વર્લ્ડ કપ હાર્યા પછી એનું બેસણું તો હવે લગભગ પતવા આવ્યું છે પણ જરા કલ્પના કરો, જીતી ગયા હોત તો ?
***
તો સૌથી પહેલું તો એ કે ‘મોદી હૈ તો મુમકીન હૈ’વાળું હજી સુધી ચાલતું હોત !
***
એ તો ઠીક, જોડે જોડે જય શાહ માટે ‘જય હો !’ પણ ચાલી નીકળ્યું હોત !
***
રોહિત શર્માને તો દસ બાર બ્રાન્ડની જાહેરખબરો મળી જ ગઈ હોત, પણ ભેગાભેગી એની પત્ની અને બેબીને પણ એડમાં લાવવાની ઓફરો આવી ગઈ હોત !
***
મોહમ્મદ શમીની બાયોપિક એનાઉન્સ થઈ ગઈ હોત અને શમીનો રોલ અક્ષય કુમાર કરતો હોત !
***
રોહિત શર્માને પદ્મશ્રી અને વિરાટ કોહલીને અર્જુન એવોર્ડ આપવાની માગ ઊઠી હોત! અને રાહુલ દ્રવિડનો દ્રોણાચાર્ય એવોર્ડ તો નક્કી જ હોત !
***
કોઈ નેતાએ કોઈને પૂછ્યા વિના જાહેરાત કરી નાંખી હોત કે વિરાટ કોહલીની જીવનકથા પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં આવશે !
***
ફેક ન્યુઝ ચાલતા હોત કે એ રવિવારની રાતે પાકિસ્તાનમાં દસ હજાર ટીવી તોડી નંખાયા હતાં !
***
અને એક ડીપ ફેક વિડીયો બની ગયો હોત જેમાં શમી મોદીજીના પગે પડતો દેખાતો હોત !
***
કપિલદેવ, ધોની અને રોહિત શર્મા એમ ત્રણેની મૂર્તિ બનાવીને એક ‘ત્રિમૂર્તિ’ મંદિર બનાવવાની ઘોષણા થઈ ગઈ હોત !
***
પછી તો મોટેરા સ્ટેડિયમ પણ એક ‘તીર્થસ્થળ’ બની જાત !
***
પણ એક વાત નક્કી છે. જે લોકોએ ‘આપણે શા માટે હાર્યા’ એવા લેખો લખ્યા છે એ જ લોકોએ ‘આપણે કેમ જીત્યા’ એના મોટા મોટા લેખો લખ્યા હોત !
- જય હો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment