જુનાં 'માઝી' સોંગ્સની ફિલોસોફીમાં ડૂબકી !

‘સંસાર હૈ એક નદિયા, 
સુખ દુઃખ દો કિનારે હૈં, 
ના જાને કહાં જાયેં, 
હમ બહતે ધારે હૈ…’ 

ભારતીય દાર્શનિકતા અને આધ્યાત્મિક વિચારધારામાં વરસોથી આ એક રૂપક ચાલ્યું આવે છે કે જીવન તો વહેતી ધારા એટલે કે નદી સમાન છે ! આ જ ફિલોસોફીને જુની હિન્દી ફિલ્મોમાં ગીતકારોએ બહુ સરળ મિનિંગફૂલ શબ્દોમાં વારંવાર ઉતારી છે. એમાંય ખાસ કરીને જેને આપણે ‘માઝી’ સોંગ્સ કહીએ છીએ તેમાં તો ગીતો ઔર નિખરીને બહાર આવ્યાં છે.

‘સફર’ ફિલ્મનું આ ગીત જુઓ: 

‘નદિયા ચલે ચલે રે ધારા, 
ચંદા ચલે ચલે રે તારા, 
તુજ કો ચલના હોગા 
તુજ કો ચલના હોગા..’ 

આવાં ‘માઝી’ ગીતો મોટે ભાગે કોઈ હિરો કે હિરોઈન નહીં પરંતુ હોડી ચલાવનાર નાવિક જ ગાતો હોય! (જેનો આખી ફિલ્મમાં બીજો કોઈ રોલ પણ ના હોય!) છતાં ગીત સ્ટોરીમાં એવા સમયે આવે જ્યારે માત્ર વાર્તાનાં પાત્રોને જ નહીં, પ્રેક્ષકોને પણ એક મેસેજ આપતું હોય ! આ જ ગીતના અંતરામાં પેલો માઝી ગાય છે: 

‘જીવન કહીં ભી ઠહરતા નહીં હૈ, 
આંધી સે તૂફાં સે ડરતા નહીં હૈ…’ 

આ તો સાવ જાણીતી વાત છે પરંતુ આગળ કહે છે: 

‘તૂ ના ચલેગા તો ચલ દેંગી રાહેં, 
મંઝિલ કો તરસેંગી તેરી નિગાહેં, 
તુઝ કો ચલના હોગા...’ 

અર્થાત્ હે મુંઝાઈને અટકી ગયેલા ભોળા માણસ ! જો તું નહીં ચાલે તો દુનિયા તો ચાલતી જ રહેવાની છે ! જો તારે કોઈ મંઝિલે પહોંચવું હશે તો ચાલતા જ રહેવું પડશે.

જુનાં ભજનોમાં અને દોહાઓમાં તો રીતસર કહેવાયું છે કે જીવનની નૈયાને પાર લગાવનારો ઉપરવાળો જ છે. રામાયણમાં પેલો કેવટ નામનો નાવિક ખુદ રામને નૈયા પાર કરાવતાં પહેલાં ચતુરાઈથી એમના પગ ધોવાનું બહાનું ઊભું કરે છે ! એ જ વાત રીયલ લાઇફમાં જે નાવિક નદી પાર કરાવી આપે છે તેની સાથે જોડાય છે. 

આજે તો નદી પાર કરવા માટે કર્કશ ઘોંઘાટ કરતી મોટરબોટ ફરતી થઈ ગઈ છે. પરંતુ ’40 ’50 કે ’60નો દાયકો જેણે જોયો છે તેમને ખબર હશે કે એ સમયે હોડી હંકારનારા નાવિકો પોતાનું કામ કરતાં કરતાં ગીતો ગાતા રહેતા હતા! (ખાસ કરીને યુપી, બિહાર અને બંગાળમાં) એ જ નાવિકોનાં મૂળ ગીતોમાં પણ ક્યાંકને ક્યાંક જીવનની આ ફિલોસોફી હતી જે ફિલ્મી ગીતકારો રૂપેરી પરદે લઈ આવ્યા.

ફિલ્મ ‘સૌદાગર’માં ગીતકાર અને સંગીતકાર રવિન્દ્ર જૈને સામાન્ય માનવીની મુંઝવણને કેટલી ભાવુક રીતે રજૂ કરી છે !

 ‘દૂર હૈ કિનારા 
ગહેરી નદી કી ધારા, 
તૂટી તેરી નૈયા માઝી, 
ખેતે જાઓ રે…’ 

સમસ્યાનો છેડો એટલે કે કિનારો દૂર દૂર સુધી દેખાતો નથી, ઊંડી નદીની જેમ જીવનમાં પણ ઉંડાં દુઃખ છે ઉપરથી ‘તૂટી તેરી નૈયા’ અર્થાત્ શરીર થાકી ગયું છે, હિંમત તૂટી રહી છે… છતાં ‘ખેતે જાઓ રે…’ જીવન જીવતા તો રહેવું જ પડશે ! 

એ જ ગીતના અંતરા પણ અદ્ભુત છે: 

‘આંધી કભી તૂફાં કભી, 
કભી મઝધાર, 
જીત હૈ ઉસી કી જીસને 
માની નહીં હાર, 
માઝી ખેતે જાઓ રે..’ 

હાર નહીં માનવી એ તો એક વાત છે પણ માણસે જિંદગીમાં ક્યારેક સમાધાનો પણ કરવાં પડતાં હોય છે. એના માટે લખ્યું છે: 

‘ડૂબતે હુએ કો બહોત હૈ 
તિનકે કા સહારા, 
મન જહાં માન લે, માઝી, 
વહીં હૈ કિનારા !’ 

મતલબ કે જ્યાં નાનકડી આશા મળે, જ્યાં થોડો ઘણો સહારો મળે અને જ્યાં મનને મનાવી લેવા જેવું લાગે એ જ તારો કિનારો સમજ, મારા ભાઈ !

આનંદ બક્ષી તો સામાન્ય રીતે જોડકણાં લખનારા કવિ તરીકે ગણાઈ ગયા પણ એમણેય ‘ઉપહાર’માં નાવિકની જીભે સરળ ફિલોસોફી મુકી દીધી કે, 

‘માઝી, નૈયા ઢૂંઢે કિનારા, 
કિસી ન કિસી કી ખોજ મેં હૈ, 
યે જગ સારા…’ 

શાની ખોજ છે આ ? એક વ્યક્તિ બીજી વ્યક્તિ પ્રત્યે આકર્ષાય છે શા માટે ? એવું કયું તત્વ છે જે સૌને એકબીજા સાથે જોડે છે ? તો જવાબમાં બક્ષી સાહેબ કહે છે: 

‘ઐસી કોઈ મૌજ (લહેર) નહીં, 
જિસ કો કોઈ ખોજ નહીં ! 
કોઈ ન કોઈ તો હર કિસી કો 
લગતા હૈ પ્યારા !’

એ જ આનંદ બક્ષી પ્રેમમાં કે જીવનમાં વિશ્વાસઘાત કરનારને અથવા ઉપરવાળાએ લખેલા નસીબને કોસતાં ‘અમરપ્રેમ’ ફિલ્મના ગીતમાં લખ્યું કે… 

‘માના તૂફાં કે આગે, 
નહીં ચલતા જોર કિસી કા, 
મૌજોં કા દોષ નહીં હૈ, 
યે દોષ હૈ ઔર કિસી કા… 
મઝધાર મેં નૈયા ડોલે 
તો માઝી પાર લગાયે, 
માઝી જો નાવ ડૂબોયે, 
ઉસે કૌન બચાયે ?’ 

જોકે એ જ બક્ષી સાહેબે ‘ગ્રેટ ગેમ્બલર’માં તો વેનિસના માઝીનું ગીત પણ લખ્યું હતું ‘આમોરે મિયો..’ યાદ છે ? પરંતુ એમનું ‘આયા સાવન ઝુમ કે’નું ગીત ‘ઓ માઝી ચલ…’ પોઝિટીવીટીથી ભરપૂર છે: 

‘તેરા જીવન નદિયા કી ધાર હૈ, 
તન હૈ નૈયા, મન પતવાર હૈ, 
સુન ઓ માઝી, મૌજોં કી પુકાર હૈ, 
થામ લે તૂ મસ્ત પવન કા 
લહેરાતા આંચલ, ઓ માઝી ચલ…’ 

(પણ હલો, હજી બીજાં માઝી સોંગ્સ બાકી છે, હોં !)

***

- મન્નુ શેખચલ્લી


E-mail :mannu41955@gmail.com

Comments