મચ્છરોની ઝીણી ઝીણી જોક્સ !

આટલું બધું ઓઢીને સૂવા છતાં ક્યાંકથી એક મચ્છર ઘૂસી જાય તો કેટલું હેરાન કરે છે ? એક ફિલ્મમાં નાના પાટેકરનો ડાયલોગ હતો : ‘એક મચ્છર આદમી કો હિજડા બના દેતા હૈ..’ (કેમકે મારવા માટે તાળીઓ પાડે છે.)

જોકે આપણી પાસે શુધ્ધ વેજિટેરિયન મચ્છર-જોક્સ છે… સાંભળો.

*** 

મચ્છરો પહેલાં કયા સરકારી ખાતામાં હતા ? અને આજકાલ કયા સરકારી ખાતામાં છે ?

- પહેલાં વસતી ગણત્રી ખાતામાં હતાં. આજકાલ EDમાં છે. કેમકે મચ્છરોનું કામ જ ‘ગણ-ગણ’ કરવાનું છે !

*** 

મચ્છરો હંમેશા આપણા કાન પાસે આવીને જ કેમ ગણગણે છે ?

- એ તો પગ પાસે પણ ગણગણે છે પણ માણસને પગમાં સંભળાવું જોઈએ ને ?

*** 

મચ્છર અને પત્નીમાં શું સામ્ય છે ?

- બન્ને લોહી પીએ છે, ભૈશાબ !

*** 

મચ્છરો અને પત્નીઓની શું કોમન આદત છે ?

- બન્ને કાન પાસે આવીને ઘૂસપૂસ કરે છે !

*** 

મચ્છરો સાથે માણસોની શું સગાઈ છે ?

- અરે, લોહીની સગાઈ છે, ભાઈ !

*** 

મચ્છરોની બેન્કનું નામ શું છે ?

- બ્લડ બેન્ક, યાર !

*** 

શું મચ્છરોમાં પણ નાત-જાત હોય છે.

- હાસ્તો… એ પોઝિટીવ, એ નેગેટિવ, બી પોઝિટીવ, બી નેગેટીવ અને ઓ !

*** 

શું મચ્છરો ભણેલાં હોય છે ?

- હાસ્તો ! એમની પાસે પેથોલોજીની ડીગ્રી હોય છે. એટલે જ તેઓ ‘બ્લડ-ટેસ્ટ’ કરે છે !

*** 

જો માદા મચ્છર કરડે તો તાવ આવે છે. અને જો નર મચ્છર કરડે તો શું આવે છે ?

- ખંજવાળ !

*** 

મચ્છર સમાજની માંગણીઓ કઈ હિન્દી ફિલ્મમાં વ્યક્ત થઈ છે ?

- ‘ખૂન ભરી માંગ’ !

*** 

મચ્છર અને હાથીમાં શું ફરક હોય છે ?

- આનો સાચો જવાબ તો કોઈ નાગર બ્રાહ્મણ જ આપી શકે ! થેન્ક યુ.

***

- મન્નુ શેખચલ્લી

Comments