જો તમે વર્લ્ડ-કપની મેચો જોતા હો તો એની ખરી મઝા હિન્દી કોમેન્ટ્રી સાથે જોવામાં છે! કેમકે અંગ્રેજી કોમેન્ટેટરો તો જાણે ‘ટેસ્ટ-મેચ’ નામના એમના સ્વજનનાં બેસણામાં આવ્યા હોય એવું સુષ્ટુ સુષ્ટુ બોલ્યા કરે છે! બીજી બાજુ હિન્દી કોમેન્ટ્રીમાં ફુલ-ટુ કોમેડી છે !
***
અગર મેચ જીતના હૈ તો...
આ કોમેન્ટેટરો વારંવાર બોલ્યા કરશે: ‘અગર ભારત કો યે મેચ જીતના હૈ તો...’ ‘અગર પાકિસ્તાન કો યે મેચ જીતના હૈ તો...’ ‘અગર ઇંગ્લેન્ડ યહાં સે મેચ જીતના ચાહતા હૈ તો...’
અલ્યા ભઈ! અહીં બધી ટીમો આવી છે શેના માટે? મેચો જીતવા માટે જ ને? (હા, પાકિસ્તાનની વાત અલગ છે)
***
આપ કો ક્યા કરના હોગા
હિન્દી કોમેન્ટેટરો અચાનક ફૂલ-ટાઇમ મોટિવેશનલ સ્પીકરો બની જાય છે! ‘દેખિયે, આપ કો અપના દિમાગી સંતુલન બનાંયે રખના પડેગા...’ ‘આપ કો હર ગેંદ કો સમજના પડેગા..’ ‘આપ કો અપના હૌસલા બનાયે રખના પડેગા...’ અને હા, ‘અગર આપ કો યે મેચ જીતના હૈ તો આપ કો પોઝિટીવ ક્રિકેટ ખેલના હોગા !’
ઓ મારા મહાન ઉપદેશકો ! આ બધા ઉપદેશો તમે અમને શા માટે આપો છો? પેલા બિચારા જે મેદાનમાં પરસેવો પાડી રહ્યા છે એને તો તમારી એકપણ શીખામણ સંભળાતી યે નથી ! ક્યારેક લાગે છે કે આ આખું જે ‘ભેંશ આગળ ભાગવત’ ચાલી રહ્યું છે ને, એમાં ‘ભેંશો’ આપણે જ છીએ !
***
રિસ્ક લેને હોંગે
અમુક કોમેન્ટેટરો સીધા શેરબજારમાંથી આવતા હોય છે. એ કહેશે ‘અબ સિંગલ સે કામ નહીં ચલેગા, અબ તો કુછ રિસ્ક લેને હોંગે’
ત્યાં તો બેટર એક ચોગ્ગો ફટકારશે! તરત જ કોમેન્ટેટર બોલી ઊઠશે ‘દેખા? મૈં ક્યા કહ રહા થા? ઇન્હોં ને ઓફ સાઇડ કે બોલ કો પૂલ કર કે ઓન સાઇડ પે શોટ મારા... યહી કરના હોગા.. રિસ્ક તો લેને પડેંગે !’
ત્યાં તો બીજો ચોગ્ગો વાગશે! કોમેન્ટેટર જોશમાં આવી જશે ‘રિસ્ક તો લેને હી પડેંગે! અગર રન-રેટ બઢાના હૈ તો રન જ્યાદા લેને પડેંગે !’ (અલ્યા, ‘જ્યાદા’ રન લીધા વિના રન-રેટ શી રીતે વધવાનો હતો?)
પણ એ પછીના બોલે પૂલ કરવા જતાં બેટર આઉટ થઈ જાય કે તરત આ ભાઈ બોલી ઉઠશે: ‘બિલકુલ ગલત શોટ થા... ઇસ વક્ત ઐસા શોટ ખેલને કી જરૂરત હી નહીં થી... રન આસાની સે આ રહે થે..’ (ટોપા ! રિસ્ક લીધાં ત્યારે જ રન આવ્યા ! હવે આઉટ થયાં તો કહે છે કે રન આસાની સે આ રહે થે !)
***
ચાર્જ કરના ચાહિયે
એક કોમેન્ટેટર હંમેશાં ઉત્સાહમાં હોય છે જ્યારે 15થી 35મી ઓવરો ચાલી રહી હોય ત્યારે જ એમની સીટ નીચે માંકડ ઘુસી જાય છે. ‘મેરે ખ્યાલ સે અબ ચાર્જ કરના ચાહિયે !’
તમે માર્ક કરજો, આવા સમયે બેટરો સિંગલ, ડબલ, સિંગલ, ડબલ એમ કરીને દરેક ઓવરમાં સાત-સાત રન ખેંચી જતા હોય છતાં આ ભાઈનું MP3 ચાલુ જ હશે: ‘અબ ચાર્જ કરના ચાહિયે !’
***
બિલ્ડર કોમેન્ટેટર
અમુક કોમેન્ટેટરો સ્વભાવથી ‘બિલ્ડર’ હોય છે! ‘દેખિયે... ઇનિંગ કા ફાઉન્ડેશન અગર મજબૂત હોગા તો આગે ચલકર ઉસ નીંવ કે ઉપર બડા સ્કોર રચાયા જા સકતા હૈ...’
એમાંય જો સ્ક્રીન ઉપર ઓવરદીઠ કેટલા રન લીધા એનો ચાર્ટ આવે કે તરત આ બિલ્ડર જોશમાં આવી જશે: ‘દેખિયે કિતની બડી બડી ઈમારતેં હૈં? ઔર બીચ મેં યે જો તીન ચાર હૈં, વો તો સ્કાય સ્ક્રેપર હૈ !’
બેટરે બેક-ફૂટ પર જઈને શોટ માર્યો હોય તો આનો બિલ્ડર આત્મા તરત જ જાગૃત થશે: ‘યે પીછે ગયે, અપને લિયે ‘રૂમ’ બનાયા, ઔર ચૌકા જડ દિયા !’ (અમે કહીએ છીએ કે બધા ‘રૂમ’ જે કેમ બનાવે છે? કોઈ ‘બાથરૂમ’ કેમ નથી બનાવતું?)
***
જોરદાર શોટ ! મગર...
ક્યારેક લાગે છે કે આ કોમેન્ટેટરોને મેદાન પાસે બેસાડવાને બદલે ક્યાંક ખૂણામાં ગોઠવીને એમના હાથમાં મોબાઇલ પકડાવી દીધા છે! કેમકે જ્યારે જ્યારે કોહલી બેટ ઘુમાવે છે ત્યારે મોટેથી બોલે છે ‘ઔર યે જોરદાર શોટ!’ પછી ફૂગ્ગામાંથી હવા નીકળતી હોય એવા અવાજે બોલશે: ‘મગર વહાં ફિલ્ડર મૌજુદ !’
***
મહાન ખિલાડી કી પહેચાન
કોહલી કે રોહિત શર્મા જેવા અચ્છા ખેલાડી હજી પિચ ઉપર આવે એ પહેલાં જ આરતી ઉતારવાની શરૂઆત થઈ જશે: ‘ઇન કે આંકડે દેખિયે..’ હજી કોહલી પહેલો શોટ મારે ત્યાં તો કહેશે ‘કરારા શોટ ! લગતા હૈ આજ તો સેન્ચુરી બના કે રહેંગે !’ અને જ્યારે કોહલી 10 રનમાં આઉટ થઈ જાય તો કહેશે : ‘અગર આઉટ ના હોતે તો આજ જરૂર શતક બનાતે!’ બોલો, આમાં શું સમજવું?
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Hilarious
ReplyDelete