આજકાલ નવું ચાલ્યું છે. ફલાણી ફિલ્મને 30 વરસ થયાં! ઢીંકણી ફિલ્મ રિલિઝ થયાને 52 વરસ થયાં !
એટલે શું? આ ફિલ્મો કંઈ મહાન વિભૂતિઓ છે? અમને સમજાતું નથી કે…
***
શું ફિલ્મને 18 વરસ થાય એટલે એ પડી પડી ‘મેચ્યોર’ થઈ જાય છે?
***
કે પછી 50 વરસની થઈ જાય એટલે એ ફિલ્મમાં કંઈ નવું ડહાપણ ઉમેરાઈ જાય છે?
***
દાખલા તરીકે આજે ‘સીતા ઔર ગીતા’ 51 વરસની થઈ હોય તો શું એ જુડવાં ઘરડી બહેનો ગાયનો ગાવા પરદામાંથી બહાર નીકળવાની છે ?
***
અને ‘રામ ઔર શ્યામ’ની તો આપણે છાપામાં શ્રધ્ધાંજલિઓ છપાવવી પડે.... ‘બન્ને ભાઈઓ બહુ ભલા હતા, એમને પ્રાણ સાથે નહોતું બનતું છતાં એમના પ્રાણ ચાલ્યા જ ગયા...’ વગેરે !
***
અને ‘કૈદી નંબર 911’ રીલિઝ થયાને આજે આટલા વરસ થયાં... એમાં આપણે શું સમજવાનું ? એ ખૂંખાર કૈદી હજી છૂટો ફરે છે, એવું ?
***
એ હિસાબે ‘મિસ્ટર એન્ડ મિસિસ 55’ની તો 68મી વેડિંગ એનિવર્સરીઓ ઉજવવી જોઈએ !
***
પેલું ‘દો ગઝ જમીન કે નીચે’ તો આટલાં વરસથી દો ગઝ જમીનની નીચે જ છે ભૈશાબ ! જરા પાવડો કોદાળી લઈને આવો, અને એને બહાર કાઢો, મિત્રો !
***
પેલા ‘ઝુક ગયા આસમાન’નું શું કરવાનું છે ? એને શી રીતે પાછું ઉપાડવાનું છે ? અને આટલા વરસથી ઝુકેલું હતું તો કોઈએ કંપ્લેનો કેમ નહોતી કરી? સરકારી તંત્રોની ઊંઘ ક્યારે ઉડશે ?
***
છેલ્લે... ‘આનંદ’ આવ્યાને 52 વરસ થઈ ગયાં... તો બોસ, એ પછી આટલાં વરસો લગી શું દેશમાં ‘ડિપ્રેશન’ જ ચાલ્યું છે? વાત કરો છો...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment