નવરાત્રિમાં ખેલૈયાના નમૂના !

મોસમ ગરબાની છે… રાત પડી નથી કે ગરબાઘેલાઓ ઘેરઘેરથી નીકળી પડે છે. પરંતુ બધા સરખા નથી હોતા ! એમાં અમુક તો ‘નમૂના’ હોય છે! જુઓ…

*** 

તીતીઘોડા ખેલૈયા
આ ખેલૈયા કારણ વિના અહીંથી તહીં ઉછળ્યા કરે છે. લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ત્રાંસો કૂદકો કે રિવર્સ કૂદકો... કઈ ઘડીએ કયા કૂદકાનો પ્રયોગ કરશે તે અન-પ્રિડીક્ટેબલ હોય છે ! જ્યાં જાય ત્યાં સાથે ‘એક્સિડેન્ટ ઝોન’ લઈને ફરે છે.

*** 

કાચબા ખેલૈયા
તમે એને ઓવરટેક પણ ના કરી શકો. ધકેલી પણ ના શકો અને ‘આગળ વધવાની’ પ્રેરણા પણ નથી આપી શકતા ! જે લાઈનમાં હોય ત્યાં ‘ટ્રાફિક જામ’ કરી મુકે છે.

*** 

લડવૈયા ખેલૈયા
એમના હાથ ખાલી હોય કે હાથમાં દાંડિયા હોય. બન્ને સ્થિતિમાં હાથ એવી ખતરનાક રીતે વીંઝે છે કે જાણે તલવાર લઈને ધીંગાણામાં ઉતર્યા હોય ! અડફેટે ચડવામાં જોખમ છે, ‘તમારું વાહન’ દસ ફૂટ દૂર રાખો !

*** 

ભમરડા ખેલૈયા
આ લોકોને બે કલાક રમવા છતાં ચક્કર શા માટે નથી આવતાં એ મેડિકલ જગતનું આશ્ચર્ય છે ! એમનાં દરેક સ્ટેપમાં મિનિમમ 360 ડીગ્રીએ ફરવાનું આવે છે – ઉપરથી ભમરડાની જેમ ભમતાં ભમતાં ચકરડીની જેમ ગોળ ગોળ આંટા પણ મારી શકે છે. હવામાન ખાતું પણ આવાં ‘ચક્રવાત’નો અભ્યાસ કરવામાં નિષ્ફળ ગયું છે !

*** 

ગુડ્ઝ ટ્રેન ખેલૈયા
એમની લાઇન લાંબી હોય છે. ગતિ ધીમી હોય છે, છૂક-છૂક અને છૂક-છૂક એમ બે જ સ્ટેપ્સ હોય છે. એક્સ્પ્રેસ ટ્રેનોને સતત નડે છે અને વચ્ચે વચ્ચે ડબ્બાઓ પણ ખડી પડે છે.

*** 

ઘુવડ ખેલૈયા
આ માત્ર આંખો ફાડીને બધું જોવા જ આવે છે ! બસ.

***

- મન્નુ શેખચલ્લી

Comments