એક નેતાજીને ત્યાં પડેલા દરોડામાં 500 કરોડની કેશ મળી આવી… આ વાત ચર્ચામાં છે. તો હવે સાંભળો, બીજા આવા રિકવરીના ફની કિસ્સાઓ…
***
એક બિલ્ડર ફ્રોડ કરીને ભાગી ગયો. પોલીસે એને બીજા શહેરમાંથી શોધી કાઢ્યો. એને પૂછ્યું : ‘ફ્રોડના બધા રૂપિયા ક્યાં છે ?’
બિલ્ડરે કહ્યું ‘જુઓને, આ બેડરૂમમાં આઠેક લાખ હશે, કીચનમાંથી તમને પાંચેક લાખ મળશે, બાથરૂમમાં બીજા પાંચ લાખ અને ડ્રોઇંગરૂમમાં દસ લાખ હશે. એ ઉપરાંત અહીંની ફોલ-સિલિંગ, માળિયું, સેફ્ટી ટેન્ક અને ફ્લોરિંગમાંથી તમને દસેક લાખ મળી આવશે.’
પુરી દસ કલાકની શોધખોળ પછી બધા ઠેકાણેથી ટોટલ 80 લાખ નીકળ્યા ! ઓફીસરે પૂછ્યું ‘તેં તો 48 લાખ લીધા હતા. આ તો 80 લાખ નીકળ્યા !’
‘તે હશે, હું તો બિલ્ડર છું ને ? મેં તો ખાલી એસ્ટિમેટ આપેલો !’
***
એક બેન્ક જોડે 100 કરોડનો ફ્રોડ કરીને એક ઉદ્યોગપતિ પૈસા પાછા આપવામાં ઠાગાઠૈયા કરતો હતો.
એની ઉપર રેડ પડી. એની ટોટલ 32.5 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી.
ઉદ્યોગપતિ ઓફિસરો આગળ કરગરવા લાગ્યો : ‘સાહેબ, પ્લીઝ. આખી વાતમાં માંડવાળ કરો ને ? હું તમને બધાને ટોટલ 100 કરોડ આપીશ !’
‘100 કરોડ ? તું સો કરોડ લાવશે ક્યાંથી ?’
‘કેમ ? બીજી કોઈ બેન્કમાંથી 200 કરોડની લોન લઈ લઈશ ને !’
***
આ ત્રીજો કિસ્સો સૌથી મજેદાર છે.
એક બંગલામાંથી 50 લાખની કેશ ચોરી જનારો ચોર 15 દિવસ પછી પકડાઈ ગયો. પોલીસે ડંડા મારીને પૂછ્યું : ‘બોલ, એ પૈસા ક્યાં છે ?’
ચોર કહે ‘જુઓને, 30 લાખ રૂપિયા તો હું જુગારમાં હારી ગયો. 5 લાખ રૂપિયાનો દારૂ મેં દોસ્તોને પીવડાવ્યો અને બીજા 5 લાખ રૂપિયા છોકરીઓ જોડે જલસા કરવામાં ગયા.’
‘અને બાકીના 10 લાખ ક્યાં છે ?’
‘એ તો... સાહેબ, આમ જ હોટલ, ખાવાનું અને હરવા-ફરવા જેવી ફાલતુ ચીજોમાં બરબાદ થઈ ગયા !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment