હાઈ- ફાઈ લગ્નોની પોલમપોલો !

ફિલ્મ એકટ્રેસ પરિણીતા ચોપરા અને રાજકારણી રાઘવ ચઢ્ઢાનાં લગ્ન થયાં ! એમાં લોકોને શું મળ્યું ? સોશિયલ મિડીયાના ફોટા ! બીજું શું ?

જે લોકો આવાં હાઈ-ફાઈ મેરેજોથી અંજાઈ જાય છે એમણે બે ચાર વાતો સમજી લેવા જેવી છે…

*** 

પહેલી વાત એ કે એ હાઈ-ફાઈ લોકો સડકો ઉપર વરઘોડા જ નથી કાઢી શકતા ! ચલો ભઈ, બાજુ… બાજુ…

*** 

એમનાં લગ્નોમાં ડીજે તો હોતાં જ નથી ! અરે, કોઈ નાગિન ડાન્સ કરનારું પણ નથી હોતું ! અને ખુલ્લી સડક ઉપર ગરબા કરવાની તો વાત જ ક્યાંથી આવે ?

*** 

અચ્છા, તમે આવા ફિલ્મી લોકોના લગ્નમાં કદી સંગીત-સંધ્યાના પ્રોગ્રામો જોયા ? આટઆટલા ફિલ્મી હિરો-હિરોઈનો આવે છે પણ બોલો, એક અડધા ગાયન જેટલો પણ ડાન્સ કરે છે ?

*** 

સાચું કહું ? આ હાઈ-ફાઈ લોકો હકીકતમાં કંજુસાઈ કરે છે ! બોલો, કોઈનાં લગનમાં પ્રોગ્રામ માટે કદી હની સિંઘને બોલાવ્યો છે ? કેમકે બબ્બે કરોડ માગે છે, શેના બોલાવે ?

*** 

અચ્છા, એમનાં મેરેજોમાં સલમાન કે શાહરૂખ પણ કેમ ડાન્સ નથી કરતા? કેમકે બોસ, સલમાન-શાહરૂખ પણ મેરેજમાં ડાન્સ કરવાનાં દસ-વીસ કરોડ માગે છે !

*** 

તમે એમનાં રિસેપ્શનનાં વિડીયો જોયા ? શું ત્યાં મારવાડી કાઉન્ટર, જૈન કાઉન્ટર, ઢોંસા લાઈવ, પિત્ઝા લાઈવ, દાલ-બાટી સ્પેશીયલ, ચાર જાતનાં સલાડ, આઠ જાતનાં શાક, છ ફરસાણ, બાર અથાણાં અને નવ જાતની મીઠાઈ, સ્વીટ-ડીશ, આઇસ્ક્રીમ વગેરે કાઉન્ટરોની લાંબી લાંબી લાઈનો જોઈ છે ?

ના ! કેમકે બધા કંજુસિયા જ છે !

*** 

અરે, ચાંલ્લા લખવાનાં અને ગિફ્ટો સાચવનારાનાં ટેબલો પણ ક્યાં દેખાય છે? કેમકે ગેસ્ટો પણ ખાલી હાથે આવે છે !

(હીરોઈનો પાસે મોટાં પર્સ તો હોય, પણ અંદરથી કદી કોઈને ક્રેડિટ કાર્ડ બી કાઢતી જોઈ?)

*** 

એટલે જ કહું છું, આપણાં લોકોનાં મેરેજો આ હાઈ-ફાઈ લોકોનાં લગનો કરતાં લાખ દરજ્જે સારાં ! શું કહો છો…

***

- મન્નુ શેખચલ્લી

Comments