આપણી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જ એવું બની શકે કે કોઈ નાના ટાઉનમાં જન્મેલી અંધ સંગીત પ્રતિભાને કોઈ મોટી ઓળખાણ કે લાગવગ વિના, કોઈ ગોડફાધર વિના, હિન્દી ફિલ્મોમાં આવી ઝળહળતી સફળતા મળે ! અત્યંત ગુણી ગીતકાર અને સંગીતકાર રવિન્દ્ર જૈનની કહાણી કંઈક આવી જ છે.
જોગાનુજોગ એવો પણ બન્યો કે વરસો પહેલાં (કદાચ 1970માં) ‘માધુરી ‘નામના એક હિન્દી ફિલ્મ મેગેઝિનમાં નાનકડો ફકરો વાંચ્યો હતો કે એક પ્રજ્ઞાચક્ષુ ગીતકાર કમ સંગીતકારે નાનકડી મહેફિલમાં પોતાનાં થોડાં ગીતો રજુ કર્યા જેમાં એક ‘ઘુંઘરુ કી તરહા બજતા હી રહા હું મૈ..’ બહુ સુંદર લાગ્યું…આ વાંચતી વખતે એ સંગીતકારનું નામ તો નહીં પણ આ શબ્દો યાદ રહી ગયા હતા ! પછી છેક 1974માં એ ગીત ફિલ્મ ‘ચોર મચાયે શોર’માં આવ્યું ત્યારે થયું કે બોસ, મુંબઈ એક એવી જગ્યા છે જ્યાં ટેલેન્ટની નોંધ લેવાયા વિના રહેતી નથી !
રવિન્દ્ર જૈન જન્મ્યા ઉત્તર પ્રદેશના અલીગઢમાં. તેઓ સાત ભાઈઓ બહેનો હતા, જેમાંથી રવિન્દ્ર ત્રીજા નંબરના. એ જન્મથી જ અંધ હતા. એમના પિતાશ્રી ઇન્દ્રમણિ જૈન સંસ્કૃતના પ્રકાંડ પંડિત અને આયુર્વેદના જાણકાર હતા. માત્ર ચાર જ વરસની ઉંમરે પિતાજીએ પુત્રના સંગીતનાં લક્ષણો પારખી લીધાં અને ઘેરબેઠાં સંગીતની તાલીમ મળે તેવી વ્યવસ્થા ગોઠવી. અલીગઢમાં રહ્યે રહ્યે અને જનાર્દન શર્મા તથા નાથુરામજી જેવા ગુરુઓ પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લઈને ‘સંગીત પ્રભાકર’ની ડીગ્રી પણ લીધી.
યુવાન થયા પછી એમની ઇચ્છા હતી કે બંગાળના વિશ્વવિખ્યાત લેખક રવિન્દ્રનાથ ટાગોરની પરંપરાવાળું ‘રવિન્દ્ર સંગીત’ શીખવું છે. એમના કાકા કોલકતામાં હતા, રવિન્દ્રજી ત્યાં દસ વરસ રહ્યાં. ત્યાં રવિન્દ્ર સંગીત તો શીખ્યા જ, પણ સાથે સાથે સંગીતના ટ્યુશનો આપતાં આપતાં પોતે રચેલાં ગીતો અને તેની ધૂનો બનાવતા થઈ ગયા હતા.
અહીં નસીબના ખેલ જુઓ… એક રાધેશ્યામ ઝુનઝુનવાલા નામના પ્રોડ્યુસર, જે એક હિન્દી ફિલ્મ બનાવવા માગતા હતા. તે એમને પોતાની સાથે મુંબઈ લઈ આવ્યા ! આ વાત હતી 1969ની, અને ફિલ્મ હતી ‘લોરી’, જે કદી બનીને પુરી જ ન થઈ શકી. છતાં રવિન્દ્ર જૈન ખુશ હતા ! કેમકે એમને પોતાનાં ગીતો મહમ્મદ રફી, લતા મંગેશકર તથા આશા ભોંસલે જેવા દિગ્ગજ ગાયકો પાસે ગવડાવવાનો મોકો મળ્યો હતો.
જોકે મુંબઈ આવતાં પહેલાં રવિન્દ્ર જૈન પોતે ગાયક તરીકે આગળ આવવા માગતા હતા, પણ નસીબની બલિહારી જુઓ, તેમને પાંચ-પાંચ રેડિયો સ્ટેશનોમાં ઓડિશન બાદ ‘નાપાસ’ કરવામાં આવ્યા હતા ! (બાય ધ વે, ઓલ ઇન્ડિયા રેડિયો આ બાબતે ગર્વ લઈ શકે છે કેમ કે તેમણે અમિતાભ બચ્ચન અને સુનીલ દત્તને પણ એનાઉન્સર તરીકે ‘નાપાસ’ કર્યા હતા !)
‘લોરી’ માટે જે પહેલું ગીત રેકોર્ડ થયું તેના શબ્દો હતા : ‘યે સિલસિલા હૈ પ્યાર કા, ચલતા હી રહેગા…’ એ ગીત કદી રીલિઝ ના થયું પણ ‘યે સિલસિલા સંગીત કા, ચલતા હી રહેગા…’ એ સાચું પડ્યું. 1972માં ‘કાંચ ઔર હીરા’ નામની એક બી ગ્રેડ ફિલ્મ આવી જે ફ્લોપ થઈ ગઈ.પણ એનું એક ગીત આજે પણ ઘણાને યાદ હશે: ' નઝર આથી નહીં મંઝિલ, તડપને સે ભી ક્યા હાસિલ...'
પરંતુ એ ફિલ્મ ફ્લોપ હોવા છતાં રવિન્દ્ર જૈનની ટેલેન્ટ એવી વ્યક્તિઓ સુધી પહોંચી ચૂકી હતી જે ‘કાચ અને હીરા’ વચ્ચેનો ફરક જાણતા હતા. એમાંની સૌથી હીરાપારખુ વ્યક્તિ કહી શકાય તેવા તારાચંદ બડજાત્યા હતા. 1973માં અમિતાભ, નૂતન અને પદ્મા ખન્નાની ફિલ્મ ‘સૌદાગર’ રિલીઝ થતાં જ રવિન્દ્ર જૈન ‘એ’ ગ્રેડના સંગીતકારોની હરોળમા આવી ગયા.
અહીં ગીતો પણ એમનાં પોતાનાં હતાં જેમાં અમિતાભના દિલફેંક (અને કામુક) સ્વભાવ માટે તેમણે લખ્યું : ‘હર હસીં ચીજ કા મૈં તલબગાર હું, રસ કા ફૂલોં કા, ગીતોં કા બિમાર હું’ તો બીજી બાજુ નુતનની કરુણ દશા દર્શાવવા પેલું માઝી ગીત લખ્યું : ‘દૂર હૈ કિનારા, ગહેરી નદી કી ધારા, તૂટી તેરી નૈયા માઝી, ખેતે જાઓ રે…’ અને 1970માં મુંબઈમાં આવીને પ્રોડ્યુસર N.M. સિપ્પીને સંભળાવેલું ગીત ‘ઘુંઘરુ કી તરહા…’ છેક 1974માં ‘ચોર મચાયે શોર’માં આવ્યું ! એ જ ફિલ્મનુ ગાયન ‘લે જાયેંગે લે જાયેંગે, દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ પાછળથી સુપરહિટ ફિલ્મનું ટાઈટલ પણ બન્યું ! બોલો.
સંગીતકાર તરીકે તો રવિન્દ્રજી શ્રેષ્ઠ હતા જ, પરંતુ મુંબઈની ઇન્ડસ્ટ્રીઝમાં જ્યાં અમુક મોટાં નામો સામે પડવાની કોઈ હિંમત નહોતું કરતું ત્યાં રવિન્દ્ર જૈને લતાની જગ્યાએ હેમલતા અને રફી-કિશોરના સ્થાને યેસુ દાસ પાસે અનેક ગીતો ગવડાવીને હિટ પણ કરી બતાડ્યાં ! આ એ જ સંગીતકાર છે જેણે જસપાલ સિંઘ જેવા સાવ નવા ગાયક પાસે ‘ગીત ગાતા ચલ’નાં તમામ ગીતો ગવડાવ્યાં. (ત્યારબાદ જસપાલ સિંઘ ક્યાં ખોવાઈ ગયો, એ પણ રહસ્ય છે.)
અચ્છા, રવિન્દ્ર જૈન ગીતકાર શી રીતે બન્યા ? એની પાછળનું મીઠડું સસ્પેન્સ એવું છે કે કિશોરવયમાં જ્યારે તે બીજા લોકો સાથે બેસીને અંતાક્ષરી રમતા હતા ત્યારે કોઈ અક્ષર ઉપરથી ગીત યાદ ન આવે તો રવિન્દ્ર એ જ ઘડીએ ‘શીઘ્રકવિ’ બનીને એકાદ ‘ઓરીજીનલ’ લાગે એવું ગીત ગાઈ નાંખતા હતા !
આગળ જતાં આ જ ગીતકારે ગંગા જેવી પવિત્ર નદી માટે લખ્યું કે ‘રામ તેરી ગંગા મૈલી હો ગઈ, પાપીયોં કે પાપ ધોતે ધોતે..’ અને એ જ ફિલ્મમાં એક જ યુવકની બે પ્રેમિકાઓ માટે રવિન્દ્રજી જ લખી શકે કે ‘એક રાધા, એક મીરાં, અંતર ક્યા દોનોં કી પ્રીત મેં બોલો..’
રવિન્દ્ર જૈને ગીત ગાતા ચલ, નદિયા કે પાર, સુનયના, ચિત્તચોર, સૌદાગર, દુલ્હન વહી જો પિયા મન ભાયે, અખિયોં કે ઝરોકોં સે, વિવાહ, એક વિવાહ ઐસા ભી... આટલી ફિલ્મો તો રાજશ્રી પ્રોડક્શન સાથે જ કરી. એ ઉપરાંત રાજકપૂરની આર કે ફિલ્મ્સ માટે રામ તેરી ગંગા મૈલી અને હીના માટે સંગીત આપ્યું. એન સી સિપ્પી માટે ચોર મચાયે શોર અને ફકીરા તેમજ બી આર ચોપરાની પતિ પત્ની ઔર વો અને ઈન્સાફ કા તરાજુ કરી. આ તમામ ફિલ્મોનાં ગીતો હિટ હતાં.
રવિન્દ્ર જૈન ગીત અને સંગીત બન્નેમાં ભારોભાર ભારતીય સંસ્કારિતા લાવવામાં માનતા હતા. એટલે જ, જ્યારે મુંબઈની ઇન્ડસ્ટ્રીમાં છીછરાપણું વધી ગયું ત્યારે તેઓ ટેલિવિઝનમાં વળી ગયા. આજે પણ ‘રામાયણ’ની ચાર ડઝનથી વધુ ગીતરચનાઓ તેનો પુરાવો છે.
***
E-mail :mannu41955@gmail.com
(પત્રરકાર જયવંત પંડ્યા લખે છે...)
ReplyDeleteરવીન્દ્ર જૈનનાં ગીતો શુદ્ધ હિન્દીવાળા વધુ રહેતા...જબ દીપ જલે આના, મેરા પ્યાર ના બિસરાના...હસરત જયપુરી, મઝરૂહ હોત તો લખત જબ શમા જલે આના, મેરા પ્યાર ના ભૂલાના...
બીજું કે આનંદ બક્ષી, સમીરની જેમ ઇકરાર, ઇનકાર, બેકરાર, પ્યાસ, નશા, બેઇમાન, મોહબ્બત, આશિકી, રુહ આવા જનરલ શબ્દો જેનાથી કોઈ પણ નવા ગીતકાર પણ ગીત લખી શકે તે નહોતા વાપરતા.
સૌદાગરનું એક ગીત તો ઘણી ફિલ્મો, સિરિયલો અને વેબ સીરિઝમાં સ્ત્રીને તૈયાર થતી વખતે ગણગણવાનું ગીત બની ગયું -સજના હૈ મુઝે સજના કે લિયે...(શ્લેષ અલંકાર)
સગાઈ માટે ગીત હોય? રવીન્દ્ર જૈન પાસે હોય. દો અન્જાને અજનબી, ચલે બાંધને બંધન, હાય રે મન મેં હૈ યે ઉલઝન, મિલકર ક્યા બોલે...
દેર ન હો જાયેમાં ત્રણ અલગ ગીતો અને લય છે. પહેલો - દેર ન હો જાયે, બીજો મૈં દેર કરતા નહીં (જે સ્વતંત્ર ગીત હતું) અને ત્રીજું - આજા વે માહી તેરા રસ્તા ઉ દેખનિયા...આ પણ રવીન્દ્ર જૈન, રાજ કપૂર, લક્ષ્મી-પયારે, સુભાષ ઘાઈ, રામ-લક્ષ્મણ, સૂરજ બડજાત્યા જ કરી શકે કે એક ગીતમાં બીજું ગીત લાવી શકે..ધૂન, શબ્દો અને પરિસ્થિતિની રીતે. સુભાષ ઘઈએ 'રામ લખન'માં આવું કર્યું હતું તો સૂરજ બડજાત્યાએ 'હમ આપ કે હૈ કૌન'માં.
જોકે રવીન્દ્ર જૈન ગાયક તરીકે હથોડો હતા.