નવાં લગ્નોમાં નવા રીવાજ !

આજકાલ સોશિયલ મિડીયામાં એક એવી ડિમાન્ડ ફરે છે કે, બોસ, કંકોત્રીની સાથે સાથે જમણવારનું ‘મેનુ’ શું છે એ પણ છાપો ! જેથી ખબર પડે કે આ લગ્નમાં જવું કે બીજા લગ્નમાં જવું !

આ હિસાબે તો બીજા પણ નવા રીવાજો શરૂ કરવા જેવા છે. જેમ કે…

*** 

મંડપમાં એન્ટર થતાંની સાથે જ ચાંલ્લાનું ટેબલ રાખો ! જેથી 501ના ચાંલ્લા કરનારને લિમિટેડ ભાણું, 1001ના ચાંલ્લા કરનારને ફૂલ ડીશ અને 2000થી ઉપરનો ચાંલ્લો કરનારને અનલિમિટેડ ડીશની ‘કુપનો’ જ આપી દેવાની !

*** 

રિસેપ્શનમાં સ્ટેજ ઉપર જઈને ફોટા પડાવવા માટે જે લાઈનો લાગે છે એમાં ‘ટોકન’ સિસ્ટમ રાખો ! નંબર ડિસ્પ્લે થાય ત્યારે જ જવાનું ! બેન્ક જેવું…

*** 

એ જ રીતે જમવાના વાનગીઓનાં કાઉન્ટરો ઉપર જે પડાપડી થાય છે તેને અટકાવવા માટે ‘લોટરી’ સિસ્ટમ રાખો ! જેનો નંબર પહેલો ખુલે તેને પહેલાં મળે ! IPOના એલોટમેન્ટ જેવું…

*** 

બેકલેસ અને સ્લીવલેસ ચોલી પહેરીને આવનાર કન્યાઓ તથા બહેનોની ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી પહેલાં પતાવી દેવાની ! જેથી પછી એ લોકો નિરાંતે શાલ ઓઢીને ફરી શકે !

*** 

અને મહિલાઓ સિવાયના જાનૈયા તથા મહેમાનોની ઠંડી ઉડાડવા માટે પાર્ટી-પ્લોટમાં ઠેર ઠેર તાપણાં ગોઠવો !

*** 

‘ફલાણી વાનગી કંઈ ખાસ નહોતી’, ‘ઢીંકણી વાનગી સાવ મોળી હતી’, ‘આઇસ્ક્રીમ ઠંડો નહોતો’ ‘સુપ ગરમ હતો’ ‘ઢોંસા બનાવાવાળો બહુ ધીમો હતો’ ‘ફલાણી વાનગીનું કાઉન્ટર તો મને જડ્યું જ નહીં’… આ ટાઈપની કમ્પલેનો કરવા માટે મંડપની બહાર જવાના રસ્તે એક ફરિયાદ-પેટી રાખો !

*** 

અને ખાધા પછી જ્યાં એંઠી ડીશો મુકવાની હોય છે ત્યાં મોટાં મોટાં પોસ્ટરો લગાડો જેમકે ...

(1) ‘ભોજનનો બગાડ એ બહુ મોટું પાપ છે..’ અને 

(2) આપ CCTVની નિગરાનીમાં છો ! કેટલું ખાધું અને કેટલું બગાડ્યું તે રેકોર્ડ થઈ રહ્યું છે ! પછી વિડીયો વાયરલ થાય તો કહેતા નહીં…

***

- મન્નુ શેખચલ્લી

Comments