આપણી ઓરિજીનલ દેશી સિસ્ટમો !

આપણા દેશની વાત જ નિરાળી છે. અમેરિકામાં અડધી રાતે સાવ સુમસામ ચાર રસ્તા ઉપર રેડ સિગ્નલ હોય તો ભલભલાં વાહનો ત્યાં ઊભા રહે છે ! જ્યારે આપણી સિસ્ટમ એવી છે કે ધોળા દિવસે રેડ સિગ્નલ હોય તો પણ આપણે પોલીસ તો શું, સીસીટીવી કેમેરામાં પણ ઝડપાતા નથી! આવી અમુક ઓરીજીનલ સિસ્ટમોના આપણે કોપીરાઇટ કરાવી લેવા જેવા છે…

***

ટાઇમ સિસ્ટમ 
આપણી ટાઇમ સિસ્ટમ ઇલાસ્ટીક જેવી છે. એને આપણે ધારીએ એ રીતે ખેંચી શકીએ  છીએ. અહીં નવ એટલે સાડા નવ, અગિયાર એટલે સાડા અગિયાર થાય છે એ તો કોમન છે પણ આપણે સાવ નોર્મલ વાતચીતમાં પણ કહી શકીએ છીએ કે, ‘જોને, હું ચાર, સાડા ચાર, પાંચ વાગતામાં તો પહોંચી જ જઈશ, પણ તું સાડા પાંચ, છ લગી તો મારી રાહ જોઇશ ને?’ લો બોલો! ક્યાં ચાર અને ક્યાં છ? અહીં ટાઇમ ‘એક્સ્પાન્ડ’ નહીં ‘કન્ડેન્સ’ થાય છે!

***

અકળામણ સિસ્ટમ
આમ અમસ્તા અમસ્તા ચારના છ વાગી જાય તો આપણને જરાય વાંધો નથી હોતો (કેમકે એટલો ‘ટાઇમપાસ’ થાય છે.) પરંતુ ચાર રસ્તે રેડલાઇટનો સિગ્નલ જોતાં જ આપણા દિમાગની તપેલી ગરમ થવા લાગે છે: ‘બે યાર, ખોટ્ટો ટાઇમ બગડી રહ્યો છે..’ શી ખબર, એ જ વખતે આપણને 120 સેકન્ડ કે 180 સેકન્ડની વેલ્યુ સમજાવા લાગે છે! એ તો ઠીક, 120 સેકન્ડ (એટલે કે ‘બે જ મિનિટ’ હોં!) પછી જ્યારે લાઇટ ગ્રીન થાય છે ત્યારે એકસામટાં બબ્બે ડઝન વાહનો એકબીજાથી આગળ જવા માટે હોર્ન વડે એટલી બધી અકળામણ વ્યક્ત કરે છે કે જાણે આગળનાં દસ વાહનો અડધી સેકન્ડમાં ખસી ગયાં હોત તો પોતે ‘ટાઇમસર’ ચારને બદલે સાડા ચારે ‘ટચ’ થઈ જ ગયા હોત !

***

ધીરજ સિસ્ટમ
આ સિસ્ટમ રિવર્સમાં કામ કરે છે. જો આપણને રેલ્વે કે બસની ટિકીટ માટે લાઇનમાં ઊભા રહેવું પડે. બેન્કમાં, સરકારી ઓફિસોમાં, હોસ્પિટલોમાં દસ મિનિટ પણ રાહ જોવી પડે તો અકળામણ થઈ ઊઠે છે પણ એ જ લોકોને ભગવાનનાં દર્શન કરવાં હોય તો બબ્બે કલાક લગી બહુ ધીરજપૂર્વક લાઇનમાં ઊભા રહી શકે છે !

***

દાન સિસ્ટમ
મંદિરમાં બે હાથ જોડીને ઊભા રહીએ, ઘંટ વગાડીએ પછી ફટ લેતાંકને દાનપેટીમાં 20-25 રૂપિયા મુકી દેતા આપણે જરાય અચકાતા નથી. અરે, ધજા ચડાવવાની હોય, કોઈ ખાસ તિથિએ આરતી ઉતારવાની હોય તો હજારોની રકમની ‘બોલી’ બોલી દઈએ છીએ. મોટા ઉત્સવના ફંડફાળામાં 5001, 11001 એવી રકમો નોંધાવી દઈએ છીએ…

પણ હોસ્પિટલોમાં જ્યાં મફતમાં ઇલાજ થાય છે, ‘મા-કાર્ડ’ કે ‘આયુષ્યમાન-કાર્ડ’ વડે જ્યાં લગભગ ઝીરો એમાઉન્ટમાં મોટી સર્જરી કરાવી લઈએ છીએ. પણ ત્યાંની દાનપેટીમાં 500ની એક નોટ નાંખવાનું યાદ આવતું નથી.

અને હા, સંતાનોના એડમિશન માટે જે ‘ડોનેશન’ આપીએ છીએ એને તો ‘દાન’ ગણતા જ નથી! બલ્કે હવે તો ‘ડોનેશન સીટ’ એવી વ્યવસ્થિત સિસ્ટમ છે !

***

ઝાટકણી સિસ્ટમ
‘અમિતાભ હવે ખખડી ગયો છે…’ ‘અક્ષયકુમાર સાવ પતી ગયો છે…’ ‘શાહરૂખને અમથો અમથો ચગાવી માર્યો છે..’ ‘મોદી ખાલી મોટી મોટી વાતો કરી જાણે, બાકી…’ ‘આલિયા ભટ્ટમાં બે પૈસાની યે અક્કલ નથી…’ 

ભલે ને આપણે બી.કોમ.માં માંડ માંડ પાસ થઈને કોઈ નિશાળમાં વિદ્યાસહાયકના ફિક્સ પગારમાં નોકરું ટીચતા હોઈએ, કે પછી નવરા બેઠા માવા-ગુટકા ખાઈને શહેરની ભીંતો બગાડતા હોઈએ છતાં આપણી અનોખી સિસ્ટમ વડે ગામના સરપંચથી લઈને દેશના સૌથી સફળ લોકોની ઝાટકણી કાઢવાનો અધિકાર ધરાવી શકે છે.

***

કરપ્શન સિસ્ટમ
આમાં તો જેમ અઘરી ફિલ્મોમાં હોય છે તેવાં ‘ડીપ લેયર્સ’ હોય છે ! ટ્રાફિક પોલીસને જે પૈસા આપીએ તેને ‘પતાવટ’ કહેવામાં આવે છે. સરકારી કામ કઢાવવા માટે જે પૈસા આપીએ છીએ તેને ‘વજન’ કહીએ છીએ, મોટા સાહેબને રાજી રાખવા માટે જે રકમ આપીએ છીએ તેને ‘મીઠાઈ’ કહીએ છીએ. સરકારી કર્મચારીઓ જે નફ્ફટ થઈને માગે છે તેને ‘લાંચ’ કહેવાય છે, કોન્ટ્રાક્ટ મેળવવા માટે જે આપવું પડે છે તેને ‘કમિશન’ કહેવાય છે, અબજોના વહીવટમાં જે અડધો ટકો રાખવાનો હોય તેના માટે સુંદર શબ્દ છે: ‘કટકી’ ! 

બેન્કોમાં થાય છે તેને ‘કૌભાંડ’ કહે છે, કોર્પોરેશનોમાં થાય છે તેને ‘ગોબાચારી’ કહેવાય અને હાઇ-ફાઈ કોર્પોરેશનોમાં થાય તેને ‘સ્કેમ’ કહેવાય ! આમાં સૌથી મોટો શબ્દ છે ‘દેશવ્યાપી ભ્રષ્ટાચાર’… કહે છે કે તેની સામે આજકાલ માત્ર બિચારી ED જ લડી રહી છે !

***

...અને ઈકો સિસ્ટમ !
આ આપણા દેશની લેટેસ્ટ સિસ્ટમ છે ! કહે છે કે આમાં દેશની યુનિવર્સિટીઓ, સ્ટુડન્ટો, પ્રોફેસરો, બુદ્ધિજીવીઓ, પત્રકારો, લેખકો, કવિઓ, ફિલ્મ કલાકારો, વકીલો, જજો તથા આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત અર્થશાસ્ત્રીઓ જેવા ભણેલા ગણેલા લોકોની સાથે કેટલાંક દેશદ્રોહી, આતંકવાદી અને ભાગલાવાદી ‘તત્વો’ પણ સામેલ છે ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment