રાજકારણમાં હવે પહેલાં જેવું રહ્યું નથી. એમાં જબરદસ્ત ફેરફારો આવી ગયા છે, તો અમને થયું, નવા પોલિટીક્સનાં નવાં નામો પણ હોવાં જોઈએ ને ?
***
જુનું નામ : કિન્નાખોરીનું રાજકારણ
નવું નામ : ED પોલિટીક્સ
અગાઉના જમાનામાં મામુલી તપાસ સમિતિ નીમાય, કેસ CBIને સોંપાય કે 24 કલાકમાં છૂટી જાય એવી ધરપકડ થાય તેને કિન્નાખોરીનું રાજકારણ કહેતા હતા.
આજે સીધી EDની રેઈડ પડે છે ! એ પણ સવારે સાડા છ વાગે !
***
જુનું નામ : તુષ્ટિકરણનું રાજકારણ
નવું નામ : એન્ટિ-હિન્દુ પોલિટીક્સ
વરસો લગી ભાજપવાળા કોંગ્રેસ અને બીજા પક્ષો ઉપર લઘુમતીઓના તુષ્ટિકરણનો આરોપ લગાવતા રહ્યા, એમાં અમુક જનતાને તો તુષ્ટિકરણનો ઉચ્ચાર પણ આવડતો નહોતો, મિનિંગની તો વાત જ ક્યાં રહી ?
પણ હવે લઘુમતીની તરફેણ કરનારાઓને હિન્દુ વિરોધી કહેવામાં આવે છે.
***
જુનું નામ : ખોખલાં વચનની રાજનિતી
નવું નામ : રેવડી પોલિટીક્સ
અગાઉ તો ચૂંટણી વખતે નેતાઓ જે વચનો આપતા હતા તે જીત્યા પછી ભૂલાઈ જવાનાં છે, એવી જનતાને પણ ખબર હતી ! પણ હવે જમાનો બદલાઈ ગયો છે. જીત્યા પછી વચનો પાળવાં પડે છે !
આજે વચન પાળવાનું શરૂ થયું છે… તો તેને રેવડી પોલિટીક્સ કહેવામાં આવે છે ! બોલો.
***
જુનું નામ : આક્ષેપોનું રાજકારણ
નવું નામ : ફેક ન્યુઝ પોલિટીક્સ
અગાઉ વિરોધ પક્ષો માટે સહેલું હતું. ધડાધડ આક્ષેપો કરી કરીને રાજીનામું માગ્યા કરવાનું ! પણ હવે બધું બદલાઈ ગયું છે. જ્યાં સરકારે સિધ્ધિઓના પણ પૂરાવા આપવા પડે છે ત્યાં વિરોધપક્ષોએ આક્ષેપોના પણ પુરાવા આપવા પડે છે…
- એટલે હવે બન્ને તરફથી ‘ન્યુઝ’નું હથિયાર કામે લાગ્યું છે જેનું નામ છે : ફેક ન્યુઝ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment