ફિલ્મી ભજનોમાં જીવનની ફિલોસોફીના કેવા રંગ !

‘કાલ કા પહિયા ધુમે ભૈયા, 
લાખ તરહ ઇન્સાન ચલે, 
કભી ચલે બારાત કભી તો, 
કભી બિના સામાન ચલે… રામ ક્રિષ્ન હરિ!’

કવિશ્રી નીરજે લખેલું આ ભજન આમ તો ફિલ્મમાં બેકગ્રાઉન્ડમાં આવે છે જેમાં સમય ભગવાન કરતાં પણ કેટલો બળવાન છે તેનાં ઉદાહરણો આપ્યાં છે! જેમકે ‘જનક કી બેટી, અવધ કી રાની સીતા ભટકે બન બન મેં..’ વગેરે ! 

જોવાની વાત એ છે કે ફિલ્મી ગીતકારોએ ભજનને નામે માત્ર ભગવાનની સ્તુતિ કે વખાણ જ નથી કર્યાં ! સાથે સાથે જિંદગીની ફિલોસોફી પણ કેવી ખુબસુરતીથી વણી લીધી છે ! કહેવાય ભજન, પણ વાત તો બિચારા કાળા માથાના માનવીની કરે છે ! જેમકે કવિ પ્રદીપજી લખી ગયા કે 

‘દેખ તેરે સંસાર કી હાલત 
ક્યા હો ગઈ ભગવાન? 
કિતના બદલ ગયા ઇન્સાન?’ 

આગળ પ્રદીપજી લખે છે કે 

‘રામ કે ભક્ત રહીમ કે બંદે, 
રચતે આજ ફરેબ કે ફંદે, 
કિતને યે મક્કાર યે અંધે, 
દેખ લિયે ઇન કે ભી ધંધે, 
ઇન્હીં કી કાલી કરતૂતોં સે, 
બના યે મુલ્ક મશાન, 
કિતના બદલ ગયા ઇન્સાન?’

કમનસીબી એ છે કે આ મુલ્કનો ઇન્સાન તો હજી ભોળો જ છે પણ આખું બોલીવૂડ બદલાઈ ગયું છે! અગાઉના જમાનામાં સામાન્ય માનવીનાં સુખદુઃખના પડઘા ભજનમાં પડતા હતા:

‘સુખ કે સબ સાથી, 
દુઃખ મેં ન કોઈ, 
મેરે રામ તેરા નામ ઇક સાંચા, 
દૂજા ન કોઈ…’ 

આગળ ગવાય છે કે 

‘બાહર કી તૂ માટી ફાકે, 
મન કે ભીતર ક્યું ના ઝાંકે, 
ઉજલે તન પર માન કિયા 
ઔર મન કી મૈલ ના ધોઈ…’

એમાંય જ્યાં મનની વાત આવે ત્યાં તો કોઈપણ ધર્મના ભગવાનનું નામ લીધા વિના ફિલ્મોના ગીતકારોએ કેવાં કેવાં અદ્ભૂત ભજનો આપ્યાં છે ! 

‘ઇતની શક્તિ હમેં દેના દાતા, 
મન કા વિશ્વાસ કમજોર હો ના… 
હમ ચલેં નેક રસ્તે પે લેકિન, 
ભૂલ સે ભી કોઈ ભૂલ હો ના!’ 

અથવા ‘ગુડ્ડી’ની પેલી ફેમસ પ્રાર્થના...

‘હમ કો મન કી શક્તિ દેના, 
મન વિજય કરેં, 
દૂસરોં કી જય સે પહલે 
ખુદ કો જય કરેં!’ 

ફિલ્મ ‘કાજલ’માં તો આ ભજન વડે આપણા મનને બિલકુલ માઇક્રોસ્કોપની નીચે ગોઠવી આપ્યું છે: 
‘તોરા મન દરપન કહેલાયે, 
ભલે બૂરે સારે કરમોં કો
દેખે ઔર દિખાયે!’ 

સાહિર લુધિયાનવી જેવા ઠોસ ઉર્દૂભાષી કવિએ એક પણ ઉર્દૂ શબ્દ વાપર્યા વિના અંતરામાં લખ્યું છે: 

‘મન હી દેવતા, 
મન હી ઇશ્વર, 
મન સે બડા ન કોય, 
મન ઉજિયારા જબ જબ ફૈલે, 
જગ ઉજિયારા હોય..
ઉસ ઉજલે દરપન પે પ્રાણી,
ધૂલ ના જમને પાય… 
તોરા મન દરપન કહેલાયે !’ 

છેલ્લા અંતરામાં તો આપણને કબીરજી જ યાદ આવી જાય કે… 

‘તન કે કારણ મન કે ધન કો 
મત માટી મેં રૌંદ, 
મન કી કદર ભૂલાનેવાલા 
પૂરા જનમ ગંવાયે… તોરા મન…’

એ જ સાહિર લુધિયાનવી ‘ચિત્રલેખા’માં આપણા જ મનની વિવશતા અને અધીરાઈ માટે લખી ગયા : 
‘મન રે, તૂ કાહે ના ધીર ધરે? 
વો નિરમોહી મોહ ના જાને, 
જિન કા મોહન કરે..’ 

આગળ તો આખા જીવનની ફિલોસોફી આવી જાય છે..

‘ઇસ જીવન કી ચઢતી ઢલતી 
ધૂપ કો કિસને બાંધા? 
રંગ પે કિસને પહરે ડાલે? 
રૂપ કો કિસને બાંધા? 
કાહે યે જતન કરે?’ 

આમ જોવા જાવ તો કવિનો ઇશારો ઇશ્વર તરફ જ છે ! છતાં છેલ્લા અંતરામાં આખો સાર લખી દીધો છે કે 

‘ઉતના હી ઉપકાર સમજ, 
કોઈ જિતના સાથ નિભાયે, 
જનમ મરણ કા મેલ હૈ સપના, 
યે સપના બિસરા દે, 
કોઈ ન સંગ મરે…’ 

અર્થાત્ જે તારી સાથે થોડો સમય સંગે રહીને વીતાવી ગયો તેનો ઉપકાર માન, મારા ભાઈ ! બાકી આ તો સપનું છે. કોઈ તારી સાથે મરવાનું નથી !

બીજી બાજુ શૈલેન્દ્ર જેવા શુદ્ધ હિન્દી કવિએ ‘તીસરી કસમ’માં ખુદાને યાદ કરીને ચેતવણી જારી કરી છે કે..

‘સજન રે જુઠ મત બોલો, 
ખુદા કે પાસ જાના હૈ, 
ન હાથી હૈ ના ઘોડા હૈ, 
વહાં પૈદલ હી જાના હૈ !’ 

એમાં તો વળી ચીકણી ચૂપડી ફિલોસોફી ઝાડનારાને જ શૈલેન્દ્રએ આડે હાથ લીધા છે :

‘ભલા કીજે ભલા હોગા, 
બુરા કીજે બુરા હોગા, 
બહી લિખ લિખ કે ક્યા હોગા? 
યહીં સબ કુછ ચુકાના હૈ !’ 
(‘બહી’ એટલે હિસાબનો ચોપડો, ખાતાવહિ.)

વળી એવું પણ નથી કે ફિલ્મી કવિઓએ સૃષ્ટિને નેગેટિવ નજરે જ જોઈ હોય. ફિલ્મ ‘બુંદ જો બન ગઈ મોતી’માં કવિ ભરત વ્યાસે આ સુંદર મઝાની દુનિયાના સર્જકની પેટ ભરીને વખાણ કર્યાં છે: 

‘યે કૌન ચિત્રકાર હૈ, 
યે કૌન ચિત્રકાર...! 
હરીભરી વસુંધરા પે 
નીલા નીલા યે ગગન, 
કે જિસ પે બાદલોં કી 
પાલકી ઉડા રહા પવન ! 
દિશાએ દેખો રંગભરી, 
ચમક રહી ઉમંગ ભરી,  
કિસ ને ફૂલ ફુલ સે કિયા શ્રૃંગાર હૈ !’

એવું એક બીજું ગીત છે જેમાં કવિ ઇન્દીવરે સૃષ્ટિના રચયિતાનાં વખાણ સાથે આશ્ચર્યનો પણ ભાવ શબ્દોમાં ઉતાર્યો છે: 

‘ઓહ રે તાલ મિલે 
નદી કે જલ મેં, 
નદી મિલે સાગર મેં, 
સાગર મિલે કૌન સે જલ મૈં? 
કોઈ જાને ના !’ 

અંતરામાં તો આ રહસ્ય વધારે ઘેરું થાય છે...

‘સુરજ કો ધરતી તરસે, 
ધરતી કો ચંદ્રમા, 
પાની મેં સીપ જૈસે 
પ્યાસી હર આત્મા, 
બુંદ છિપી કિસ બાદલ મેં? 
કોઈ જાને ના !’ 

અર્થાત્ દરિયામાં છિપલાં તો અનેક છે પણ પહેલા વરસાદનું કયું ટીપું એમાં પડીને મોતી બની જશે એની કોને ખબર છે?

આવાં તો કંઈ બીજાં અનેક ફિલ્મી ગીતોમાં ઇશ્વર અને ફિલોસોફીને સાંકળીને જીવનનો સંદેશો અપાયો છે. પણ આજના બોલીવૂડની તો એક જ ફિલોસોફી છે: 100 કરોડ શી રીતે અને ક્યાંથી મળે છે!

***

- મન્નુ શેખચલ્લી

E-mail :mannu41955@gmail.com

Comments

  1. આમાં તમે લખેલ બધાં જ ભજન મારા મોસ્ટ ફેવરિટ છે.

    ReplyDelete

Post a Comment