લાભપાંચમની શુભેચ્છાઓ !

તમારા મોબાઈલમાં શુભેચ્છાઓનો ફુગાવો થઈ ગયો છે! તમને પણ ખબર છે કે એમાંની મોટાભાગની શુભેચ્છાઓ છેલ્લા પાંચ વરસથી ચાલી આવતા વાસી સ્ટોકમાંથી છે ! છતાં તમે પણ એવું જ ફોરવર્ડ કરતા રહો છો…

એટલે જ આજે રજુ કરીએ છીએ થોડી નવી શુભેચ્છાનો નવો સ્ટોક…

*** 

આ વરસમાં…
તમારો પગાર વધે
પણ એની ખબર તમારી પત્નીને ના પડે !

*** 

આ વરસમાં…
ઓફિસમાં ઉપરની કમાણી વધે
પણ તમારા બોસને એની ખબર ના પડે !

*** 

પણ આ વરસમાં…
તમે જે કંઈ પ્રગતિ કરો
એની ખબર તમારા ઈર્ષ્યાળુઓને જરૂર જરૂરથી પડે !

*** 

આ વરસમાં…
તમારું ઘર સારું ચાલે
અને ઘરમાં તમારું પણ સારું ચાલે !

*** 

આ વરસમાં…
ભલે તમારી પત્નીને ઢગલાબંધ ‘લાઇક’ મળે
પણ તમને લગડી કંપનીના ‘શેર’ મળે !

*** 

આ વરસમાં…
ભલે તમારું વજન ના વધે
પણ સમાજમાં ક્યાંક તો તમારું વજન પડે !

*** 

આ વરસમાં…
તમારા ઘરમાં ટીવી આવે
પણ તમે કંઈ એવું ના કરી બેસો કે તમે ટીવીમાં આવો !

*** 

આ વરસમાં…
તમને સફળ પુરુષો મળે
એ તો ઠીક, એમની સફળતા પાછળ જે સ્ત્રીઓ છે એ પણ મળે!

*** 

આ વરસમાં…
તમને ફોનમાં અને ટપાલમાં સારા સમાચારો મળે
પછી ભલે ટીવીમાં અને છાપામાં ખરાબ સમાચારો મળે !

*** 

અને આ વરસે…
તમારા એરિયામાં નવો પુલ બને
પણ એ તૂટે ત્યારે તમારા માથે ના પડે…. એવી શુભેચ્છા !

***

- મન્નુ શેખચલ્લી

Comments