એન્ટિ-કરપ્શન દિવસ ? કેવો હોય !

લો બોલો ! ગઈકાલે એટલે કે 9 ડિસેમ્બરે વર્લ્ડ એન્ટી-કરપ્શન ડે હતો ! જુઓને, કેવા કેવા દિવસોની ઉજવણી થવા લાગી છે?

*** 

સૌથી સારી વાત એ થઈ કે એ દિવસે બીજો શનિવાર હોવાથી તમામ સરકારી ઓફિસો બંધ હતી. આના કારણે અડધો અડધ કરપ્શન તો થયું જ નહીં ! બોલો. કેટલું સારું ?

*** 

પણ સવાલ એ છે કે આ એન્ટી-કરપ્શન દિવસે આપણે કરવાનું શું ? ટ્રાફિક પોલીસને લાંચ નહીં આપવાની ? 100 રૂપિયામાં મામલો પતતો હોય તો પણ 1000ની રસીદ ફડાવવાની ? અઘરું છે ભઈ...

*** 

એથી પણ અઘરું મંત્રીજીઓ માટે છે. કોઈ કોન્ટ્રાક્ટર મીઠાઈનાં પેકેટો બેગમાં ભરીને લાવ્યો હોય તો ના પાડી દેવાની ?

*** 

પરંતુ એક બહુ મોટી તક ભારતે ગુમાવી દીધી ! ગઈકાલે EDના તમામ સ્ટાફનું જાહેરમાં સન્માન થવું જોઈતું હતું ! બાકી આજે ભ્રષ્ટાચાર સામે લડે છે જ કોણ ?

*** 

એમ તો ગઈકાલે ભાજપના નેતાઓનું પણ જાહેરમાં સન્માન થવું જોઈતું હતું. કેમકે આજે એ એ એક જ પાર્ટી એવી છે જેના નેતાઓ ઉપર EDની રેઈડ નથી પડતી !

*** 

અને એ નેતાઓનું સન્માન શી રીતે થવું જોઈતું હતું ? અમારા હિસાબે તો દૂધ વડે એમને નવડાવવા જોઈતા હતા. જેથી આપણે છાતી ઠોકીને, (અને વિડીયો શેર કરીને) કહી શકીએ કે ‘જુઓ, અમારા નેતાઓ દૂધે ધોયેલા છે.આ રહ્યો એનો પુરાવો !’

*** 

બાકી, ગઈકાલે બીજો પણ એક સુભગ સંયોગ હતો કે કોઈ ચૂંટણી નહોતી !
નહિતર બિચારા હજારો લાખો મામૂલી નાગરિકોએ વોટના બદલામાં મજબૂરીથી ભ્રષ્ટાચારના ભાગીદાર બનવું પડ્યું હોત !

*** 
ચાલો, વાંધો નહીં, આવતા વરસે આપણે સૌ આપણા DPમાં સ્લોગન મુકીશું : ‘મૈં ભી ભ્રષ્ટાચાર વિરોધી !’

***

- મન્નુ શેખચલ્લી

Comments