થોડાં વરસ પહેલાં સોશિયલ મિડીયામાં પેલી ‘આઇસ બકેટ ચેલેન્જ’ ચાલતી હતી તેનું શું થયું ? એનાથી ગ્લોબલ વોર્મિંગ ઘટી ગયું ? કે હવે વ્યુઝ ઘટી ગયા છે ?
જોકે આ શિયાળામાં થોડી દેશી ચેલેન્જો ચલાવવા જેવી છે ! જેમ કે…
***
પ્રાતઃ સ્નાન ચેલેન્જ
સવારે સાડા ચાર વાગે ગિઝર ચાલુ કર્યા વિના ડાયરેક્ટ ઠંડા પાણીના શાવર નીચે ઊભા રહીને સ્નાન કરી બતાડો !
(નોંધ : રેઇનકોટ પહેરવાની છૂટ નથી.)
***
પ્રાતઃ પ્રાતઃક્રિયા ચેલેન્જ
સવારે ચાર વાગે વેસ્ટર્ન કમોડ ઉપર બેસીને પ્રાતઃક્રિયા કરી લીધા પછી, હાથ લગાડ્યા વિના, માત્ર પેલી પિચકારી વડે સ્વચ્છ થઈ બતાવો !
(નોંધ : વિડીયો ઉતારીને અપલોડ કર્યા બાદ પોલીસ-કેસ થાય તો અમે જવાબદાર નથી.)
***
મચ્છર-માર ચેલેન્જ
બારી બારણાં ખુલ્લાં રાખીને, અગિયાર વાગ્યા સુધી લાઇટો ચાલુ રાખ્યા બાદ રૂમમાં જેટલાં મચ્છર ઘૂસ્યાં હોય તેને, લાઇટ બંધ કરીને, રાત્રે બે વાગ્યા સુધીમાં એ તમામ મચ્છરોને મારી બતાવો.
(નોંધ : મોબાઇલની લાઇટ ચાલુ કરવાની છૂટ નથી.)
***
મચ્છરદાની ચેલેન્જ
મચ્છરદાનીમાં ઘૂસી ગયેલા એક માત્ર મચ્છરને જાનથી મારી નાંખ્યા વિના એ રીતે મચ્છરદાનીની બહાર કાઢી બતાડો, કે બીજું મચ્છર અંદર ના આવી જાય !
(સહેલું નથી, ટ્રાય કરી જોજો !)
***
રજાઈ-શેરીંગ ચેલેન્જ
રૂમમાં ફૂલ એસી કરીને એક સિંગલ રજાઈમાં મિનિમમ ચાર જણા સવારના છ વાગ્યા સુધી ઊંઘી બતાડો !
(નસકોરાં પણ બોલવાં જોઈએ !)
***
પૂંછડી-રેસ ચેલેન્જ
વહેલી સવારે ઘસઘસાટ ઊંઘી રહેલા કૂતરાની પૂંછડી ખેંચ્યા બાદ તેની સાથે જે દોડની સ્પર્ધા થાય તેમાં જીતી બતાડો !
***
ફેસ-ઓફ ચેલેન્જ
થોડા દિવસો પહેલાં લગ્નમાં જે યુવતીને ફૂલ મેકપ સાથે ચણિયા-ચોળીમાં જોઈ હતી તેને મોર્નિંગ વોકમાં વિધાઉટ મેકપ, ટ્રેકસૂટ અને હૂડીમાં ઓળખી બતાડો, તો ખરા !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment