મારા એક મિત્ર, જે FTIIમાંથી ભણ્યા છે તેમણે એકવાર વોટ્સએપમાં મેસેજ કર્યો કે ‘હવે FTIIના એલ્યુમ્નાઇઝના વોટ્સએપ ગ્રુપમાં પણ હિન્દુવાદીઓ દેખાઈ રહ્યા છે !’
મેં જવાબમાં કટાક્ષ કર્યો કે ‘અરે વાહ? જે સંસ્થામાં કદી ભારતીય સિનેમાના વી. શાન્તારામ, વિજય ભટ્ટ કે રાજકપૂર જેવા હિન્દુવાદીઓની ફિલ્મો ભણાવવામાં જ નથી આવતી ત્યાંના સ્ટુડન્ટો હિન્દુવાદી શી રીતે બની ગયા?’
તરત જ મિત્રનું રિ-એકશન આવ્યું: ‘રાજકપૂર? એ ક્યારે હિન્દુવાદી હતા? એ તો કોમ્યુનિસ્ટ હતા !’
લો બોલો. જે ફિલ્મકારની ફિલ્મોની માત્ર યાદી જુઓ તો અમુક નામોમાં જ હિન્દુ સંસ્કૃતિની છાપ છે, જેમ કે ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ ‘રામ તેરી ગંગા મૈલી’ ‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’ અને ‘સંગમ’.. એ કોમ્યુનિસ્ટ શી રીતે થઈ ગયા?
ખેર, એ મિત્રને તો મેં મારી રીતે જવાબ આપી દીધો પરંતુ અફસોસની વાત એ છે કે ભારતની જે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટો છે એમાં ભારતીય ફિલ્મો વિશે કંઈ ભણાવતા જ નથી એનું આ દુઃખદ પરિણામ છે !
અચ્છા, રાજકપૂર કોમ્યુનિસ્ટ હતા એ છાપ શી રીતે ઊભી થઈ? કેમકે રાજકપૂરની ‘આવારા’ ફિલ્મ રશિયા, હંગેરી, ઝેકોસ્લોવાકીયા જેવા સામ્યવાદી દેશોમાં જબરદસ્ત લોકપ્રિય થઈ હતી. અહીં ભારતીય સિનેમાની સાથે થોડો ભારતનો ઇતિહાસ પણ યાદ કરવો જોઈએ. કેમકે તે વખતે જવાહરલાલની સમાજવાદ માટેની વિચારસરણી રશિયાથી પ્રભાવિત હતી. રશિયાએ પણ ભારતમાં સામ્યવાદના પ્રચાર પ્રસાર માટે અહીંના લેખકો, બુધ્ધિજીવીઓ, મોટી કોલેજોના પ્રોફેસરોની સાથે ફિલ્મી કલાકારોને પણ પોતાની પાંખમાં લેવાનું શરૂ કર્યું હતું. આમાં ને આમાં ‘આવારા’ ફિલ્મમાં રશિયનોને સામ્યવાદનાં બીજ દેખાયાં ! (એમના ચશ્મે જોતાં) એમણે રાજકપૂરને ખભે ઊંચકીને આખા યુરોપમાં રીતસરનું એમનું ફૂલેકું કાઢ્યું હતું !
જોકે એ વાત સાચી કે રશિયન કોમ્યુનિસ્ટોના પ્રભાવમાં આવીને રાજકપૂરે બે ફિલ્મો એ પ્રકારની બનાવી પણ ખરી. એક હતી ‘બૂટ પોલીશ’ અને બીજી ‘જાગતે રહો’ પરંતુ બન્નેનું દિગ્દર્શન પોતે નહોતું કર્યું. પરંતુ રાજકપૂર બહુ ઝડપથી કોમ્યુનિસ્ટોના પ્રભાવમાંથી બહાર આવી ગયા. કેમકે તે પોતે જન્મથી ભારતીય સંસ્કૃતિના રંગે જ રંગાયેલા હતા અને છેક સુધી એ રંગમાં જ રહ્યા.
હવે રહી વાત ‘આવારા’ની, તો સાહેબો, જેને રશિયાવાળા પોતાની કોમ્યુનિસ્ટ વિચારધારાવાળી ફિલ્મ માનતા હતા (અને ભારતની અમુક ફિલ્મ ઇન્સ્ટીટ્યુટો હજી માને છે) એમાં જ ઊડીને આંખે વળગે એવું હિન્દુવાદી પ્રતિક છે ! યાદ કરો, પેલું ડ્રીમ સિકવન્સનું ગાયન... જેમાં શરૂઆતમાં ‘તેરે બિના આગ યે ચાંદની...’ વખતે નટરાજની વિશાળ પ્રતિમા બતાડી છે. અને જ્યારે ‘મુજકો યે નરક ના ચાહિયે..’વાળા ભયાનક દુઃસ્વપ્નમાંથી નરગિસ રાજકપૂરને હાથ આપીને બહાર કાઢે છે પછી શું બતાડ્યું છે?
વિશાળ, ભવ્ય 60 ફૂટ ઊંચી શિવ ભગવાનની ત્રિમૂર્તિ છે! અને તે તરફ રાજ અને નરગિસ આશાભર્યાં પગલે પગથિયાં ચડી રહ્યાં છે ! તે વખતે બેકગ્રાઉન્ડમાં તીવ્ર સ્વરે સમૂહગાન ગવાય છે તેના શબ્દો શું છે? ‘ઓમ... નમઃ... શિવાય...’ (અને બોલો રાજકપૂર હિન્દુવાદી નહીં, એમ?)
અરે, જે ફિલ્મ નકરી સામ્યવાદી વિચારધારા ધરાવતી હતી તે ‘જાગતે રહો’માં પણ, ફિલ્મના અંતે પેલા એક જ મકાનમાંથી સમાજના તમામ ગુનેગારો વારાફરતી ઝડપાઈ જાય છે ત્યાં, રાજકપૂરે આગ્રહ કરીને કયું ગીત મુકાવડાવ્યું છે ? ‘જાગો મોહન પ્યારે...’
જો તેઓ હાડોહાડ સામ્યવાદી વિચારધારા હોત તો ‘સમાજ કે દુશ્મનોં કો ઉખાડ ફેંકો... ધનવાનોં કો સજા દો... ક્રાંતિ કરો...’ એ ટાઇપનું ગીત હોત ને ? પણ ના, રાજકપૂરની ફિલ્મ લોહિયાળ ક્રાંતિની તરફેણ કરવાને બદલે સૌને ઇશ્વરને શરણે જવાનું સૂચન કરે છે: ‘જિસ ને મન કા દીપ જલાયા, ઉસ ને જગ કો ઉજલા પાયા...’ (છતાં રાજકપૂર હિન્દુવાદી નહીં, એમ?)
બાકી, રાજકપૂરની ફિલ્મોમાં હિન્દુ પ્રતિકોની તો ભરમાર છે! ‘રામ તેરી ગંગા મૈલી’ની તો હિરોઇન જ પવિત્ર ગંગાનું પ્રતિક છે, જે હિમાલયથી નીકળે છે ત્યારે શુધ્ધ અને બેદાગ છે પણ કોલકત્તા આવતાં આવતાં માનવીઓ જ એને પ્રદૂષિત અને કલુષિત કરી મુકે છે. અહીં ક્લાઇમેક્સમાં જે ગીત હતું એ તો હિન્દુ કથાનકોમાંથી ચૂંટેલું અનમોલ મોતી સમાન છે: ‘એક રાધા, એક મીરાં, અંતર ક્યા દોનોં કી પ્રીત મેં બોલો...’
હજી યાદ કરો.. 'જિસ દેશ મેં ગંગા બહેતી હૈ'માં મુખ્ય પાત્ર પોતાની ઓળખાણ આપતાં ગાય છે : ' મેરા નામ રાજુ, ઘરાના અનામ, બહેતી હૈ ગંગા જહાં મેરા ધામ !' આગળ જતાં એ જ રાજુ ભારત દેશની સંસ્કૃતિની પહેચાન કરાવતાં ગાય છે:
'મહેમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ, યે પૂરબ હૈ પૂરબવાલે હર જાન કી કિમત જાનતે હૈં... મિલ જુલ કે રહો ઔર પ્યાર કરો, ઈક ચીજ યહી જો કહેતી હૈ, હમ ઉસ દેશ કે વાસી હૈં, જિસ દેશ મેં ગંગા બહેતી હૈ.. ' આ દેશ ઉપર સતત આક્રમણો થયા છતાં જે દેશે સૌને અપનાવ્યા છે એ હિન્દુ ફિલોસોફી માટે આનાથી વધારે સરળ શબ્દો ક્યાં મળે ? કયા સામ્યવાદી દેશની આ ફિલોસોફી છે ? ( છતાં રાજકપૂર હિન્દુવાદી નહીં ?)
‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’માં તો હિરોઇનના પિતા જ ભજનકાર છે જેના સંસ્કાર તેને બાળપણથી જ મળ્યા છે: ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્યું ગોરી, મૈં ક્યું કાલા..’ યુવાન થયા પછી એ મંદિરમાં સેવિકા બને છે જ્યાં મંદિર તો શિવજીનું છે છતાં તે ગાય છે ‘ભોર ભયે પનઘટ પે, મોહે નટખટ શ્યામ સતાયે...’ અને ક્લાઇમેક્સમાં આકાશવાણી ગીત છે ‘ઇશ્વર સત્ય હૈ, સત્ય હી શિવ હૈ, શિવ હી સુંદર હૈ... જાગો ઔર ઉઠકર દેખો, જીવન જ્યોત ઉજાગર હૈ.... સત્યમ્ શિવમ્ સુંદરમ્ !’
બસ, આપણે પણ પ્રાર્થના કરીએ કે ભારતની ફિલ્મ ઇન્સ્ટીટ્યુટો જાગે અને ઊઠીને જુએ કે ભારતીય સિનેમામાં શું શું પડ્યું છે!
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Agreed 👌👌
ReplyDeleteSo true
ReplyDelete