પ્રિ- નવરાત્રિ સિવાયના ગરબા !

આજકાલ નવું ચાલ્યું છે ! લોકો પોતાના એપાર્ટમેન્ટોમાં કે બંગલાની સ્કીમોમાં નવરાત્રિ પહેલાં જ રીતસરની નવરાત્રિ જેવા જ ગરબા ગોઠવી કાઢે છે ! એનું ‘પ્રિ-નવરાત્રિ’ ગરબા જેવું ફેન્સી નામ પણ પાડ્યું છે !

જોકે ગરબામાં આપણે ત્યાં ઘણી વરાયટી છે…

*** 

ક્લાસિસ ગરબા
રૂપિયા આપીને ગરબાનાં સ્ટેપ્સ શીખવાં એ જ માત્ર એનો હેતુ નથી હોતો ! ખરેખર તો અમુક છોકરાઓ અમુક ખાસ છોકરીઓની સાથે રોજ નાચવા મળે એટલા ખાતર જ પરસેવો પાડે છે !

*** 

વીક-એન્ડ ગરબા
મૂળ તો આ NRI ગરબા છે ! બિચારાઓને શનિ-રવિ સિવાય રજા ના મળે એટલે વીક-એન્ડમાં જ (કોઈ સ્કૂલના બેઝ બોલ સ્ટેડિયમમાં) ગરબા રાખે છે ! બોલો, અંબે માત કી જય…

*** 

લેઝી લેડીઝ ગરબા
આનું મૂળ નામ ‘બેઠા ગરબા’ છે. જે નાગર મહિલાઓમાં લોકપ્રિય છે. એક્ચુલી આનું નામ ‘એનર્જી-સેવિંગ’ ગરબા અથવા ‘નો ફેટ-લોસ’ ગરબા પણ રાખી શકાય !

*** 

પ્રિ-વેડિંગ ગરબા
ના ભઈ ના ! પ્રિ-વેડિંગ શૂટની માફક કંઈ એમાં પ્રિ-વેડિંગ ગરબાનો નવો રિવાજ શરૂ નથી થયો ! પણ લગ્નના મંડપ ઉપર પહોંચતા પહેલાં રોડ ઉપર, ચાર રસ્તે, મેરેજ હોલની બહાર… એ બધા જે ગરબા થાય છે એ તો લગ્ન પહેલાંના એટલે કે ‘પ્રિ-વેડિંગ’ જ કહેવાય ને !

*** 

ભક્ત-ખુશ ગરબા
માતાજીના ભક્તોની વાત નથી ! આ તો છેક અમેરિકાના વ્હાઈટ હાઉસમાં ગરબા રમાતા જોઈને અહીં બેઠેલા ભક્તો જે ખુશ થાય છે એની વાત છે ! ઘણી ખમ્મા સાહેબને !

*** 

સરકારી ગરબા
આ સૌથી વધુ અઘરા ગરબા છે ! કેમકે એમાં તમારે એક ટેબલથી બીજા ટેબલ, એક કાઉન્ટરથી બીજા કાઉન્ટર, એક ઓફિસથી બીજી ઓફીસ અને એક સાહેબથી બીજા સાહેબ આગળ જે આંટા મારવા પડે છે ત્યારે તમારા પગ જે ગરબા ગાતા થઈ જાય છે ને, એ…

***

- મન્નુ શેખચલ્લી

Comments