પાકિસ્તાનના કોચનું નવું જ્ઞાન !

પાકિસ્તાની ટીમ ન્યુઝિલેન્ડ સામે જીતી ગઈ પછી પાકિસ્તાની કોચ મિકી આર્થર બહાનાં કાઢતા બંધ થઈ ગયા છે! (હા, જો પાકિસ્તાન હાર્યું હોત તો વરસાદનું બહાનું તૈયાર હતું !)

પણ હવે મિકી આર્થર પાકિસ્તાની ટીમની પાછળ આદુ ખાઈને પડી ગયા છે ! નેટ પ્રેક્ટીસમાં તે પ્લેયરોનો કૂચો કાઢી રહ્યા છે ! જુઓ…

*** 

બાબર, રિઝવાન અને ફખર ઝમાન સળંગ ત્રણ ત્રણ કલાક સુધી બાઉન્સરો સામે ઝઝૂમીને થાકી ગયા પછી લીંબુ શરબત પીતા હતા ત્યાં મિકી આર્થર આવ્યા અને મોં બગાડીને બોલ્યા:

‘પૂલ કરતી વખતે બાબરનો જમણો ખભો આગળની તરફ આવી જાય છે, કટ શોટ રમતી વખતે રિઝવાનનો આગળનો પગ પુરેપુરો બહાર નથી આવતો અને હૂક શોટ રમતી વખતે ફખર ઝમાનનો પાછલો હાથ ત્રાંસો રહી જાય છે.’

‘તો શું??’ ત્રણે જણાએ પૂછ્યું.

મિકી આર્થર જવાબ આપ્યા વિના જતા રહ્યા !

બીજા દિવસે અફ્રીદી, રઉફ અને નસીમ સળંગ ત્રણ ત્રણ કલાક સુધી બોલિંગ પ્રેક્ટીસ કર્યા પછી જ્યારે નેપકીન વડે પોતાનો પરસેવો લૂછી રહ્યા હતા ત્યારે મિકી આર્થર આવ્યા. એમણે ઓરેન્જ જ્યુસની ચૂસ્કી લેતાં ઠંડકથી કોમેન્ટ કરી:

‘ઇન-સ્વીંગર નાંખતી વખતે અફ્રીદીનો પાછલો પગ વધારે પડતો વળી ગયેલો હોય છે, રઉફ જ્યારે ઓફ-કટર નાંખે છે ત્યારે એની ગરદનનો એંગલ ઇંગ્લેન્ડના બોલર માર્ક વૂડ કરતાં ચાર ડીગ્રી વધારે ત્રાંસો રહે છે અને બાઉન્સર નાંખતી વખતે નસીમના આગલા પગનો પંજો માર્ક વૂડના પંજા કરતાં ત્રણ ડીગ્રી અંદરની તરફ રહે છે...’

‘તો શુંઉઉં?’ ત્રણે બોલરો બગડ્યા.

મિકી આર્થર જવાબ આપ્યા વિના જતા રહ્યા !

છેવટે ત્યાં ઊભેલા એક પત્રકારથી ના રહેવાયું તેણે મિકી આર્થરને પૂછ્યું ‘સર, આ બધું જ્ઞાન તમે ક્યાંથી લાવ્યા?’

મિકી આર્થરે જ્યુસની ચૂસકી લેતાં કહ્યું ‘આ તો હું હિન્દી કોમેન્ટેટરો પાસેથી શીખ્યો છું!! અને હકીકતમાં તો હું પાકિસ્તાની હાર માટે નવાં બહાનાં શોધી રહ્યો છું !’

(હવે તમે પણ હિન્દી કોમેન્ટરી ધ્યાનથી સાંભળજો. મજા આવશે.)

***

- મન્નુ શેખચલ્લી

Comments