એડ.ઝ જોઇને વિચારો તો ખરા ?

ટીવીમાં અમુક જાહેરખબરો આવે છે તે આપણે જોઈ તો લઈએ છીએ પણ એ જોયા પછી આપણને ક્યારેય વિચાર નથી આવતો કે…

*** 

કે બોલો, આજે કઈ મમ્મીની નજર સામે છોકરું ધોયેલો અને ઇસ્ત્રી કરેલો યુનિફોર્મ પહેરીને કિચ્ચડમાં ધૂબાકા મારવાની હિંમત કરી શકે છે?

*** 

અને કઇ મમ્મી માટે અને કિચડમાં રગદોળાયેલા યુનિફોર્મને જોઈને કહેતી હશે કે ‘દાગ તો અચ્છે હૈં?’
વાત કરો છો...

*** 

અને કયો ભાડે રહેતો કોલેજિયન એમ માનતો હશે કે પોતે માંડ ત્રીજા દહાડે નહાય છે, છતાં ફલાણું બોડી-સ્પ્રે છાંટવાથી બાજુમાં રહેતી સેક્સી પાડોશણ એની ઉપર ફિદા થઈ જશે?

*** 

કે પછી અક્ષયકુમાર અને સલમાન ખાન શું એટલા મુરખ હશે કે નોકર પાસે ઠંડા પીણાની બાટલી મંગાવવાને પોતે વાંદરાની જેમ ઠેકડા મારીને હેલિકોપ્ટર અને વિમાનમાંથી ઝંપલાવીને હાઈવે પર જતી ટ્રકમાંથી કોલ્ડ-ડ્રીંકની બાટલી મફતમાં ખેંચી કાઢવા જતા હશે?

*** 

અને હા, અક્ષયકુમાર ટ્રાફિક પોલીસ બનીને ક્યારેક દિવસના 300-400 રૂપિયા કમાવા પહોંચી જતો હશે? એ તો માની લઈએ...

- પણ યાર, હોસ્પિટલની બહાર ઊભા રહીને સિગારેટ પીનારા કોઈ રેન્ડમ માણસને સિગારેટને બદલે સેનિટરી પેડમાં પૈસા ખરચવાની સલાહ કેમ આપી રહ્યો છે?

મતલબ કે, આ વળી કેવી ઓફર? ‘એક પેકેટ સિગરેટ કે બદલે મેં લે જાઓ એક સેનિટરી પેડ કા પેકેટ મુફ્ત !?’

*** 

અને પેલો ધોની, એક બાજુ આપણને ડ્રીમ-ઈલેવનમાં રૂપિયા લગાડવાનું કહે છે અને બીજી બાજુ કહે છે કે મૈં ને તો મ્યુચ્યુઅલ ફંડ મેં ઇન્વેસ્ટ કર કે મેરા રિટાયરમેન્ટ સેફ કર લિયા હૈ !

- ધોનીભાઈ, પહેલાં કહેવું જોઈએ ને? અહીં ઓનલાઇન રમવામાં 5 લાખનો લોસ થઈ ગયો છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments