ડિવોર્સનાં ડીપ કારણો !

આજકાલના યંગ કપલ્સમાં છૂટાછેડાના કેસો વધતા જાય છે. પણ તમને નવાઈ લાગશે કે અમુક કેસ એવા છે કે આ યંગ લોકો જે કારણસર પરણ્યા છે એ જ કારણે ડિવોર્સ લેવા માગે છે !

માન્યામાં નથી આવતું ને ? તો વાંચો…

*** 

આરોહી નિહારના લવમાં જ એટલા માટે પડી હતી કે ‘આયે હાયે… એ કેટલો રોમેન્ટિક છે ! નહીં ?’

હવે છૂટાછેડા પણ એ જ કારણસર થવાના છે કેમકે ‘એ મૂઓ, જે મળે તે બધી છોકરીઓ જોડે રોમાન્સ કરતો ફરે છે !’

*** 

નેહાએ આદિત્યને શા માટે પસંદ કર્યો હતો ? કેમકે ‘વાઉ ! એ કેટલો પૈસાદાર છે !’

હવે નેહાએ કોર્ટમાં ડિવોર્સની અરજી કેમ નાંખી છે ? કેમકે ‘આદિત્ય આખો દહાડો પૈસા કમાવામાં જ બિઝી હોય છે ! મારા માટે એને ટાઈમ જ નથી !’

*** 

કરણને કૈરવી શા માટે ગમી ગઈ હતી ? કેમકે ‘યાર, એને જોઈને મને મારી મમ્મીની યાદ આવી જાય છે !’

હવે કરણને ડિવોર્સ કેમ જોઈએ છે ? કેમકે ‘એ મને હંમેશા બાબો જ સમજે છે ! બધી વાતમાં મારી મા બનવાની કોશિશ કરે છે !’

*** 

જીજ્ઞેશને નંદીની એટલા માટે સખ્ખત ગમતી હતી કે ‘બોસ, એ કેટલી બોલ્ડ બિન્દાસ અને જબરી છે !’

હવે જીજ્ઞેશ એ જ કારણસર, નંદીનીથી છૂટવા માગે છે. કેમકે ‘યાર, એ બહુ જ બોલ્ડ, બિન્દાસ અને જબરી છે !’

*** 

કવિષાને સૌમિલ ખુબ જ ગમતો હતો કેમકે ‘એ કેટલો શાંત, સોબર અને ઓછાબોલો છે !’

હવે કવિષા સૌમિલથી એ જ કારણસર ત્રાસી ગઈ છે કે ‘યાર, આ માણસ સખ્ખત બોચિયો અને બોરિંગ છે !’

*** 

અનુરાગે મલ્લિકાને પ્રપોઝ જ એટલા માટે કર્યું હતું કે ‘એ આખા કોલેજની બ્યુટિ-ક્વીન છે, યાર !’

હવે અનુરાગને ડિવોર્સ જોઈએ છે. કેમકે ‘મલ્લિકાનું માત્ર બ્યુટિપાર્લરનું બિલ દર મહિને 50,000નું આવે છે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments