‘સબ તેરી હૈ, પૂજા કરતે,
નામ તેરા લે જીતે મરતે,
હમ ન બનાતે મંદિર મસ્જિદ,
કોઈ ન દેતા માન !
બતાઓ, કિસ ને કિયા એહસાન?’
બહુ વરસો જુનો સવાલ છે કે માણસે ભગવાનને બનાવ્યો કે ભગવાને માણસોને બનાવ્યા? 'વિદ્યાર્થી' નામની એક સાવ ફ્લોપ ગયેલી ફિલ્મમાં આ મતલબનું એક ગીત પણ લખાયું હતું! ફિલ્મી ગીતોની આ જ તો ખુબી છે ! ભગવાનનું નામ લેતાં લેતાં ભગવાન સામે ફરિયાદ પણ બહુ ચતૂરાઈથી કરી લીધી છે.
શૈલેન્દ્રએ પણ લખ્યું કે..
‘દુનિયા બનાનેવાલે
ક્યા તેરે મનમેં સમાઈ,
કાહે કો દુનિયા બનાઈ?’
જુની ‘બહાર’ નામની ફિલ્મમાં કવિ રાજેન્દ્ર કૃષ્ણએ પણ હિરોઇનના મોઢે ગવડાવ્યું કે...
‘ભગવાન દો ઘડી જરા ઇન્સાન બન કે દેખ,
ધરતી પે ચાર દિન કભી મહેમાન બન કે દેખ!’
એ જ રીતે જુની ‘લયલા મજનુ’માં પણ ગીત છે...
‘આસમાં વાલે તેરી દુનિયા સે જી ગભરા ગયા,
ચાર દિન કી ચાંદની મેં ગમ કા બાદલ છા ગયા..’
જોકે ભગવાનને અન્યાયની ફરિયાદ કરવાનાં ગીતોમાં મોટે ભાગે જેના પ્રેમમાં દિલ તૂટ્યા છે એમની જ વ્યથા છે. પરંતુ બીજી તરફ શકીલ બદાયુનીએ ઇશ્ર્વરના ન્યાયને જ સર્વોચ્ચ માનીને લખ્યું કે...
‘ઇન્સાફ કા મંદિર હૈ યે
ભગવાન કા ઘર હૈ,
કહેના હૈ જો કહ દે
તુઝે કિસ બાત કા ડર હૈ?’
એ જ રીતે સાહિર લુધ્યાનવીએ પણ અન્યાય સામે ઝઝૂમી રહેલા માનવીને સાંત્વન આપતાં લખ્યું કે..
‘આના હૈ તો આ,
રાહ મેં કુછ ફેર નહીં હૈ,
ભગવાન કે ઘર દેર હૈ,
અંધેર નહીં હૈ…’
એ જ ગીતમાં પૂજા, અર્ચના, બાધા વગેરેનો છેદ ઉડાડતાં લખ્યું છે કે...
‘કહને કી જરૂરત નહીં,
આના હી બહોત હૈ,
ઇસ દર પે તેરા શીશ
ઝુકાના હી બહોત હૈ!’
એ જ સાહિર સાહેબે બીજા એક ગીતમાં ભગવાનનું નામ લીધા વિના ભગવાનની સૃષ્ટિમાં જ જવાબ શોધવાનો ઇશારો આપી દીધો છે...
‘રાત ભર કા હૈ મહેમાં અંધેરા,
કિસ કે રોકે રૂકા હૈ સવેરા?
રાત જિતની ભી સંગીન હોગી,
સુબહા ઉતની હી રંગીન હોગી,
ગમ ના કર, ગર હે બાદલ ઘનેરા…
કિસ કે રોકે રૂકા હૈ સવેરા?’
ફિલ્મી ગીતોમાં ભજન વિશેની આ લેખમાળામાં સાહિર લુધ્યાનવીનાં ગીતો વારંવાર આવે છે ને? તો લો, એક વધુ ગીત સાંભળો જેમાં સાહિર સાહેબે દુનિયાના ધર્મો વચ્ચેની આખી લડાઈનો જ પર્દાફાશ કરી નાંખ્યો છે! ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’નું આ ગીત છે જેમાં હિરો એક અનાથ બાળકને સંબોધીને ગાય છે :
‘તુ હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા,
ઇન્સાન કી ઔલાદ હૈ, ઇન્સાન બનેગા!’
આજે દેશમાં ધર્મોને લઇને જે વાતાવરણ છે એમાં આ પંક્તિઓ સમજવા જેવી છે:
‘માલિકને હર ઇન્સાન કો ઇન્સાન બનાયા,
હમ ને ઉસે હિન્દુ યા મુસલમાન બનાયા!
કુદરતને તો બખ્શી થી હમેં એક હી ધરતી,
હમને કહીં ભારત કહીં ઇરાન બનાયા!’
(સ્વાભાવિક છે ‘પાકિસ્તાન’ શબ્દ ગીતના માત્રામેળમાં નહોતો બેસતો એટલે ‘ઇરાન’ લખ્યું છે.)
એ સાહિર લુધ્યાનવીનું વધુ એક ભજન ‘હમ દોનોં’નું છે જેનું મુખડું આજકાલ ગાંધીજીનું નામ લઈને વગોવવામાં વપરાઈ રહ્યું છે તે
‘અલ્લાહ તેરો નામ,
ઇશ્વર તેરો નામ,
સબ કો સન્મતિ દે ભગવાન’..
તેમાં કવિએ પહેલાં અંતરામાં તો ઇશ્વર પાસે સિમ્પલ વરદાન માંગ્યું છે કે...
‘માંગોં કા સિંદુર ના છૂટે,
માં બહેનો કી આસ ના છૂટે,
દેહ બિના ભટકે ના પ્રાણ!’
પણ છેલ્લા અંતરામાં દુનિયાના પાવરફૂલ લોકો માટે જબરદસ્ત ટોણો મારી દીધો છે કે...
‘ઓ સારે જગ કે રખવાલે,
નિર્બલ કો બલ દેનેવાલે…
બલવાનોં કો દે દે જ્ઞાન !’
(જોકે પાવરના નશામાં ધૂત લોકોને ‘જ્ઞાન’ મળે એ વાત જ આખી એબ્સર્ડ લાગે છે ને ! છતાં જો દુનિયાના પાવરફુલ લોકોને થોડુંક પણ જ્ઞાન મળી જાય તો આ દુનિયા કેટલી સુંદર બની જાય ! )
ફિલ્મોનાં ગીતોમાં જ્યાં અમુક ટ્રેજિક ગીતો એવાં છે જેમાં મીરાં સ્વરૂપે અથવા રાધા સ્વરૂપે કૃષ્ણને ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ એક ગીત એવું છે જેમાં પ્રેમભંગ થયેલો પ્રેમી છેવટે આ મોહભંગને લીધે જ ઇશ્વરની સમીપે પહોંચ્યો હોવાની કબૂલાત કરે છે! જી હા, ફિલ્મ ‘આદમી’ના એ ગીતના અંતરામાં શકીલ બદાયુનીએ હિરો પાસે ગવડાવ્યું કે...
‘જીવન બદલા, દુનિયા બદલી,
મન કો અનોખા જ્ઞાન મિલા,
આજ મુઝે અપને હી દિલ મૈં,
એક નયા ઇન્સાન મિલા,
પહુંચા હું જહાં, નહીં દૂર વહાં,
ભગવાન ભી મેરી નિગાહોં સે…’
(આજ પુરાની રાહોં સે કોઈ મુઝે આવાઝ ના દે.)
જોકે ભગવાન, સંસાર, મોહ, માયા, ત્યાગ, ભોગ અને સંન્યાસનું જ્ઞાન આપનારાઓને પણ એક ઝાટકો આપીને વિચારતા કરી મુકે એવું એક અલ્ટિમેટ કહી શકાય એવું ગીત પણ સાહિર લુધ્યાનવીએ જ લખ્યું છે! ફિલ્મ ‘ચિત્રલેખા’માં એક ગણિકા દુનિયાના કહેવાતા સંન્યાસીઓને સંબોધીને ગાય છે કે
‘સંસાર સે ભાગે ફિરતે હો,
ભગવાન કો તુમ ક્યા પાઓગે?
ઇસ લોક કો ભી અપના ન સકે,
ઉસ લોક મેં ભી પછતાઓગે!’
આ ગીતનો એક અંતરો તો પેલા કહેવાતા ઉપદેશકોને માટે મોટી ચેલેન્જ સમાન છે:
‘યે ભોગ ભી એક તપસ્યા હૈ,
તુમ ત્યાગ કે મેરે ક્યા જાનો?
અપમાન રચયિતા કા હોગા,
રચના કો અગર ઠુકરાઓગે !’
જેણે આ સુંદર સૃષ્ટિની રચના કરી છે એની રચનાને જ તમે ઠોકર મારશો?
હજી આ સિવાય પણ કંઈ કેટલાંય આવાં અદ્દભુત ગીતો આપણને 'ફિલ્મી' કહેવાતા ગીતકારોએ આપ્યાં છે !
- બોલો, હવે તો માનશોને કે આપણા ફિલ્મી ગીતકારોમાં પણ કંઈક ‘દૈવી તત્વ’ તો હતું!
***
- મન્નુ શેખચલ્લી
E-mail :mannu41955@gmail.com
Humorist turning into a philosopher.Good one.Keep it up
ReplyDeleteઆ બધાં ભજન ગીતો મારા ફેવરિટ છે. "દેહ બીના ભટકે ન પ્રાણ".....ખરેખર કેટલી ઉંચી વાત કહી છે!!
ReplyDeleteKiran Thaker સાહિર સાહેબે એકએકથી ચડીયાતા ગીતો આપ્યા છે.... ફિલ્મ "પ્યાસા"નુ ગીત....યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ.....સમય મળે ત્યારે સાંભળવા જેવું છે.... શબ્દો સાંભળશો તો ખ્યાલ આવશે કે સાહિર સાહેબ કેમ વિદોહી હતા.
ReplyDeleteThere was one song which sounded like a Bhajan but actually a love song. આજ સજન મોહે અંગ લગાલો, જનમ સફલ હો જાએ....... from the film Pyasa. Listen it to realize it on YouTube.
ReplyDeleteU have computerized
ReplyDeleteMemory
Salam