પાકિસ્તાની ટીમના કોચ એમની હાર પછી જાતજાતનાં બહાનાં કાઢે છે! અમદાવાદમાં હાર્યા પછી કહેતા હતા કે ‘ત્યાંનું ઓડિયન્સ અમને ફેવર નહોતું કરતું અને ગાયનો તો બોલીવૂડના જ વાગતાં હતાં!’
હાલમાં જ કોચે કહ્યું કે ‘પાકિસ્તાની ટીમ વરસોથી ભારતમાં રમી નથી એટલે આવું થાય છે! (જાણે નેધરલેન્ડની ટીમ તો અહીં બાળપણથી ગિલ્લી-ડંડા રમતી હોય!)’
અમને લાગે છે કે પાકિસ્તાનના કોચને આપણે નવાં છતાં ‘જેન્યુઇન’ બહાનાંનો સ્ટોક આપવો જોઈએ! જેમકે…
***
અહીં તો 24 કલાક લાઇટો ચાલુ હોય છે..! મેદાનમાં તો જાયન્ટ હેલોજન ટાવર્સ છે..! એ પણ વચ્ચે વચ્ચે બંધ નથી થતા! અમારા પાકિસ્તાનમાં જે રીતે વારંવાર લાઇટો જાય છે એવું અહીં થતું જ નથી! આના કારણે અમારા ખેલાડીઓની આંખો અંજાઈ જાય છે! બોલો.
***
ભારતનું ઓડિયન્સ પણ જવાબદાર છે. અહીંની ભારતીય મહિલાઓ બુરખા હિજાબ વિના બિન્દાસ વસ્ત્રો પહેરીને સ્ટેડિયમમાં આવે છે... આ જોઈને પણ અમારા પ્લેયરોની આંખો અંજાઈ જાય છે! બોલો.
***
ભારતની ઇકોનોમી પણ અડચણ છે! જુઓને, અહીં ફક્ત 110 રૂપિયે લીટર પેટ્રોલ મળે છે! માત્ર તેત્રીસ ટકા ભાવમાં પેટ્રોલ મળવાને કારણે મારા પ્લેયરો પાગલ થઇ ગયા છે! રાતે રાતભર કારમાં રખડતા ફરે છે! બોલો.
***
એકચ્યુલી મારા ખેલાડીઓ માનસિક રીતે પણ કન્ફ્યુઝ્ડ થઈ ગયા છે! કેમકે તેઓ જ્યાં જાય ત્યાં હોટલોમાં એમનું સ્વાગત ગરબા વડે, ભાંગડા વડે, દીવાઓ વડે અને ફૂલો વડે થાય છે! કમાલ છે? કોઈ ગાળો નહીં? હાય હાય નહીં? જુતાં નહીં? હદ થઈ ગઈ ને! બોલો.
***
પરંતુ જો તમે એમ સમજતા હો કે અમારી ટીમના પ્લેયરોને છેલ્લા પાંચ મહિનાથી પગાર નથી મળ્યા, એટલે અહીં જે મળે એ બધું જ કમાઈ લેવા માટે હારી જાય છે, તો એ સાવ ખોટી વાત છે! કેમકે હકીકતમાં એમણે પણ ઉપર કમિશન તો ચૂકવવું જ પડે છે... બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment