ભૈશાબ, ફિલ્મોમાં આ દિવાળીના ગાયનોનું કંઈક કરો! આખા દેશનો સૌથી મોટો તહેવાર છે છતાં દિવાળીમાં ગાયનો શોધવા બેસો તો આંગળીના વેઢાં પણ પુરા થતાં નથી !
એમાંય વળી અમુક તો રોત્તલ ગાયનો વારંવાર લમણે ટિચાયા કરે છે કે ‘એક વો ભી દિવાલી થી, એક યે ભી દિવાલી હૈ, ઉજડા હુઆ ગુલશન હૈ, રોતા હુઆ માલી હૈ…’ અરે ભઇ, આ દિવાળીનો તહેવાર છે, પર્યાવરણ દિવસ નથી, કે બગીચો ઉજડી ગયો છે, ને માળી રોવા બેઠો છે… એવું બધું રોતલ ટાઈપનું ગાવાનું હોય !
બીજા એક ગાયનમાં પેલો હિરો ગાતો ફરે છે કે ‘લાખોં તારે આસમાન મેં, એક મગર ઢૂંઢે ના મિલે, દેખ કે દુનિયા કી દિવાલી, દિલ મેરા ચૂપચાપ જલા…’ લો બોલો, હાથમાં નાનકડું દૂરબીન પણ નથી ઝાલ્યું અને લાખો તારાઓમાં પોતાનો ફેવરીટ તારો શોધવા નીકળ્યો છે ! અલ્યા, દુનિયા કી દિવાલી જોઈને તારું દિલ ચૂપચાપ જલે છે એનું કારણ કદાચ એ હશે કે તને તારા શેઠે દિવાળી બોનસ નહીં આપ્યું હોય !
આ દિવાળી બોનસની વાત નીકળી તો ‘પૈગામ’ ફિલ્મનું ગાયન યાદ આવ્યું કે જેમાં જ્હોની વોકર હસતાં હસતાં ગાય છે કે ‘કૈસે દિવાલી મનાયેં હમ લાલા, અપના તો બારા મહિને દિવાલા…’ તમે આખી હિન્દી ફિલ્મોનો ઇતિહાસ ઉપાડીને જોઈ લો બોસ, ક્યાંય એવું ગાયન છે ખરું, કે જ્યાં ઘરની સ્ત્રી ઉંબરે ઊભી ઊભી ગાતી હોય કે ‘આજ વો આયેંગે, બોનસ લાયેંગે, સાડી ખરીદેંગે, પટાખે ફોડેંગે?’ નહીં ને?
કેમકે રામાયણમાં પણ એવું નથી લખ્યું કે જ્યારે રામ ભગવાને રાવણનો નાશ કર્યો અને પાછા અયોધ્યા પધાર્યા ત્યારે ભરતે મહેલના સૌ કર્મચારીઓને બોનસ વહેંચ્યું હતું !
એ છોડો, દિવાળીના તહેવારોમાં આજેય ક્યાંય નાચવા-ગાવાનો રીવાજ જ નથી! છતાં એક જુના ગાયનમાં એની ડિમાન્ડ કરવામાં તો આવી હતી કે ‘આઈ દિવાલી, આઈ દિવાલી, દિપક સંગ નાચે પતંગા, મૈં કિસ કે સંગ નાચું?’ પરંતુ એ બહેનની ડિમાન્ડ કોઈના કાનમાં પડી જ નહીં ! આમાં ને આમાં ફિલ્મી ગાયનોમાંથી દિવાળીના ગાયનોની બાદબાકી થતી ગઈ.
તમે જુઓ, હોળી વખતે ભાંગ પીને નાચવા-ગાવાનો રીવાજ છે, નવરાત્રિમાં તો નવ-નવ રાતો સુધી નાચવાનો જ તહેવાર છે, પંજાબીઓ બૈસાખીમાં હિંચકા ખાતાં ખાતાં ગીતો ગાય છે, ઓણમમાં બળદોની રેસ વખતે અને નૌકાઓની હરિફાઈમાં સમૂહગીતો ગાવાનો રિવાજ છે. પણ દિવાળીમાં? આપણે કશું નાચવા ગાવાનું રાખ્યું જ નથી !
જોકે આમાં વાંક ફિલ્મી કવિઓનો પણ ખરો. કેમકે આમ જોવા જાવ તો કંઈ રક્ષાબંધનમાં રાખડી બાંધતી વખતે રાગડો તાણીને ગીતો ગાવાનો રીવાજ જ નથી ! છતાં ભાઈ-બહેનની પ્રીતનાં કેટલાં બધાં ગાયનો કવિઓએ ઢસડી માર્યાં? અરે, બર્થડે વખતે પણ ‘હેપ્પી બર્થડે ટુ યુ…’વાળી ચાર લાઈન હમણાં હમણાં ગાતા થયા છતાં જન્મદિવસનાં ગાયનો છે જ ને?
થોડો વાંક ફિલ્મના ડિરેક્ટરોનો પણ છે. એમણે એવા સીન બનાવ્યા જ નહીં કે હિરોઈનની છેડતી કરનાર મવાલીને હિરો બે ફેંટ માર્યા પછી એની પૂંઠે લવિંગિયાની સેર બાંધીને બેટમજીને દોડતો કરી દેતો હોય ! કે પછી વિલનના ફરતે સામટાં રોકેટો બાંધીને એને હવામાં ઉડાડી મુકતો હોય! ટાલિયા વિલનના માથામાં કોમેડીયનો હથોડા વડે ટિકડીઓ ફોડતા હોય ! અથવા વિલનના અડ્ડાને ઉડાવી દેવા માટે એની ઉપર ડઝનબંધ સૂતળીબોમ્બ ફેંક્યા હોય !
અરે, કમ સે કમ ‘KGF’ની જેમ સામટાં 100 રોકેટ છોડવાનું ખોખું હાથમાં ઝાલીને ‘સનસનસન’… કરતાં છૂટી રહેલાં રોકેટો જઈ જઈને વિલનની છાતીમાં ફૂટી રહ્યા હોય એવો સીન તો બનાવવો હતો ?
હિરોઇન અને એની સખીઓ હાથમાં દિવડા લઈને નાચતી હોય એવું ગાયન કેટલું સુંદર લાગે? અરે બધીઓનાં હાથમાં તારામંડળ હોય અને ફેરફુદરડીઓ લેતી હોય તો કેવું જોરદાર દ્રશ્ય મળે? પણ બોસ, એવા ગાયનની સિચ્યુએશન ઊભી કરી જ નહીં. (કરી હશે તો એને 50થી વધારે વરસ થઈ ગયાં.)
બીજી બાજુ ફિલ્મી એવોર્ડઝના ફંકશનોમાં અને ટીવી એવોર્ડ્ઝના શોમાં ડાન્સ આવે ત્યારે જ્યાં ને ત્યાં રંગબિરંગી કોઠીઓ ફૂટે છે ! હવે તો ક્રિકેટ મેચ પતે પછી આખાં સ્ટેડિયમો ઝગમગી ઊઠે એવી એવી મોટી આતશબાજીઓ થાય છે ! છતાં યાર, દિવાળીનું નામ પડે એવું ગાયન ત્યાં નથી વાગતું. બોલો.
હવે આમાં બીજો રસ્તો એવો છે કે દેશની જે કોર્ટો ફટાકડા નહીં ફોડવાના ઓર્ડરો કર્યા કરે છે એમને કહો કે બોલીવૂડવાળાને ફરજ પાડે કે દિવાળી-રિલીઝ માટે તમે જે 200-300 કરોડ ખર્ચીને ફિલ્મો બનાવો છો, એમાં જો એકાદ ગાયન દિવાળીને લગતું નહીં હોય તો ફિલ્મને રિલીઝ થવા દેવામા આવશે નહીં ! ભલેને પછી ‘ટાઈગર-થ્રી’નો સલમાન ખાન છેક અફઘાનિસ્તાનમાં જઈને આતંકવાદીને પકડીને એમની પાસે ટેટા ફોડવાનું ગાયન ગવડાવે?
એ સિવાય છેલ્લો ઉપાય એ છે કે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ જે રીતે ‘મિલેટ્સ’ ઉપર ગીત લખ્યું અને છેક ગ્રેમી એવોર્ડ્ઝમાં નોમિનેટ થયું, એમ તેઓશ્રી દર દિવાળીએ એક દિવાળી-સોંગ લખી આપે ! પછી ગ્રેમીનું તો આપણે ફોડી લઈશું !
***
- મન્નુ શેખચલ્લી
E-mail :mannu41955@gmail.com
Comments
Post a Comment