આપણા સિનિયર સિટીઝનો નમૂના છે...કડક થઈ ગયેલો અડદિયા પાક ચવાતો ના હોય છતાં અડદિયા પાકનાં આયુર્વેદિક ફાયદા કેટલા બધા છે તેની પોસ્ટ પચાસ લોકોમાં શેર કરી હોય ! અને મોઢામાં ચોકઠું આવી ગયું હોય છતાં શિયાળુ પાકમાં આવતી શેરડીને દાંત વડે ચાવવામાં કેટલા ગુણ રહેલા છે તે ખુદ ખેડૂતોને સમજાવી શકે એવા જિનિયસ સિનિયર સિટીઝનો આપણે ત્યાં હયાત છે. (પેન્શન માટે દર વરસે બેન્કમાં હયાતીનું સર્ટિફીકેટ પણ આપે છે.) આ સિનિયર સિટીઝનો શિયાળામાં બિલકુલ યુનિક સ્ટાઈલની ફેશનો અપનાવતા હોય છે. જુઓ…
***
પ્રાગૈતિહાસિક સ્ટાઇલ
તમે ‘એનિમલ’ મુવી જોયું ? સોરી એમાં આવી એકપણ સ્ટાઈલ નથી ! તો આ પ્રાગૈતિહાસિક સ્ટાઈલ એટલે શું ? જવાબ જાણવો હોય તો સવાલ પૂછો : માણસ માણસ બન્યો એ પહેલાં શું હતો ?... વાંદરો ! રાઈટ ?
તો મિત્ર, અમુક વડીલો પોતાના માથા ઉપર એક એવું ઊનનું બનેલું શિરસ્ત્રાણ ધારણ કરે છે જેને જોઈને આપણા પૂર્વજોની યાદ આવે છે ! સરળ શબ્દોમાં કહીએ તો આને બૂઢિયા ટોપી કહે છે ! ગુજરાતીમાં એને ‘વાંદરા’ ટોપી પણ કહે છે. આવી ટોપી ધારણ કરીને વડીલો સમાજને બે મેસેજો આપવા માગે છે.
(1) માણસમાં રહેલો જાનવર કોઈપણ ઉંમરે બહાર આવી શકે છે.
(2) વાંદરો ઘરડો થાય તો પણ ગુલાંટ મારવાનું ભૂલતો નથી ! (વાંદરીઓ સાવધાન !)
***
ફ્રોક અથવા સ્કર્ટ સ્ટાઈલ
એક મિનિટ. આ લેડિઝ ફેશન નથી ! આ જેન્ટ્સ ફેશન જ છે ! તમે કહેશો કે યાર, જેન્ટ્સમાં ફ્રોક અને સ્કર્ટ ક્યાંથી આવ્યાં ? તો હવે ધ્યાનથી જોજો… અમુક વડીલો શિયાળામાં જ્યારે ચપોચપ ફિટીંગવાળું સ્વેટર પહેરે છે ત્યારે ભૂલી જતા હોય છે કે સ્વેટરની નીચે ઝભ્ભો પહેરેલો છે ! આના કારણે ઝભ્ભાના નીચલા ભાગમાં સરસ મઝાનાં ફ્રોક તથા સ્કર્ટ જેવી ફ્રિલ્સ બની જતી હોય છે !
તકલીફ એક જ છે કે આજ સુધી પેલી દિપીકાના ધણી રણવીરે આવી ફેશનના ફોટા પડાવ્યા નથી, એમાં ને એમાં છેક પેરિસ અને લંડનના ફેશન ડિઝાઈનરોને આ શિયાળુ ફેશનની ખબર જ નથી !
***
સૂઈસાઈડલ નૉટ સ્ટાઈલ
જરા ધ્યાનથી વાંચો, અહીં ‘નૉટ’ લખ્યું છે ‘નોટ’ નહીં ! ચાલો, માની લઈએ કે જે વડીલ આ ફાની દુનિયાને છોડી જવા માગે છે તે કવિ હોય, અને તેની આજ દિન સુધી એકપણ કવિતા છાપાંની મહિલા-પૂર્તિમાં પણ ના છપાઈ હોય, તે વડીલ મરતાં પહેલાં સ્ટાઈલીશ સૂઈસાઈડ ‘નોટ’ લખી જાય.. પણ અહીં ‘નૉટ’ એટલે કે ગાંઠની વાત છે.
એક એવી ગાંઠ, જે વડીલો પોતાના મફલર વડે દાઢીના નીચેના ભાગે એવી કચકચાવીને બાંધે છે કે જાણે પોતે મોર્નિંગ વોક કરવાને બદલે ઘરની વહુના ત્રાસ સામે વિરોધ પ્રદર્શન કરવા નીકળ્યા હોય એવું લાગે છે ! તમે એ પણ માર્ક કરજો કે આ રીતે મફલર બાંધનારા 99 ટકા વડીલોનાં ડાચાં હમણાં જ દિવેલ પીધું હોય એવાં જ દેખાતાં હશે !
વિધિની વિચિત્રતા એ છે કે એમાનાં 66 ટકા વડીલો એક જમાનામાં દેવઆનંદની મફલર વીંટાળવાની સ્ટાઈલના દીવાના હતા ! પરંતુ આજે દેવ આનંદ સ્ટાઇલમાં મફલર વીંટાળે તો કાનમાં ઠંડી ઘૂસી જવાનાં ખતરનાક જોખમો છે !
***
મ્યુઝિકલ સ્ટાઇલ
કડકડતી ઠંડીમાં જ્યાં વડીલના દાંતનું ચોકઠું વાટકીમાં મુકી રાખ્યું હોય ત્યાં પણ કડ-કડ-કડ-કડ કરીને રિધમમાં અવાજ કરતું હોય ત્યાં વડીલ શું તંબૂરો સૂરમાં ગાવાના હતા ? (હા, એ વાત અલગ છે કે મોડી રાત સુધી ચાલતા શાસ્ત્રીય સંગીતના જલસામાં અમુક ગાયકો માત્ર ઠંડીને કારણે જ ગળામાંથી વિચિત્ર અવાજો કાઢતા હોય છે, જેને અમુક લોકો ‘મુરકી’ સમજી બેસે છે !)
હકીકતમાં વડીલોની આ જે શિયાળુ મ્યુઝિકલ સ્ટાઈલ છે તે હેડફોન જેવાં દેખાતાં ‘ઠંડી-નિવારણ’ સાધનો છે ! એક તો એ વિચિત્ર સાધન માત્ર કાનને કવર કરે છે. બીજું, એમાં અંદરની સાઈડે ઊનનું સાવ પાતળુ પડ હોય છે અને કંઈક ભેદી ડિઝાઈનવાળું ઊનનું જાડું પડ બહારની સાઈડે હોય છે ! અને વચમાં બોસ, તો પ્લાસ્ટિક હોય છે ! વડીલ આવું વિચિત્ર સાધન પહેરીને, બે હાથની અદબ વાળીને નીકળે છે ત્યારે એવું લાગે છે કે એમના હેડફોનમાં ચોક્કસ ‘રામ બોલો ભઈ રામ…’ વાગી રહ્યું હશે !
***
ઝેડ-સિક્યોરીટી સ્ટાઈલ
અમુક વડીલો ધૂંધળી સાંજે જ્યારે લાલાશ પડતી ઝાંખી રોશની ફેંકતી સ્ટ્રીટલાઈટના અજવાળે માથે બૂઢીયા ટોપી, આંખે જાડા ચશ્મા અને શરીરે મોટી જાડી શાલ ઓઢીને ભેદી રીતે સ્હેજ લંગડાતી ચાલે સામેથી આવતા દેખાય ત્યારે અમને રીતસર છાતીમા ફડકો બેસી જાય છે કે હમણાં આ કાકો શાલ ઉછાળીને અંદરથી મશીનગન તો નહીં કાઢે ને ?
પરંતુ હકીકતમાં ઉલ્ટું હોય છે. કાકાએ ઠંડીથી બચવા માટે બુલેટ પ્રુફ જેકેટ જેવું સિક્સ-લેયર પ્રોટેક્શન રાખ્યું હોય છે. આ સિક્સ લેયર્સ આ મુજબ છે. (1) અડધિયું બનિયાન (2) ઉપર ટી-શર્ટ (3) ઉપર સદરો (4) ઉપર ઝભ્ભો (5) ઉપર અડધી બાંયનું સ્વેટર અને (6) ઉપર જાડી શાલ અથવા ધાબળો !
***
લેડીઝ સ્ટાઈલ
મહિલાઓનું કામકાજ હંમેશાં અમારી સમજની બહારનું હોય છે. જેમકે સાડી અથવા ડ્રેસ ઉપર હંમેશાં આખી બાંયનું લાઇટ કલરનું સ્વેટર તો પહેરવાનું જ, પણ એનાં માત્ર ઉપરના જ બે બટન બંધ કરવાનાં ! અને પગમાં બિલકુલ સ્વેટરને મેચિંગ કલરનાં મોજાં પહેરીને તેની ઉપર સાવ મિસ-મેચિંગ કલરનાં સ્લીપર પહેરવાનાં ! પેરિસના ફેશન ડિઝાઈનરો હજી માથું ખંજવાળી રહ્યા છે, બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment