લગ્નની સિઝન હોય અને એમાં ગરબા ના થાય એવું ગુજરાતમાં કદી બને ખરું ? તો મિત્રો, જાણી લો આ લગ્ન-ગરબાના વિવિધ પ્રકારો અને તેમાં રહેલા પડકારો…
***
પ્રકાર (1) રોડ-શો-ગરબા
‘જુઓ અમારો વરઘોડો કેટલો મસ્ત છે’... એવું શો-ઓફ કરવા માટે ભર-ટ્રાફિકમાં બીચ-સડક પર સાઈકલની ચેઇન જેવા લંબગોળ આકારમાં આ ગરબા રમવામાં આવે છે.
પડકારો :
- શો-ઓફ તો કરવું છે પણ ગરબા જોવા માટે જે વાહનો ધીમાં પડે છે એને આગળ ધકેલવાનાં હોય છે.
- પરંતુ જાનમાં રહેલા સ્વયં-સેવકો, જે અચાનક ટ્રાફિક પોલીસના રોલમાં આવી જાય છે, તેમને વાહનો માટે જગ્યા કરવા કરતાં ગરબા માટે રોડ ઉપર વધારે દબાણ કરવામાં વધુ રસ હોય છે.
- જોકે રોડ વચ્ચે બનેલા પથ્થરના ડિવાઈડરો સૌથી મોટો પડકાર છે. કેમકે અમુક ઉત્સાહી જાનૈયા ઉછળી ઉછળીને રમવા જતાં માંડવાને બદલે હોસ્પિટલે પહોંચી ગયાના દાખલા છે !
***
(2) હોલ-પ્રવેશ ગરબા
અહીં લગ્નના હોલમાં નહીં પણ હોલના પાર્કિંગ એરિયામાં પ્રવેશતાં જ જે થોડીઘણી ખાલી જગ્યા બચી છે ત્યાં કરાતા ગરબાને આજકાલ હોલ-પ્રવેશ વિધિમાં ગણવામાં આવે છે.
પડકારો:
- જાન ભલે મોડી પહોંચી હોય, તડકો ભલે ચડી ગયો હોય, મહુરત ભલે વીતી રહ્યું હોય (અને કન્યા પણ પાર્લરમાંથી પાછી ના આવી હોય) ત્યારે સૌનો સ્પીરીટ ટકાવી રાખવો એ મોટો પડકાર છે.
- પરંતુ, જે જાનૈયાઓ ઓલરેડી ‘સ્પીરીટ’ના જોરે કૂદી રહ્યા હોય એમના ટાંટિયા સરખા પડે અને એ પોતે ના પડે, એ બીજો પડકાર છે.
- ત્રીજો પડકાર એ છે કે કન્યાપક્ષની સુંદરીઓને ગરબામાં શી રીતે લપટાવી લેવી અને શી રીતે પોતાની જોડી બનાવી લેવી !
***
(3) સંગીત-સંધ્યા ગરબા
બચ્ચામાંથી માંડીને બુઢ્ઢાઓ સુધીનાં તમામ સગાંએ કરેલા ડાન્સો સહન કરી લીધા પછી બાકીના લોકો ખુરશીઓ ખસેડીને જે કચકચાવીને ગરબા કરે છે, તે !
પડકાર:
જગ્યા કરવા માટે જે ખુરશીઓ ઉપર ખુરશીઓ ચડાવી દેવાથી અડધો અડધ લોકોને ઊભા ઊભા આ બધું સહન કરવું પડે છે ને, એ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment