છેલ્લા 4 વરસમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને કૂતરાઓના ખસીકરણ પાછળ 12 કરોડ ખર્ચી નાંખ્યાં! છતાં કૂતરાંની વસ્તી તો 1.55 લાખ જેટલી વધી ગઈ!
યાદ રહે, માત્ર નર કૂતરાઓનું ખસીકરણ થાય છે પણ માદા કૂતરીઓનું કોઈ ઓપરેશન થતું નથી. આનાથી બે વાત ક્લિયર છે: (1) અમદાવાદની કૂતરીઓ જરાય પતિવ્રતા નથી! અને (2) નર કૂતરાઓ જરાય ‘ધ્યાન’ રાખતા નથી!
તમને આ ફની લાગતું હશે પણ શ્વાન સમાજમાં તો આના કારણે ટ્રેજિક સ્ટોરીઓ બની રહે છે…
***
સ્ટોરી-1
કાળુડી કૂતરી પ્રેગનન્ટ હતી ત્યારથી કાળિયો કુતરો બહુ જ હરખાઈ રહ્યો હતો. તૈયારી માટે એણે બે ત્રણ વેટેનરી ડોક્ટરોનાં દવાખાનાં પણ શોધી રાખ્યાં હતાં.
પણ જ્યારે કાલુડી કૂતરીને નોર્મલ ડિલીવરી આવી ત્યારે કાળિયો કુતરો છક્કડ ખાઈ ગયો! કેમકે ગલીનાં છોકરાં ગાઈ રહ્યાં હતાં:
‘કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં
ચાર કાબરાં, ને ચાર ભૂરિયાં, રે લોલ!’
બિચારો કાળિયો કૂતરો હજી માથું ખંજવાળે છે કે ગલીમાં મારી જોડે જ રખડી ખાનારા બન્ને કૂતરા, કાબરો ને ભૂરિયો... બન્ને દોસ્તીમાં દગાબાજી કરી ગયા? ચાર કાબરાં, ને ચાર ભૂરિયાં, તો મારું એકેય નહીં?
***
સ્ટોરી-2
પણ સ્વીટી કંઈ ગલીની રખડતી કૂતરી નહોતી. એ તો વસ્ત્રાપુરના એક બંગલામાં રહેતી હતી.
એને સેટેલાઇટ એરિયાના એક બંગલાના ટોમી જોડે લવ થઈ ગયો હતો. એક દિવસ સ્વીટીએ કહ્યું ‘સુનિયે, મૈં તુમ્હારે બચ્ચે કી માં બનનેવાલી હું!’
ટોમીએ તરત ચીસ પાડી. ‘નહીંઈઈ... યે નહીં હો સકતા! તુમ બેવફા હો!’
‘મૈં બેવફા?’
‘હાસ્તો, એકવાર મને કોર્પોરેશનવાળા પકડી ગયા હતા અને મારું ઓપરેશન કરી નાંખ્યું હતું!’
બિચારી સ્વીટી હવે મુંઝાઈ છે: ‘ખાતરી કરવા પૂછવું કોને? ટોની, જ્હોની, મોતી કે બોનીને?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment