નવરાત્રિમાં ગરબા રમનારા તો રમતા જ હોય છે પણ અમુકને તમે જરા ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે…
***
અમુક લોકો દાંડિયા એ રીતે ગોળગોળ ફેરવે છે કે જાણે બે હાથમાં બે સિલિંગ ફેન લઈને ફરતા હોય !
***
અમુક બહેનો બે હાથ વડે પોતાનો મોટા ઘેરવાળો ઘાઘરો એ રીતે ફેરવ્યા કરે છે કે જાણે એને ઝડપથી સૂકવવાનો છે !
***
અમુક બાઘડાઓ ઉછળી ઉછળીને એ રીતે હાથ ઘુમાવતા હોય છે કે જાણે એ નીરજ ચોપરાની જેમ અહીં ભાલા ફેંકવા માટે જ આવ્યા છે !
***
અને બીજા અમુક બાઘડાઓના હાથની એકશન બાઉન્સર મારતા ફાસ્ટ બોલરો જેવી જ હોય છે !
***
અમુક આળસુ જાડીયા તો અંપાયરોની જેમ ચોગ્ગાનો ઈશારો કરતાં કરતાં શાંતિથી ચાલતાં ચાલતાં આંટા મારતા હોય છે !
***
અમુક સુંદરીઓ ગરદન ઊંચી રાખીને ફૂદરડી એટલી ધીમે ધીમે ફરે છે કે જાણે જોતી હોય કે મને બધા બરોબર રીતે જુએ છે તો ખરા ને ?
***
અને તમા ખાસ જોજો, અમુક કાકાઓ ગરબા વખતે ચારેબાજુ ડાફોળિયાં મારીને રૂપાળી આન્ટીઓને જ શોધતા દેખાશે !
***
અમુક ઝનૂની છોકરાઓના ટાંટિયા પણ એ રીતે આમથી આમ પડતા હોય છે કે જાણે અહીં ગરબા રમવા માટે નહીં પણ ફૂટબોલ રમવા આવ્યા હોય !
***
અને અમુક છોકરાઓ તમને રીતસર લંગડી રમતા દેખાશે !
***
અને હલો, અમુક રોમેન્ટિક કપલિયાં એવાં હોય છે જે થોડી વાર માટે ગરબા રમતા દેખાશે પણ પછી તો સંતાકૂકડી રમવા માટે ક્યાંક જતાં રહેશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment