ઝારખંડમાં 7 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે. અહીં અમુક આદિવાસી વિસ્તારો એવા છે જ્યાં ખૂંખાર નકસલવાદીઓ વોટિંગ થવા જ નથી દેતા !
એક નેતાજી આવા જ એક વિસ્તારમાંથી પોતાની કારમાં થોડા ચમચા ને ઘણા બધા રૂપિયા લઈને રાતના સમયે પસાર થઈ રહ્યા હતા.
એવામાં અચાનક કારે બ્રેક મારી. ઝોકું ખાઈ રહેલા નેતાજી આંખો ખોલીને સામે જુએ છે તો દસ-બાર બુકાનીધારીઓ હાથમાં ભરી બંદૂક સાથે ઊભા છે !
નેતાજી ફફડી ગયા !
પેલા નકસલવાદીઓએ બંદૂકની અણી ધરીને હુકમ કર્યો:
‘જે કંઈ રૂપિયા પૈસા છે તે આપી દો! ફટાફટ… નહિતર…’
નેતાજી ગભરાયા. આ માથાફરેલ લોકો સામે દલીલ ના કરાય. કંઇક આડું બોલાઈ જાય તો ગોળી મારી દે !
નેતાજીએ ચમચાઓને કહ્યું ‘પેલી રૂપિયા ભરેલી બેગ આ લોકોને આપી દો’
નકસલવાદીઓ બેગ લઇને કહે છે: ‘આમાં કેટલા રૂપિયા છે?’
‘જેટલા હોય એટલા! લઈને ચાલતા થાવ ને !’
‘ના !’ બુકાનીધારીનો આગેવાન બગડ્યો. ‘ગણીને બતાડો, કેટલા છે?’
નેતાજી અકળાયા ‘જાતે ગણી લો ને?’
‘અમે બાગી છીએ! કંઈ બેન્કના કારકૂનો નથી! રૂપિયા ગણીને જ આપવા પડશે !’
નેતાજી કંટાળ્યા. ચમચાઓને કહ્યું ‘ગણી આપો.’
ચમચાઓએ નોટો ગણવામાં પંદર મિનિટ લગાડી… છેવટે બેગમાં રૂપિયા ભરીને આપતા કહ્યું, ‘પુરા દસ લાખ છે !’
નકસલવાદીઓ બેગ લઈને જતા રહ્યા. નેતાજીને હાશ થઈ ! ત્યાં તો ચમચાઓ કહેવા લાગ્યા: ‘સાહેબ, આપણે તેમને ઉલ્લુ બનાવ્યા !’
‘શી રીતે?’
‘બેગમાં તો વીસ લાખ હતા પણ આપણે દસ લાખ જ કીધા !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment