આજે આખા ગુજરાતમાં તથા ગુજરાતની બહાર છેક વિદેશોમાં પણ નવરાત્રિ રંગેચંગે ઉજવાય છે છતાં અમુક ‘કકળાટ-કાકા’ ટાઇપના વડીલોને સતત વાંકુ જ પડતું આવ્યું છે! આજે જ નહીં, અગાઉની પેઢીઓથી! જુઓ…
***
1950ના કકળાટ-કાકા
‘નવરાત્રિ? એમાં આપણા પુરુષોનું શું કામ? એ બધું બૈરાં જાણે! જોકે એમાં ઘરની જુવાન વહુવારુઓ લટકા મટકા કરતી તાળીઓ પાડે છે એ જરાય શોભતું નથી!’
***
1960ના કકળાટ-કાકા
‘જ્યારથી પુરુષો ગરબામાં ભાગ લેતા થયા છે ત્યારથી ગરબો ભ્રષ્ટ થઈ ગયો છે. હા, કાઠીયાવાડ બાજુ અમુક પુરુષો ગરબા કરે છે પણ એને રાસડા કહેવાય. બાકી બૈરાંઓ સાથે તાળીઓ પાડીને ફરતા આ ભાયડાઓ ભૂંડા લાગે છે!’
***
1970ના કકળાટ-કાકા
‘જ્યારથી આ માઇક આવ્યાં છે ત્યારથી ગરબાનો દાટ વળી ગયો છે! બે ચાર જણા ભૂંગળામાં મોં ખોસીને રાગડા તાણે અને બાકીના ઝીલે એને તે કંઈ ગરબા કહેવાય? અમારા જમાનામાં બધાને બધા ગરબા મોઢે હતા!’
***
1980ના કકળાટ-કાકા
‘ડીસ્કો ગરબા? એ વળી શું? મુંબઈમાં બધા છોકરા-છોકરીઓ જીન્સ ટી-શર્ટ અને ચળકાટવાળાં કપડાં પહેરીને ગરબા રમે છે? અરેરે... આ સંસ્કૃતિનું શું થશે?’
***
1990ના કકળાટ-કાકા
‘આ મોંઘાદાટ ચણિયાચોળી અને ફાળિયાં, ધોતિયાં, પાઘડાંએ દાટ વાળ્યો છે! એક એક ડ્રેસ પાછળ હજારોના ખરચા થાય છે! અમે પેન્ટ-શર્ટ પહેરીને રમતા હતા તે શું ખોટા હતા?’
***
2000ના કકળાટ-કાકા
'આ પાર્ટી પ્લોટના પાસના ભાવો જોયા છે? આ તો ધંધો થઈ ગયો ભૈશાબ! શેરી ગરબો મરી રહ્યો છે...'
***
2010 પછી...
‘કોઈ સારી જગ્યાના પાસ હોય તો કહેજો ને? આ ઘરડે ઘડપણ ભારતીય સંસ્કૃતિની ભવ્ય પરંપરા જોવાથી આંખ અને હૈયું બન્ને ઠરે છે!’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment