ઓહો, કેવો જોગાનુજોગ !

ગુજરાતીમાં કહેવત છે કે ‘કાગનું બેસવું અને ડાળનું પડવું !’
પરંતુ આજની દુનિયામાં માત્ર કાગડાના બેસવાથી ઝાડની ડાળી તૂટી પડે એવું બનતું નથી! દાખલા તરીકે…

*** 

છત્તીસગઢમાં ચૂંટણીઓના ચાર પાંચ દિવસ પહેલાં જ ED કોઈને દૂબઈથી પકડી લાવે છે જે ખાનગી તપાસમાં નહીં પણ લગભગ જાહેરમાં કહે છે કે ‘હા મેં છત્તીસગઢના મુખ્યમંત્રીને 500 કરોડ પહોંચાડ્યા હતા !’

- વોટ એ કો-ઈન્સિડેન્સ, નો?

*** 
લોકસભાના સત્રમાં નહીં, નિતી આયોગની બેઠકમાં નહીં, અરે, પ્રેસ કોન્ફરન્સમાં નહીં, પરંતુ એક ચૂંટણી પ્રચારની સભામાં વડાપ્રધાન નિતિવિષયક ઘોષણા કરે છે કે ‘આવતા પાંચ વરસ સુધી ગરીબો માટે મફત અનાજની યોજના ચાલુ રહેશે !’

- વોટ એ કો-ઇન્સિડેન્સ, નો?

*** 

કેનેડામાં ખાલીસ્તાની નેતાઓનાં ભેદી મૃત્યુ થયાં પછી કેનેડા પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરે છે કે ભારતનો પ્રવાસ કરવો જોખમી હોઈ શકે છે...

થોડા જ સમય પછી કેનેડા સ્થિત ખાલીસ્તાની નેતા નવી એડવાઇઝરી જાહેર કરે છે કે ‘19 નવેમ્બરે એર ઇન્ડિયાના વિમાનમાં મુસાફરી કરવાનું જોખમી હોઈ શકે છે !’

- વોટ એ કો-ઇન્સિડેન્સ, નો?

*** 

અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયાની મેચમાં મેક્સવેલના પગના સ્નાયુ ખેંચાઈ ગયા પછી એકપણ બોલ એના પગથી દૂર ફેંકાયો જ નહીં ! અને એ 201 રનની ‘ઐતિહાસિક' ઇનિંગ રમી ગયો ! સાવ ઊભા ઊભા !

- વોટ એ કો-ઇન્સિડેન્સ, નો?

*** 

પેલી બાજુ ઉત્તર ગાઝાથી 2 લાખ લોકો ઇઝરાયલી સેનાના હુમલાથી દક્ષિણ ગાઝા તરફ પ્રયાણ કરી ગયા...

અને આ બાજુ અફઘાનિસ્તાનના 2 લાખ શરણાર્થી ખાસ કોઈ દબાણ વિના પાકિસ્તાન છોડીને અફઘાનિસ્તાનમાં પ્રયાણ કરી ગયા !

- વોટ એ કો-ઇન્સિડેન્સ, નો?

***

- મન્નુ શેખચલ્લી

Comments