સંસદ ભવનમાં સુરક્ષાની 'ચૂંક' ?!

નવા સંસદ ભવનમાં બે જણા ઘૂસી આવ્યા અને રંગીન કેમિકલના ધૂમાડા કરી મુક્યા એ બાબતે બહુ ઉહાપોહ થયો છે. આમાં સુરક્ષામાં ‘ચૂક’ થઈ હોવાનું કહેવાય છે. પણ એ બાબતે જ અમને જુદી જાતની ‘ચૂંક’ આવે છે !

*** 

સંસદ ભવનમાં ઘૂસી આવનારા તો ગુનેગારો જ કહેવાય, રાઈટ ?
પણ આપણે પોતે જ અમુક જાણીતા ગુનેગારોને વોટ આપીને સંસદ ભવનમાં મોકલીએ છીએ ! એનું શું ?

*** 

સંસદ ભવનમાં બે જણા ઘૂસી ગયા, બીજા બે સંસદ પરિસરમાં ઘૂસી ગયા, આ સુરક્ષા ચૂક માટે છ કર્માચારીઓ સસ્પેન્ડ થયા... રાઈટ ?

હવે યાદ કરો, 2008માં મુંબઈમાં માત્ર 10 જણા ઘૂસી આવ્યા હતા. એ સુરક્ષા ચૂક માટે કેટલા જણા સસ્પેન્ડ થયા ? અને ક્યારે ?

*** 

કહે છે કે હવે વધુ સુરક્ષા માટે પ્રેક્ષકોની ગેલેરી અને સંસદના સદન વચ્ચે મજબૂત કાચ નાંખવામાં આવશે.

વેરી ગુડ ! આ જ રીતે સરકારની ‘પારદર્શિતા’ વધારતા રહો !

*** 

એક સ્ટેન્ડ-અપ કોમેડિયન કહે છે કે પેલા યુવાને ક્લોરિન ગેસ ઉડાડ્યો એના કરતાં લાફિંગ ગેસ ઉડાડવો જેવો હતો.

અમે કહીએ છીએ, ભાઈ, લાફિંગ ગેસની જરૂર જ ક્યાં છે ? સંસદનું લાઈવ પ્રસારણ કાફી નથી ?

*** 

આ ‘સુરક્ષા-ચૂક’વાળું જબરું છે...
જ્યારે બે અજાણ્યા માણસો કોઈ ગેંગસ્ટરને શૂટ કરી નાંખે તો સુરક્ષા-ચૂક થઈ કહેવાય છે.

પણ જ્યારે બે ગેંગસ્ટરો બાર પંદર નિર્દોષ નાગરિકોને શૂટ કરી નાંખે તો સુરક્ષા-ચૂક નથી કહેવાતી !

*** 

ખેર, હવે સંસદ ભવનની સુરક્ષા એટલી લોખંડી કરી નાંખવામાં આવશે કે સાંસદોને ઊની આંચ પણ નહીં આવી શકે.

આમાં દાગી સાંસદોને બહુ મોટી રાહત છે. કેમકે હવે એમના માટે બબ્બે સુરક્ષિત જગ્યાઓ છે. (1) જેલ અને (2) સંસદ ભવન !

***

- મન્નુ શેખચલ્લી

Comments