વર્લ્ડકપમાં ભારતના 357 સામે શ્રીલંકાની ટીમ 55 રનમાં ખખડી ગઈ! હવે આની જોક્સ પણ શી રીતે બનાવવી? છતાં, થોડી સિરિયસલી ફની ટ્રેજેડીઓ…
***
શ્રીલંકાના ત્રણ બેટ્સમેનોને શ્રીલંકાનું ક્રિકેટ બોર્ડ એકસ્ટ્રા પૈસા આપવાનું છે એમનો સ્કોર ‘એકસ્ટ્રા’ રનો કરતાં વધારે હતો! બોલો.
***
શ્રીલંકાના પાંચ બેટ્સમેનો ઝીરોમાં આઉટ થયા! જોકે આ કંઈ રેકોર્ડ નથી! રેકોર્ડ તો એ છે કે એમાંથી બે બેટ્સમેનો આઉટ થતાં પહેલાં આઠ-આઠ બોલ સુધી અડીખમ રહીને પિચ ઉપર ટકી રહ્યા હતા !
***
શ્રીલંકાની આખી ઇનિંગ માત્ર 19.4 ઓવરમાં જ પતી ગઈ! વાનખેડે સ્ટેડિયમના પ્રેક્ષકો એ પછી બૂમો પાડતા હતા: કાં તો અડધા પૈસા પાછા આપો, કાં તો શ્રીલંકાને ફોલો-ઓન કરો !
***
ભારતનો બોલર દોડતો દોડતો આવે છે... હાથ વીંઝીને કચકચાવીને બોલ નાંખે છે... શ્રીલંકાનો બેટ્સમેને તેને બેટ વડે સ્ટોપ કરે છે... જો તમને આવું દ્રશ્ય ટીવીમાં કે મોબાઇલમાં સળંગ ત્રણત્રણ વાર જોવા મળે તો સમજવું કે તમે શ્રીલંકાની ઇનિંગની ‘હાઇલાઇટ્સ’ જોઈ રહ્યા છો !
***
શ્રીલંકાના બેટસમેનો ખરેખર બહુ જ ઝડપી રમ્યા. કેમકે એમની ઇનિંગ પતી ગયા પછી હાઇલાઇટ્સમાં પણ દસ મિનિટ બચી હતી !
***
શ્રીલંકાના કોચ ખરેખર અભિનંદનને પાત્ર છે કેમકે તેમના મનોવૈજ્ઞાનિક અભિગમને કારણે શ્રીલંકાના બોલરો બેટસમેનો કરતાં પણ વધારે રન ઠોકી ગયા ! બોલો.
***
શ્રીલંકાની છેલ્લી મેચ આવતા સોમવારે છે. શ્રીલંકામાં તેમના સ્વાગતની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એરપોર્ટ ઉપર કમ સે કમ 5000 પોલીસકર્મીઓ હાજર હશે... ખેલાડીઓના બચાવ માટે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment