ગુજરાતમાં છેલ્લા થોડાં વરસોમાં 22 જેટલા પુલો તૂટી પડ્યા છે ! એમાંય, 2022માં તો રેકોર્ડ હતો… કુલ સાત પુલ ધરાશયી થયા !
જોકે હવે ગુજરાતની ભાજપ સરકાર આ તૂટી પડતા પુલો માટે સાવ નવી પોલીસી ઘડવાની છે! જેની અંતર્ગત…
***
દરેક પુલના બન્ને છેડે પાટિયાં લગાડવામાં આવશે:
‘દુર્ઘટના ઝોન!’
‘સાવધાન! ભાજપ સરકાર દ્વારા બંધાયેલો પુલ છે!’
‘સાવધાની હી બચાવ.’
***
દરેક પુલની નીચે પણ પાટિયાં લાગશે:
‘આ પુલ નીચેથી પસાર થતાં પહેલાં જીવનવીમો કરાવી લેવો! પછી કહેતાં નહીં કે કીધું નહોતું !’
***
એ જ રીતે પુલ નીચે બીજાં પાટિયાં પણ હશે:
‘આ પુલ નીચે હેલ્મેટ પહેર્યા વિના બેસવું કે ઊભા રહેવું નહીં! જનહિત મેં જારી.’
***
પુલ ઉપર પણ પાટિયું હશે:
‘આ ઝૂલતો પુલ નથી. છતાં જે ક્ષણે ઝૂલતો લાગે તે જ ક્ષણે ખાલી કરીને જતા રહેવું!’
***
પુલની બાજુમાં ચાર ફૂટની એક ‘ખાંભી’ રાખવામાં આવશે. જેની ઉપર નીચે મુજબની વિગતો કોતરેલી હશે:
પુલ બન્યા તારીખ: ......
પુલ ઉદ્ઘાટન તારીખ: ......
પુલ તૂટી પડ્યા તારીખ: ……
(ત્રીજી તારીખની આગાહી કરનારને 1 કરોડનું ઇનામ! પરંતુ તેમાં સરકારી એન્જિનિયરો ભાગ લઈ શકશે નહીં.)
***
હવેથી પુલ માટેના ટેન્ડરોમાં પણ નવી ‘સલામત’ પોલીસી આવશે. જેમ કે…
(1) પુલ બાંધનાર કોન્ટ્રાક્ટરનું નામ ગુપ્ત રાખવામાં આવશે. ડોન્ટ વરી.
(2) પુલની ચકાસણી કરનાર એન્જિનિયરોને જ પુલ તૂટી પડ્યાની તપાસ સમિતિમાં નીમવામાં આવશે. ડોન્ટ વરી.
(3) બ્લેકલિસ્ટ થયેલી કંપનીઓ એ જ નામે અથવા બીજા નામે કોન્ટ્રાક્ટ મેળવી શકશે. ડોન્ટ વરી.
***
અને હા, એક વર્લ્ડ રેકોર્ડ તો ભૂલી જ ગયા !
હાટકેશ્વરનો પુલ એક જ એવો પુલ છે જે જાતે નથી તૂટી પડ્યો! પણ એને ‘તોડવા’ માટે કોન્ટ્રાક્ટ અપાયો છે !
આને કહેવાય મજબૂતી !
***
- મન્નુ શેખચલ્લી
Well said
ReplyDelete