લોકોને આજકાલ તૂટી ગયેલા પુલ અને ઉખડી ગયેલા રોડમાં ભ્રષ્ટાચાર દેખાય છે. પરંતુ EDને વિરોધપક્ષમાં જ ભ્રષ્ટાચાર દેખાય છે !
જોકે પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે કોઈનો અંતરાત્મા દુખવા લાગે…
***
એક મિનિસ્ટર સાહેબ એમના ફેવરીટ સ્વામીજી પાસે જઈને કહેવા લાગ્યા ‘સ્વામીજી એક દુવિધામાં ફસાયો છું.’
‘શું દુવિધા છે?’
‘વાત એમ છે કે મારે 100 કરોડનો એક કોન્ટ્રાક્ટ આપવાનો છે પણ મારા પ્રિય એવા બે કોન્ટ્રાક્ટરો મારા ઉપર વારાફરતી ખૂબ દબાણ કરે છે કે કોન્ટ્રાક્ટ મને જ મળવો જોઈએ… મને સમજાતું નથી કે મારે શું કરવું?’
સ્વામીજી કહે ‘ચિત્તને શાંત કરો… અંતરાત્મા એની મેળે જવાબ આપશે.’
બે દિવસ પછી મિનિસ્ટરજી ફરીથી સ્વામીજી પાસે ગયા. ‘સ્વામીજી ચિત્ત શાંત નથી રહેતું! કેમકે એક કોન્ટ્રાક્ટરે બહુ જીદ કરીને મને પાંચ કરોડ આપી દીધા છે !’
સ્વામીજી કહે છે ‘ચિત્તને શાંત થવા દો… અંતરાત્મા એની મેળે જવાબ આપશે !’
નેતાજી પાછા ગયા પરંતુ બે જ દિવસમાં પાછા આવ્યા ! ‘સ્વામીજી ચિત્ત તો વધારે અશાંત થઈ ગયું! અંતરાત્મા તો સાવ મુંઝાઈ ગયો છે!’
‘કેમ, શું થયું?’
‘અરે, જે બીજો કોન્ટ્રાક્ટર છે એ મને સાત કરોડ આપી ગયો !’
સ્વામીજી કહે ‘વત્સ, ચિત્તને શાંત કરો… તમારો અંતરાત્મા તમને જરૂર સાચો જવાબ આપશે !’
નેતાજી પાછા જતા રહ્યા. આ વાતને દસ બાર દિવસ થઈ ગયા છતાં નેતાજી તરફથી કોઈ સંદેશો ના આવ્યો એટલે સ્વામીજીએ ફોન કર્યો:
‘વત્સ, તમારા અંતરાત્માનું શું થયું?’
‘ઓહો સ્વામીજી ! અંતરાત્માએ તો ક્યારનો જવાબ આપી દીધો! કેમ કે ચિત્ત પણ શાંત થઈ ગયું !’
‘શી રીતે?’
‘સિમ્પલ, મેં બીજા કોન્ટ્રાક્ટરને એના વધારાના બે કરોડ પાછા આપી દીધા !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment