ખરાબ લખાણના બે નમૂના !

અમેરિકામાં એક સંસ્થા દર વરસે ‘ખરાબ’ લખાણોની સ્પર્ધા રાખે છે! એટલું જ નહીં, જેનું લખાણ સૌથી ખરાબ હોય તેને (જૂતા નહીં) ઈનામ પણ આપે છે! ધારો કે, આપણે ગુજરાતીમાં પણ આવી સ્પર્ધા રાખી હોય તો ?

અહીં બે નમૂના આપ્યા છે. એક કાલ્પનિક અને બીજો રિયલ છે! જુઓ…

*** 

નમૂનો (1)

ચારે બાજુ ઘોર અંધકાર હતો. સુરજ માથે ચડી ચૂક્યો હતો. ઝરમર વરસતા વરસાદનાં ટીપાં ઘટાટોપ વૃક્ષોનાં પાંદડાં પરથી સરકીને નીચે પડી રહ્યાં હતાં. નીચે અફાટ રણ હતું. સુમીતની કાર ધીમી ગતિએ સમુદ્રમાંથી રસ્તો કરતી વીજળીક ઝડપે છલાંગો મારી રહી હતી.

સુમિતે વિચાર્યું. ‘આમ ચાલી ચાલીને મારા પગ સુજી ગયા છે. હવે તો એની ઉપર બર્નોલ લગાડવું જ પડશે.’

બીજી જ ક્ષણે સુમિતે હેલિકોપ્ટરમાંથી છલાંગ લગાવી દીધી. લાઇટ જતી રહેવાથી ચારે બાજુ પ્રકાશ ફેલાઈ ગયો. આના કારણે ચાર વિમાનો અંધારામાં માખીઓ સાથે અથડાઈને છીંકણીની દાબડીમાં તૂટી પડ્યાં.

આમ ને આમ દસ વરસ વીતી ગયાં. સુમિતે ઘડિયાળમાં જોયું. હજી એક જ મિનિટ વીતી હતી. ધીમે ધીમે વૃક્ષો પરથી ઇંડા ખરવા માંડ્યા. મ્યુનિસિપાલિટીના નળમાં ફસાયેલી એક વ્હેલ માછલીએ મોટેથી કહ્યુ, અહીં સુમિતની એક ટપાલ આવી છે. પણ સુમિતે સ્ટીમર ઊભી રાખી નહીં.

*** 

નમૂનો (2)

આકૃતિમાં સંરચનાની વિભાવનાને સત્ય રૂપે જોવાને બદલે તેને સમસ્યાચિત કરાઈ છે. એટલે તે વિભાવના કઈ રીતે હ્સ્વિકૃત થતી આવે છે અને કઈ રીતે પ્રતિકૃત થતી ચાલે છે તેની આભાસી કૃતક ક્રીડા રચાય છે. અહીં કેન્દ્રબિંદુ સ્વયં આરંભબિંદુ બની જાય છે અને આરંભબિંદુ ઉપસ્થિતબધ્ધ હોય એવી અનિવાર્યતા કાવ્યભિકરણ થાય છે.

(બોલો, કઈ રચના વધારે ખરાબ લાગી?)

***

- મન્નુ શેખચલ્લી

Comments