર મહેનતાણાએ સદાકાળ ખુશમિજાજમાં હોય છે કેમકે એમનાં પર્ક્સ (ભથ્થાં) પતિઓ અથવા પપ્પાઓ ચૂકવતા હોય છે.

***

કોપી ક્લાસ :

એક્ઝામ હોલમાં આખેઆખો ક્લાસ લીક થયેલા પેપરમાંથી કોપી મારતો હોય તો કેવું લાગે? બસ, સોશિયલ મિડીયામાં એક આખો વર્ગ છે જેમાં લાખો કરોડો યુઝર્સ માત્ર અને માત્ર નકલ ઉપર જીવે છે! આ લોકો બીજાનાં ગાયેલાં ગાયનો, બીજાએ કરેલા ડાન્સ, બીજાએ બનાવેલી જોક્સ, બીજાએ લખેલી કવિતાઓ, શાયરીઓ અને બીજાઓનું ઉધાર લીધેલું જ્ઞાન પણ બહુ સુંદર રીતે કોપી મારીને રજુ કરી શકે છે! એમાંય અમુક મહિલાઓ તો પુરુષના અવાજમાં કહેવાયેલી જોક્સ ઉપર પોતાના રંગીન હોઠ ફફડાવીને શું સુંદર અભિનય કરી બતાડે છે! આહાહા…

***

શોષિત ક્લાસ :

જી હા, સોશિયલ મિડીયામાં પણ શોષિત ક્લાસ હોય છે. આ બિચારાઓ ભલે ગરીબ હોય કે ના હોય એમની પાસે ઓરિજીનાલીટીનું ધન હોય છે, જે વારંવાર પેલા સ્માર્ટ કોપી ક્લાસ દ્વારા ચોરાઈ જ જાય છે! આમાં નથી એમને કોઈ ક્રેડિટ મળતી કે નથી કોઈ કેશ! મૂળ વાંક એમના ટાંચાં સંસાધનોનો છે. (અહીં સંસાધનોનો અર્થ ફોલોઅર્સ થાય છે.)

***

શોષક ક્લાસ :

આ લોકો એલિટ ક્લાસમાંથી આવે છે. એમણે પોતાની મૂડીનું રોકાણ ફોલોઅર્સ વધારવામાં ઓલરેડી કરી રાખ્યું હોય છે. પછી જ્યારે જ્યારે તક મળે ત્યારે ‘બચપન કા પ્યાર’ ‘કાચા બાદામ’ કે ‘ઠંડ પા’ જેવા છેવાડાનાં સર્જનોને પોતાની સેલિબ્રિટી ઇમેજ સાથે જોડીને લાખોનો વેપલો કરી નાંખે છે, અને પછી શોષિતોને ફેંકી દે છે.

***

‘ખાઉ’ ક્લાસ :

ઓ હલો, આ બિચારા ભ્રષ્ટાચારીઓ નથી ! આ તો પેલા ફૂડ-વ્લોગર્સ છે જેમને મફતિયું અને ટેસ્ટી ખાવાની ભૂખ હોય છે. આ ક્લાસના લોકો મોટાભાગે ફૂટપાથની પાંવભાજી, મસાલા સોડા, કુલ્લડ ચાય કે કુલ્ફી-આઇસ્ક્રીમ જેવી વાનગીઓના ફેરિયાઓને ફેમસ બનાવી દેવાની લાલચ આપીને હકીકતમાં પોતાની ફેમસ થવાની ભૂખને જ મિટાવતા હોય છે.

***

ભક્ત ક્લાસ :

આ એક એવો ક્લાસ છે જેમાં એલિટ ક્લાસના એકટરો અને ઉદ્યોગપતિઓથી લઈને છેક છેવાડાના ક્લાસના તથા પેઇડ ક્લાસના લોકો હાજર છે. હવે આ બે નવા ક્લાસ શું છે? તો એ પણ જાણી લો…

***

છેવાડાના ક્લાસ :

આમાં બિચારા એ કવિઓ, પત્રકારો અને ઇન્ટેલેક્ચ્યુઅલો છે જેઓ દર અઠવાડિયે બહુ મહેનત અને વિશ્ર્લેષણ કરી કરીને વીસ વીસ મિનિટ લાંબા વિડીયો પોસ્ટ તો કરે છે પણ એમને ક્યારેક 32 તો ક્યારેક 92 વ્યુઝ જ મળે છે !

***

પેઇડ ક્લાસ :

અહીં ફરક એટલો જ છે કે પત્રકારો તથા ઇન્ટેલેક્ચ્યુઅલો પેઈડ હોય છે. એમની પોતાની ‘ચેનલો’ હોય છે (બન્ને અર્થમાં) એમના વ્યુઝ ભલે વધારે ના હોય પરંતુ એમને એવો ભ્રમ હોય છે કે એમના ‘વ્યુઝ’ને લોકો ગંભીરતાથી લે છે !

***

મિડલ ક્લાસ: 

બસ, આ સૌથી મોટો છતાં સૌથી ઉપેક્ષિત ક્લાસ હોવા છતાં સૌથી મહત્વનો ક્લાસ છે. કેમકે આ જ લોકો બિચારાઓ ‘ઉપભોક્તા’ છે ! જે રાતના બબ્બે વાગ્યા સુધી જાગીને બધું જોયા કરે છે ! તમે પણ એમાંના જ છો ને?

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments