ગયા અઠવાડિયે હિન્દી ફિલ્મોનાં ‘માઝી’ સોંગ્સમાં રહેલી ફિલોસોફીનો રંગ માણ્યો હતો. આ વખતે માઝી ગીતોમાં પ્રેમ, યાને કે લવ એટલે કે રોમાન્સનો જરીક લ્હાવો લઈએ.
સૌથી પહેલું ગીત તો ‘સુજાતા’નું જ લેવાય કેમકે સચિન દેવ બર્મનના અવાજમાં આ ગીત ફિલ્મના પરદે જે બિચારો નાવિક ગાય છે તેનો ચહેરો જ બતાડ્યો નથી, છતા માઝી અને સચિન દા એક હોય એવું લાગવા માંડ્યું…! ‘સુન મેરે બંધુ રે, સુન મેરે મિતવા, સુન મેરે સાથી રે…’ આમાં ચેતવણી એટલી જ કે અહીં જે ‘બંધુ’ છે તેને ‘ભાઈ’ સમજવાની ભૂલ કરવી નહીં ! બંધુનો અર્થ દોસ્ત તરીકે લેવાનો છે. ઓકે?
બીજું, ગીતના પહેલા અંતરામાં જે ‘પીપલ’ છે તેનો મતલબ ‘લોકો’ નથી ! એનો અર્થ ‘પીપળો’ થાય! છતાં, જે ‘અમર લતા’ની વાત છે તેને તમારે અમર ગાયિકા લતા મંગેશકર માટે લેવી હોય તો છૂટ છે !
બાકી, બીજા જ અંતરામાં કવિ જમીન ઉપરથી પાણીમાં જતા રહે છે. ‘જિયા કહે તૂ સાગર, મૈં હોતી તેરી નદિયા, લહર-બહર કરતી અપને પિયા સે મિલ જાતી રે!’ આ ગીત યુ-ટ્યુબમાં જોવા જેવું છે કેમકે ઢળતી સાંજના સીનમાં પેલી હોડીમાં બેઠેલો ભાઈ ગાય છે કે માત્ર ડંડો હલાવે છે એ સસ્પેન્સ ટકી રહેલું છે !
જોકે હોડીવાળાએ ન ગાયું હોય એવું એક બીજું ગીત પણ યાદ કરવા જેવું છે ‘મોરે સૈંયાજી ઉતરેંગે પાર, હો નદિયા ધીરે બહો…’
આમાં પહેલીવાર સાંભળતાં એવું લાગે કે હિરોઇને પેલા હિરોને નદીની પેલે પાર શાક લેવા તો મોકલ્યો છે પણ નદીમાં ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીને લીધે ફોર્સ વધી ગયો છે ! એટલે હિરોઇને રિક્વેસ્ટ કરવી પડી છે કે ‘નદિયા ધીરે બહો…’
એમાં વળી પેલા એક ડઝન હોડીવાળા સામટા ‘હૈયા હો, હૈયા રે હૈયા, હૈયા હો…’ કરીને નદીનો ફોર્સ વધારવામાં મદદ કરે છે? કે હોડીની સ્પીડને ? એ પણ સમજવું જરા મુશ્કેલ છે.
જોકે ફિલ્મમાં સિચ્યુએશન એવી છે કે દિલીપ કુમાર નિમ્મીની નાવમાં બેઠો છે. નિમ્મી અને મનોમન પ્રેમ કરે છે પણ ભાઈને એની ખબર જ નથી! એટલે બિચારી ગાય છે કે
‘તાલ તલૈયા દુનિયા માને,
મન કા સાગર કોઉ ના જાને,
મૈં જાનું યા મેરા યાર,
હો નદિયા ધીરે બહો…’
1967માં આવેલી ‘મિલન’માં વળી પ્રેમનો જુદો જ રંગ છે! અહીં નાવિક સુનીલ દત્ત નુતનનો નોકર જેવો છે છતાં બન્ને વચ્ચે એક નાજુક છતાં પવિત્ર પ્રેમનું બંધન છે. ‘સાવન કા મહિના પવન કરે સોર’…વાળા ગીતમાં એ કશ્મકશ તરફ આનંદ બક્ષીએ છૂપો ઈશારો કરી જ દીધો છે:
નાવિક કહે છે.. ‘રામા ગજબ ઢાયે પે પૂરવૈયા’… (પૂરવૈયા એટલે પૂર્વ દિશાથી આવતો પવન) નુતન તરત જ કહે છે ‘નૈયા સંભાલો કિથ ખોયે હો ખેવૈયા?’
જવાબમાં સુનીલ દત્ત કહે છે ‘પુરવૈયા કે આગે ચલે ના કોઈ જોર, જિયરા રે ઝૂમે ઐસે જૈસે બનમાં નાચે મોર !’ મતલબ કે કુદરતના (એટલે કે મનના અથવા તનના) આવેગો સામે કોનું જોર ચાલે છે ?
બીજા અંતરામાં નુતન પૂછે છે ‘મૌજવા કરે ક્યા જાને, હમ કો ઈશારા?’ નદીની લહેરો શું ઈશારો કરી રહી છે? નાવિક સામું પૂછે છે ‘જાના કહાં હૈ, પૂછે નદિયા કી ધારા…’ મતલબ કે ઈરાદો શું છે, મેડમ? તો મેડમ તરત જ કહે છે઼..
‘મરજી હૈ તુમ્હારી,
લે જાઓ જિસ ઔર,
જિયારા રે ઝુમે ઐસે,
જૈસે બનમાં નાચે મોર !’
(જોકે ફિલ્મમાં એ બન્નેનું મિલન બીજા જન્મમાં થાય છે પરંતુ એ ઓછા શબ્દોમાં આછો ઈશારો છૂપાયેલો જ હતો ! હિન્દી ફિલ્મોનાં ગીતોમાં આવી ઝીણી બારીકીઓ હતી જેની ઘણીવાર મોડે મોડે ટ્યુબલાઇટ થાય છે.)
જોકે સૌથી ડીપ લેયરવાળું માઝી ગીત પેલું ઓલટાઇમ ફેમસ ‘ઓરે માઝી…’ જ છે. (ફિલ્મ બંદિની) પ્રેમિકા આ તરફ છે પ્રેમી પેલી તરફ છે વચ્ચે સંસારની તકલીફો સમાન નદી છે. નાયિકા નાવિકને કહે છે...
‘મોરે સાજન હૈં ઉસ પાર,
મૈં મન માર, હું ઇસ પાર,
ઓ મેરે માઝી, અબ કી બાર
લે ચલ પાર…’
પરંતુ શું આ માત્ર સંસારની સમસ્યારૂપી નદી છે.? કે પછી આત્મા અને પરમાત્માના મિલન વચ્ચે જે અંતરાય છે તેની વાત છે? કેમકે આગળ શૈલેન્દ્રએ લખ્યું છે
‘મન કી કિતાબ સે તૂ
મેરા નામ હી મિટા દેના,
ગુણ તો ન થા કોઈ ભી,
અવગુણ મેરે ભૂલા દેના !’
આ ‘મન કી કિતાબ’ એટલે પેલો ચિત્રગુપ્તનો ચોપડો તો નહીં? જેમાં આપણા સૌ પાપ-પૂણ્ય લખાય છે? કેમકે આગળની પંક્તિ છે:
‘મુઝે આજ કી વિદા કા
મર કે ભી રહતા ઇન્તેજાર !’
આ છેલ્લી વિદાયની જ રાહ જોવામાં આપણે મરતા હોઈએ છીએ ને! (અને, આજ કે ‘મિલન’ કા ઇન્તેજાર કેમ ના લખ્યું? શું નુતન અશોકકુમારને છેલ્લી વાર માત્ર છૂટા પડવા માટે જ મળવાની ઇચ્છા ધરાવતી હતી?)
બીજા અંતરામાં તો શૈલેન્દ્ર બહુ ગૂઢ ભાષામાં કહે છે..
‘મત ખેલ, જલ જાયેગી,
કહેતી હૈ આગ મેરે મન કી !’
આ મનના આવેગો, આ તનના આવેશોની સાથે રમત? એ તો આગ સાથેના ખેલ જેવુ છે! ચેતી જા! જોકે એ પછીની જ લાઇનમાં શૈલેન્દ્ર સમાધાન પણ આપે છે.
‘મૈં બંદિની પિયા કી,
મૈં સંગિની હું સાજન કી…’
આત્મા એ શરીરની ‘બંદિની’ એટલે કેદી છે પણ પરમાત્માની સંગિની એટલે કે સાથી પણ છે ! એટલે જ જાણે પરમાત્માનું અદ્રશ્ય ખેંચાણ અનુભવાતું હોય તેવા શબ્દોમાં લખ્યું છે કે
‘મેરા ખિંચતી હૈ આંચલ,
મનમીત તેરી હર પુકાર !’
જોકે ફિલ્મ જોતાં હો ત્યારે તો એમ જ લાગે કે આ તો નુતન અને અશોકકુમાર વચ્ચે જે પ્રેમનો સંબંધ છે તેનું ગીત છે, પણ શબ્દોને અલગ તારવીને સાંભળો તો કંઈ જુદી જ વાત બને છે !
કાશ, આજે આવાં ગીતો લખાતાં હોત… ભલેને પછી વીસ વરસે સમજાય ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail :mannu41955@gmail.com
હવે આપણી આ પેઢીમાં એવાં કવિત્વભર્યાં , લાગણીશીલ દિમાગો અને દિલો ક્યાં થાય છે, જે વિશેષ અર્થસભર સંવાદોનું હાર્દ સમજી શકે ?
ReplyDelete