રોજ સવાર પડે ને મોબાઈલમાં આપણા મિત્રો આપણને સોનેરી સુવાક્યો મોકલી આપે છે. (જેથી પોતાની પાસે કચરો ભેગો ના થાય.) પરંતુ અમુક સુવાક્યો એવાં હોય છે કે સવાર સવારના સળી કર્યા વિના રહી શકાતું નથી! જેમકે…
***
સુવાક્ય
પડ્યા પડ્યા કટાઈ જવા કરાતં કામ કરીને ઘસાઈ જવું સારું.
સળી
અમે અમારા રસોડાની છરીઓને પણ આ જ સલાહ આપીએ છીએ !
***
સુવાક્ય
ખોટું કામ કરવાનો વિચાર આવે ત્યારે તેને અમલમાં મુકતાં પહેલાં કોઈ સારા માણસની સલાહ લેવી જોઈએ.
સળી
આજકાલ આવા સારા માણસો ટેક્સ કન્સલટન્ટના નામે ઓળખાય છે !
***
સુવાક્ય
જે ક્ષણે તમારા હૃદયમાં ગાંઠ પડવાનું શરૂ થાય છે એ જ ક્ષણથી સ્વાર્થની શરૂઆત થાય છે.
સળી
સ્વાર્થની નહીં બોસ, હૃદયરોગની શરૂઆત થાય છે !
***
સુવાક્ય
ઇશ્વરને જુદાં જુદાં નામો આપવાની જરૂર જ ક્યાં છે? ‘ઇશ્ર્વર’ નામ જ અદ્ભુત છે.
સળી
હા, પણ પછી આ વિષ્ણુ સહસ્રનામની ચોપડીનું શું કરવાનું?
***
સુવાક્ય
સત્ય અને અસત્ય વચ્ચે હંમેશા એક પાતળી ભેદરેખા હોય છે.
સળી
આજકાલ એ ભેદરેખાનું નામ ‘કોર્ટ’ છે !
***
સુવાક્ય
ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે અને સતત ભેગા રહીને કામો કરવાં એ સફળતા છે.
સળી
લો બોલો. આજકાલ એને ‘ગઠબંધન’ કહે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment