જુઓ બચ્ચન સાહેબ ! અમને ખબર છે કે અઠવાડિયા પહેલાં તમારો 81મો જન્મદિવસ હતો. તમારી તો હજુ ચોતરફ વાહ વાહ જ ચાલતી હશે. પણ બોસ, અમે છેક અમારી નવી નવી મૂછો ફૂટી રહી હતી એ સમયથી તમારા ડાઈ-હાર્ડ પંખાઓ છીએ એટલે અમારી થોડી ફરિયાદો પણ સાંભળી લેજો. ઓકે?
પહેલી વાત તો એ કે બોસ, તમે યાર, આ એક્યાશીમાં વરસે પણ તમારી ‘ઊંચાઈ’ ઊંચી રાખીને અમને એવરેસ્ટો ચડવા માટેની ઉશ્કેરણીઓ કરવાનું બંધ કરો ! કેમકે તમે તો હજી 40 શું, 20 વરસના હો એમ ફટાફટ ચાલતા આવો છો અને ધનાધન ડાન્સો પણ કરી બતાડો છો, પણ અહીં અમારા ઘૂંટણો ઓઇલિંગ માગે છે ! તમે તો બોસ, આ ઉંમરે પણ બધે જ ઠેકાણે ટાઇમસર પહોંચો છો, પરંતુ અહીં સવારે ત્રણ ત્રણ એલાર્મ વાગવા છતાં પથારી છૂટતી નથી !
અમે સાંભળેલું કે તમે તો ફિલ્મના સેટ ઉપર બીજું કોઈ ના આવ્યું હોય તો પણ પહોંચી જતા હતા. અમે પણ ‘બચ્ચન-ટુ’ બનવાના ધખારામાં આવીને તમારી કોપી કરવા જતાં અનેક વાર ભરાઈ પડ્યા છીએ ! લગ્નમાં ટાઇમસર પહોંચ્યા હોઈએ તો હજી મંડપમાં ખીલા ઠેકાતા હોય ! અને બેસણામાં ટાઇમસર હાજર થઈ ગયા હોઈએ તો લોકો અમને હોલના સફાઈ કર્મચારી સમજી બેઠા છે !
આખી વાતમાં ભૂલ અમારી જ કે, અમારી યુવાનીમાં તો બે ચોઇસ હતા જ… રાજેશ ખન્ના બેસ્ટ કે બચ્ચન ? એમાં અમે તમારા લાઇફ-ટાઈમ ચાહક બનવાની ભૂલ કરી બેઠા ! નહીંતર ‘કાકા’ના ફેન બન્યા હોત તો આજે શાંતિથી દાઢી વધારીને, શાલ ઓઢીને ‘આઈ હેટ ડાયાબિટીસ રેએએ…’ એવા ડાયલોગો ના મારતા હોત ?
બોસ, તમારી બીજી તકલીફ એ કે, તમે આ ઉંમરે પણ ફૂલ-ટાઇમ બિઝી રહો છો ! બોસ, જરા ‘ચીલ’ મારો ! તમારા દિકરા પાસેથી તો કંઈક શીખો ? એ બેટમજી કેવો જલસો કરી ખાય છે ? આમાં ને આમાં અમે સિનિયર સિટીઝનો અમારા સંતાનો આગળ ભરાઈ પડીએ છીએ !
અમે તમારો દાખલો આપીને કહીએ છીએ કે જુઓ, આ ઉંમરે પણ આ માણસ કેટલું કામ કરે છે ? તો અમારાં જ બચુડિયાં અમને કહે છે તમે જઈને અભિષેકને સમજાવો ને ? આ સાંભળીને અમે બિઝી રહેવાની ટ્રાય તો કરીએ છીએ પણ છેવટે બધો ટાઇમ ફેસબુકનાં ઓટલે પંચાત કરવામાં જ પુરો થઈ જાય છે !
ત્રીજી તકલીફ બોસ, તમારી એ છે કે તમે દોઢસોથી વધારે પ્રોડક્ટ્સની જાહેરખબરોમાં આવી ચૂક્યા છો ! છેલ્લે છેલ્લી ‘તીખાં લાલ મરચાં’ અપનાવવાની સલાહો પણ આપી ચૂક્યા છો ! તમારા ફેન હોવાને નાતે એવું બધું અપનાવવામાં અમારી પ્રભાતની દિનચર્યાનો તો સ્હેજ વિચાર કરવો જોઈએ કે નહીં ?
અને બોસ, આટઆટલી જાહેરખબરોમાં કામ કરીને જે રૂપિયા ભેગા કરો છો, એ થોડા વાપરવાનું પણ રાખો ! આજના રણવીરો, રણબીરો, દિપીકાઓ અને આલિયાઓ ભરચક કેરિયર વચ્ચે પણ ફોરેનમાં વેકેશનો કરવા જાય છે. એના ફોટા જોઈ જોઈને અમારાંવાળાં પણ રૂપિયા ઉડાવવા નીકળી પડે છે ! કમ સે કમ તમે વરસમાં બે ચાર વાર ગોવા, મહાબળેશ્વર કે કેદારનાથ અમરનાથ જવાનું તો રાખો ? (પોતાના ખર્ચે ના જવું હોય તો કોઈ ટુર-પેકેજની એડમાં કામ કરી લો, યાર !)
અને 81 વરસની ઉંમરે, યાર, જરાક તો ઘરડા માણસ જેવું વર્તન કરો ? કમ સે કમ ઇન્સ્ટાગ્રામમાં ‘ક્યા લેકર આયે થે, ક્યા લેકર જાયેંગે..’ એવાં ફિલોસોફીકલ રીલ તો બનાવો ! અથવા ‘બડોં કા સન્માન કરો… માતા પિતા કે ચરણોં મેં હી સ્વર્ગ કા સુખ હૈ…’ એવું બધું સંસ્કારી-સંસ્કારી બોલવાનું રાખો ! કેમકે એ બહાને જે જુવાનિયાઓ અમને થોડું ઘણું રિસ્પેક્ટ આપે તે સાચું !
તમે તો સાહેબ, બીજા ડોસલાઓની જેમ જુના જમાનાની રેકોર્ડ પણ નથી વગાડતા ! ભલે ને ફક્ત પંદર-વીસ વિડીયો જ બનાવો, અમે ફોરવર્ડ કરી કરીને પાંચેક વરસનો ટાઇમપાસ તો કરીએ ?
એવું જ બોસ, નવી પેઢીની ટીકા બાબતે પણ થોડું બોલવાનું રાખો ! ‘પતા હૈ, આજ કી જનરેશન કી પ્રોબ્લેમ ક્યા હૈ ?’… બસ આટલું શરૂ કરો ને, પછી પ્રોબ્લેમો તો આજે જ તમને લખી લખીને મોકલતા રહીશું ! આમાં શું છે બચ્ચન સાહેબ, દેશના 11 કરોડ સિનિયર સિટીઝનોની ભાવનાઓના સવાલ છે ! અમે લોકો એકલા પડી ગયા છીએ. (11 કરોડ હોવા છતાં) તમે સપોર્ટમાં આવશો તો બહુ ફેર પડશે ! કોને ? યુવા પેઢીને ? ના ભઈ ના ! જુઓને, તમારા અભિષેકને કંઈ ફેર પડ્યો છે ? આ તો અમને સારું લાગે.. બે ઘડી.
અને સૌથી છેલ્લી ફરિયાદ દેશના ઉદ્યોગપતિઓ તરફથી છે. એમનું કહેવું એમ છે કે તમને એવી તો શું ઉતાવળ હતી ABCLની પાઈએ પાઈ ચૂકવી દેવાની ?
આ તો સારું છે કે માલ્યા-ચોક્સીની વાત નીકળે ત્યારે લોકો તમને યાદ નથી કરતા ! ચાલો, હવે હેપ્પી બર્થડે ! બીજું શું ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment