નવરાત્રિમાં ગરબા રમતાં રમતાં યુવાનોને હાર્ટ-એટેક આવી જાય તો ? વેલ, એના માટે આયોજકોએ ઇમરજન્સી મેડિકલ સહાયની સર્વિસ આપવાનું પ્લાનિંગ અત્યારથી કરી લીધું છે !
આ તો સારી વાત છે, પણ બીજી યે અમુક સર્વિસની તાતી જરૂર છે ! જેમકે…
***
હાર્ટ એટેકનું તો બરોબર, પણ જે યુવાન છોકરાઓનાં આ દિવસોમાં દિલ તૂટી જાય છે એમને સાંત્વના આપવા માટે થોડી કન્યાઓ રાખો ને !
***
બીજું, ગરબાઓમાં અડધો અડધ ભીડ તો માત્ર ‘નયનસુખ’ માટે જ આવેલી હોય છે ! એવા લોકો ગ્રાઉન્ડમાં નકામી ભીડ ના કરે એટલા માટે એમને સાઈડમાં ઊંચી બેન્ચો ઉપર બેસાડીને બાયનોક્યુલરો પકડાવી દો ! એકસ્ટ્રા ચાર્જ લેજો, યાર.
***
એ જ રીતે ગરબામાં બધાંની વચ્ચે તીતીઘોડાની માફક ઉછળી ઉછળીને જે નમૂનાઓ બીજાઓને ઘાયલ કરે છે... એ ઘાયલોને નહીં... આ તીતીઘોડાઓનાં જ ટાંટિયા બાંધીને સાઈડમાં રાખવાની સર્વિસ ચાલુ કરો, બોસ !
***
સતત ગરબા ગાવાથી છોકરીઓનો મેકપ પરસેવાના કારણે ઉતરવા લાગે છે ! એમાં જો ભૂલથી રૂમાલ વડે લૂછવા જાય તો ‘અસલી સ્વરૂપ’ ઉઘાડું પડી જાય છે ! તો સાહેબો, સાઇડમાં નાનાં ‘બ્યુટિ-રિપેરિંગ’ પાર્લરોની સર્વિસ પણ આપો ને !
***
- અને આ બધાં ચંપલો, સેન્ડલો અને મોજડીઓનું કંઈ કરો ભૈશાબ ! શું એનો વચ્ચોવચ ઢગલો કરીને આજુબાજુ ગરબા કરીએ છીએ તે કંઈ સારા લાગીએ છીએ?
- ચંપલો, સેન્ડલો, મોજડીઓ વગેરેનું અલગ ‘પાર્કિંગ’ રાખો, સાઈડમાં !
***
એ જ રીતે હસબન્ડોની પણ થોડી દયા ખાઓ ! શું એમને બિચારાઓને મોટી મોટી પર્સ અને નાનાં નાનાં ટેણિયાં જ સાચવ્યા કરવાનાં? સાહેબો, એક ઠેકાણે ‘પર્સ પાર્કિંગ’ રાખો ! અને ‘ચાઇલ્ડ કેર’ માટે વોલેન્ટિયર મહિલાઓને ગોઠવો ! ઓકે, થેન્ક્યુ !
***
અને હા, પેલા હાર્ટ-એટેકની વાત હતીને, તો છાતીનાં પાટિયાં બેસી જાય એવા મોટા અવાજે વાગતાં સ્પીકરોની નજીક જ ઘણા કેસ બનશે ! ધ્યાન રાખજો...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment