તેઓશ્રી 'માત્ર' ફલાણા જ નથી!

એક પ્રખ્યાત હાસ્ય લેખકની શ્રધ્ધાંજલિ સભામાં એક મહાનુભાવ એમ બોલ્યા કે તેઓ માત્ર હાસ્યલેખક નહોતા, એક સારા માણસ પણ હતા… (લો બોલો. તો શું બીજા હાસ્યલેખકો ખરાબ માણસો છે?)

પણ આપણે ત્યાં આવું કહેવાનો રીવાજ પડી ગયો છે: ‘તેઓશ્રી માત્ર એક રાજકીય નેતા જ નહીં, બલ્કે એક ઇમાનદાર માણસ પણ છે...’ ‘માનનીય એડવોકેટ સાહેબ માત્ર એક કુશળ વકીલ જ નહીં, એક સત્યાવાદી માણસ પણ છે...’ (હેં?) આવું સાંભળીએ ત્યારે પહેલાં તો કાનને ખબર જ નથી પડતી કે આ શું બોલી ગયા? પછી ધીમે રહીને ટ્યુબલાઇટ થાય છે કે બોસ, એવું તો હોતું હશે?

આવાં છેતરામણાં વાક્યો બોલવાને બદલે કાર્યક્રમના સૂત્રધારે સીધેસીધું કહેવું જોઈએ કે ‘હવે તમે જેને સાંભળવાના છો એ માત્ર સારા વક્તા જ નથી, ક્યારેક ક્યારેક એ સારા શ્રોતા પણ હોય છે ! પણ ક્યારે? જ્યારે એમણે પોતાના કાનમાં ખોસેલું હિયરીંગ એઇડ ‘ઓન’ કર્યું હોય ત્યારે !’

આવું ‘માત્ર ફલાણા જ નહીં, પરંતુ ઢીંકણા પણ છે...’વાળું આપણા દરેક સમારંભોમાં આપણે લમણે મરાતું જ હોય છે. ના ના, હું એમ કહું છું કે શું તમે તમારા ફેમિલી ડોક્ટરની ઓળખાણ એ રીતે કરાવો છો કે ‘આ માત્ર ડોક્ટર જ નથી, એ એક પેશન્ટ પણ છે! એમને દસ વરસથી હાર્ટની તકલીફ છે!’ શું આપણે આપણા બોસની ઓળખાણ એ રીતે કરાવીએ છીએ કે ‘આ માત્ર અમારા જ બોસ નથી, બલ્કે એમનાં વાઇફ પણ એમના બોસ છે, બોલો !’

આ હિસાબે આપણા પાડોશીની ઓળખાણ તો આ ‘માત્ર’વાળી મેથડથી કરાવવાની બહુ જ મજા આવે કે... ‘મનસુખરાય માત્ર અમારા પાડોશી નથી, એ તો બાજુવાળાં ચંપામાશીનાં, આગળવાળા અમૃતલાલના, પાછળવાળા પરસોત્તમકાકાના અને એમના ઉપર માળવાળા ગીતાબેન, મીનાબેન, ગોમતીબેન, ગોપાલદાસ, ભવાનીશંકર, મિતેશકુમાર, ચુન્નુ, મુન્નુ, ચિન્ટુ, બબલુ અને બન્ટીના પણ પાડોશી છે !’

બોલો, જાજરમાન ઓળખાણ છે ને? લો વધુ એક ઓળખાણ કરાવું. ‘આ મારાં મમ્મી છે. એ અમારા ઘરમાં માત્ર દાળભાત રોટલીશાક જ નહીં, બલ્કે, પુરી, ભાખરી, ઢેબરાં, થેપલાં, પુરણપોળી, સાદા પરોઠા, આલુ પરોઠા, ગોબી પરોઠા, છીણેલા ગાજરનાં પરોઠા, છીણેલા મૂળાના પરોઠા, મસાલાવાળી ભાખરી, જાડી ભાખરી, પછી પેલી રૂમાલી રોટી કહેવાય છે તે, અને શું કહેવાય કઢી, છાશ, ચા, કોફી, ઉકાળો...’

ચાલ્યું તમતમારે !

જોકે ‘માત્ર ફલાણા જ નહી, પરંતુ ઢીકણાં પણ છે’વાળી ટેવ અમને પણ પડવા માંડી છે! એક વાર અમે એમાં બહુ ખરાબ રીતે ફસાઈ ગયા. બન્યું એવું કે એકવાર મારા એક ફ્રેન્ડની ઓળખાણ એક લેખકમિત્ર આગળ કરાવવા જતાં અમારાથી બોલાઈ ગયું કે ‘સંદીપભાઈ મારા મિત્ર જ નથી... બલ્કે...’

બોલતાં તો બોલાઈ ગયું, પછી અમે હલવાણા ! કેમકે મારા એ ફ્રેન્ડ ‘ન તો મારા પાડોશી હતા, ન મારા નાતીલા હતા, કે ઇવન અમારા મોબાઈલો પણ એક જ કંપનીના કાર્ડથી ચાલતાં નહોતાં! એટલે અમે અધૂરુ વાક્ય પુરું કરતાં કહ્યું ‘સોરી, સંદીપભાઈ માત્ર મારા મિત્ર જ છે! એટલે કે, મિત્ર-માત્ર છે !’

મેં સંદીપભાઈને ‘મિત્ર-માત્ર’ કહ્યા એટલે એ રીસાઈને જતા રહ્યા. બીજા દિવસે મને મળ્યા તો કહે ‘યાર, ખરા છો તમે? હું તમારો મિત્ર-માત્ર છું?’

અમે કહ્યું ‘જરા વિચાર કરો, સંદીપભાઈ માત્ર મારા મિત્ર જ નહીં, બલ્કે પસ્તી ભંગાર વગેરેના જથ્થાબંધ વેપારી પણ છે... તો કેવું લાગે?’

સંદીપભાઈ કહે ‘કેમ, એમાં શું, હું તો જથ્થાબંધ પસ્તીનો વેપારી છું જ ને?’

‘હા, પણ જરા સમજો યાર! પેલા ભાઈ પણ લેખક હતા અને હું ય લેખક છું. હવે એ તો એમ જ સમજે ને, કે મારી જથ્થાબંધ પસ્તીને ‘પધરાવવા’ માટે જ મેં તમારી દોસ્તી રાખી હશે !’

મારા મિત્ર હસવા લાગ્યા. ‘હોતું હશે? તમારી રોજની બે-પાંચ પાનાંની પસ્તીમાં મને શું કમાવા મળે?’

- ટુંકમાં, અમે જે રોજનાં બે-પાંચ પાનાં લખીએ છીએ એ તો અમારા મિત્ર સંદીપલાલને મન ‘પસ્તી’ જ છે ને! આ તો સારું છે કે મારે એમની ઓળખાણ મારા છાપાના માલિક સાથે કરાવવાનો પ્રસંગ નથી આવ્યો! નહિતર...

અને જસ્ટ કલ્પના કરો, કાલે ઊઠીને મારે તમારી ઓળખાણ કરાવવાનો વારો આવે અને અમે કહીએ કે ‘ફલાણાભાઈ મારા વાચક જ નથી... એ તો નસીબદાર છે !’

- તો ‘અમારું’ કેવું લાગે?

***

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment